બે વર્ષ બાદ ફ્રેન્ચ ઓપનમાં ભાગ લઈ રહેલી રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ ત્રણ સેટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં નેધરલેન્ડ્સની રિચેલ હોગેનકેમ્પને ૬-૧, ૪-૬, ૬-૩થી પરાજય આપી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. આ મેચ એક કલાક ૫૬ મિનિટ સુધી ચાલી હતી.
૨૮મી ક્રમાંકિત મારિયા શારાપોવાએ વર્ષ ૨૦૧૫ બાદ પ્રથમ વાર ફ્રેન્ચ ઓપનમાં મેચ જીતી હતી. શારાપોવાએ પ્રથમ સેટ ૬-૧થી જીત્યો હતો અને બીજા સેટમાં ૪-૩થી આગળ હતી પરંતુ હોગેનકેમ્પે વાપસી કરતાં બીજો સેટ ૬-૪થી જીતી લીધો હતો. જેને કારણે મેચ ત્રીજા સેટમાં પહોંચી હતી જ્યાં શારાપોવાએ ૬-૩થી જીત મેળવી હતી.શારાપોવાનો હોગેનકેમ્પ સામે જીત-હારનો રેકોર્ડ ૨-૦ થઈ ગયો છે.
આ પહેલાં બંને ૨૦૧૫માં વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં ટકરાયા હતા જ્યાં શારાપોવાએ જીત મેળવી હતી. બીજા રાઉન્ડમાં શારાપોવાનો સામનો ક્રોએશિયાની ડોના વેકિક સામે થશે. વિશ્વમાં ૫૦મો ક્રમાંક ધરાવતી ડોના વેકિકે પ્રથમ રાઉન્ડમાં યૂક્રેઇનની કેટેરિના બોન્ડારેન્કોને ૬-૨, ૬-૪થી હાર આપી હતી.