વલારડી ખાતે જ્ઞાનયજ્ઞના આઠમાં દિવસે અલૌકિક તુલસીવિવાહ યોજાયો
સમસ્ત વઘાસિયા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞના આઠમાં દિવસે શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટે પોતાની રસાળ શૈલીમાં સ્ત્રીના સન્માન વિશે જણાવતા કહ્યું કે, પોતાના ઘરમાં રહેલ સ્ત્રીનું સન્માન એજ સાચી શકિતપૂજા છે અને લોકોએ પોતાનું જીવન ચોકકસ ઉદેશ સાથે જીવવું જોઈએ. કર્તવ્ય દ્વારા અપાતો બોધએ સૌથી શ્રેષ્ઠ ઉપદેશ છે. જ્ઞાનયજ્ઞના આઠમાં દિવસે તુલસીવિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલારડી ગામથી રામજી મંદિરના ઠાકોરજી સમસ્ત વઘાસિયા પરિવારના રણ ખાંભીના સુરાપુરા દાદા શ્રી પાતાદાદાની દિકરી સમાન તુલસીજીને પરણવા આવ્યા હતા.
ઠાકોરજીની જાન હાથીની અંબારડીએ વલારડી ગામના મંદિરેથી બપોરે ૩ વાગ્યે નિકળી હતી. આ જાનની સાથે બેન્ડ પાર્ટી, ડી.જે. માતાજીના દર્શન સાથે ગ્રામજનો જોડાયા હતા અને સાંજે પ વાગ્યે ઠાકોરજીની જાન સભા સ્થળ ખાતે પહોંચી હતી ત્યારે બાલિકાઓ અને માતાજી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ જાન સભા મંડપ ખાતે પહોંચી હતી. ઠાકોરજીની જાનને બહેનો દ્વારા લગ્ન મંડપ સુધી લાવ્યા હતા અને ત્યારબાદ તમામ માતાજીના અલૌકિક દર્શન રાખવામાં આવ્યા હતા. શાસ્ત્રીજીએ શબ્દો દ્વારા ઠાકોરજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગળ લગ્નની વિધિ લગ્નગીતથી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ લગ્ન મંડપમાં શાસ્ત્રોકત રીત રીવાજ મુજબ અલૌકિક વિવાહની વિધી શરૂ થઈ હતી.
જ્ઞાનયજ્ઞમાં શાસ્ત્રી ગીરીશભાઈ લોઢા (ગબ્બર અંબાજી), માર્ગીય સ્વામી (બરોડા), ઘનશ્યામબાપુ (કાપડિયા આશ્રમ), વિરજીભાઈ ઠુંમર (ધારાસભ્ય બાબરા-લાઠી), પરેશભાઈ ગજેરા (ખોડલધામ પ્રમુખ), વસંતભાઈ મોવલિયા (ખોડલધામ ટ્રસ્ટી), સુરેશભાઈ દેસાઈ (સંજોગ ન્યુઝ) પી.એસ.આઈ (બાબરા), નિતેશભાઈ વઘાસીયા (અલ્ટ્રા કેબ, મુંબઈ), અરવિંદભાઈ (આર.વી.સ્ટોનેકસ-રાજકોટ) હાજર રહ્યા હતા.