બહેનો માટે મહારાસનું આયોજન
જસદણની શ્રીનાથજીની હવેલીમાં શરદ પૂર્ણિમા નિમિત્તે બહેનો માટે મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજીની હવેલીનાં પ્રમુખ કિરીટભાઈ સી. પટેલના જણાવ્યા મુજબ તા. 9-10-2022 ને રવિવારે આસો સુદ પૂનમ શરદ પૂર્ણિમા નિમિત્તે રાત્રે 8-30 થી 11.30 કલાક દરમિયાન ભવ્યતાથી શરદ ઉત્સવ ઉજવાશે.
શરદ પૂનમની રાત્રિએ સોળેકળાએ ખીલેલા ચંદ્રમાની શીતળ છાયામાં બહેનો માટે રાસ યોજાશે. આ માટે અદ્યતન લાઈટ અને સાઉન્ડ વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રે રાસની પૂર્ણાહુતિ બાદ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ જ્ઞાતિ સમાજના દરેક બહેનો વિનામૂલ્યે રસ ગરબા રમી શકશે. આ રાસોત્સવમાં તમામ બહેનોને ઉપસ્થિત રહેવા હવેલી ટ્રસ્ટે અનુરોધ કર્યો છે.