સેન્સેકસમાં ૫૦ અને નિફટીમાં ૧૨ પોઈન્ટનો ઉછાળો: રોકાણકારોમાં હાશકારો
ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી આવતી મંદીને આજે ઉઘડતા સપ્તાહે બ્રેક લાગી ગઈ છે. આજે સવારે બજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું જોકે ત્યારબાદ નીચા મથાળે લેવાલીનો દૌર શરૂ થતા મુંબઈ શેરબજારના બંને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં આવી જતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો હતો.
ગત સપ્તાહે શેરબજારમાં સતત બે દિવસ સુધી તોતીંગ ગાબડાના કારણે રોકાણકારોના અબજો રૂપિયાનું રીતસર ધોવાણ થઈ ગયું હતું. આજે સોમવારે ઉઘડતા સપ્તાહે પ્રિ-ઓપનીંગ અને ત્યારબાદ ઓપનીંગમાં પણ શેરબજાર રેડ ઝોનમાં જોવા મળ્યું હતું જોકે થોડી જ મિનિટોમાં સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં આવી જતા રોકાણકારોએ ફરી લેવાલીનો દૌર શરૂ કરી દીધો હતો જોકે શેરબજારમાં સતત ઉતાર-ચઢાવનો માહોલ હોવાના કારણે રોકાણકારો ખુબ જ સાવચેતી સાથે ચાલી રહ્યા છે. સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં છે તો સ્મોલ કેપ અને મીડ કેપ ઈન્ડેક્ષ રેડ ઝોનમાં છે. અમેરિકન ડોલર સામે આજે રૂપિયો થોડો મજબુત થયો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૧૦:૩૦ કલાકે સેન્સેકસ ૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૩૪,૪૧૭ અને નિફટી ૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦,૩૨૭ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે.