સાબરકાંઠા, હિતેશ રાવલ: સમગ્ર દેશમાં કોરોનાની મહામારીથી ઘણા પરીવાર તૂટી ગયા છે તો ઘણા બાળકો અનાથ થઇ ગયા છે. વૈશ્વિક મહામારીની ઘણા ક્ષેત્રો પર ગંભીર અસર પડી છે. જેમાથી શિક્ષણ પણ બાકાત નથી. શાળાઓને તાળાં લાગતાં વિધાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ મળવાનું બંધ થઈ ગયું છે. ત્યારે શિક્ષણ વિના કોઈ વિધાર્થીની કારર્કિદીનો અંત ના આવે તે માટે સાબરકાંઠાના હિંમતનગરના બે યુવાનોએ શિક્ષણનો અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. જે વિનામૂલ્યે ઈજનેરીનું શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના હિમતનગરના પ્રો. નિર્મલ અને પ્રો.નિહાર વર્ષોથી પ્રયોશા એન્જીનિયરીંગ કલાસીસ ચલાવે છે. જેમાંથી કોચિંગ લઇ ઘણા તેજસ્વી વિધાર્થીઓએ ઉચી નામના પ્રાપ્ત કરી છે. પરંતુ હાલ કોરોનાકાળમાં વિધાર્થીઓની લિન્ક ન તૂટે અને ઘેરબેઠા પણ ભણી શકે તે માટે આ બંને શિક્ષકોએ ઓનલાઇન કલાસ શરૂ કર્યા છે. પરંતુ એવા ઘણા વિધાર્થીઓ છે જે આમા જોડાય શક્યા નથી. તેવામાં પ્રો. નિર્મલ અને પ્રો.નિહાર ધ્યાનમાં આવ્યું કે ઘણા વિધાર્થીઓએ પોતાના મા-બાપ, ઘરના સભ્યોને ગૂમાવ્યા છે. કેટલાક નિરાધાર બન્યા છે. બન્ને યુવાનોનું આ જોઇ દિલ દ્વવી ઉઠ્યું અને નિશ્ચય કર્યો અને આવા નિરાધાર બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. જેમાં એન્જીનિયરીંગ ક્ષેત્રે કારર્કિર્દી ઘડવા માંગતા તેજસ્વી વિધાર્થીઓ માટે આ અમૂલ્ય તક સમાન સાબિત થઈ.
પ્રો. નિર્મલ અને પ્રો.નિહારે માત્ર સાબરકાંઠાના જ નહિ પરંતુ રાજયભરમાંથી જે આવા અનાથ વિધાર્થીઓ હોય તેમને માટે એન્જીનિયરીંગના ડિપ્લોમાના તમામ સેમેસ્ટરોનું વિનામૂલ્યે ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ શરૂ કર્યુ છે. કોરોનાના કપરાકાળમાં જો આપની આસપાસ પણ આવા નિરાધાર બાળકો એન્જીનિયરીંગ ક્ષેત્રે કારર્કિદી ઘડવા માંગતા હોય તો www.prayosha24.com પર સત્વરે અરજી કરવા શિક્ષકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.