શરદ પૂનમની રાતડી એટલે સોળે કળાએ ખીલેલા ચંદ્રમા ભરેલ સૌંદર્યને નજીકથી નિહાળવાનો અવસર. જે ચંદ્ર પૂર્ણત્વનો પ્રતિનિધિ છે. ભારતીય શાસ્ત્ર એ હંમેશાંને માટે પૂર્ણ વ્યક્તિઓને,વસ્તુઓને વધુ મહત્વ આપ્યું છે.તેથી જ શરદપૂર્ણિમાનો ચંદ્ર જેને પૂર્ણ ચંદ્ર કહેવામાં આવે છે અને આથી જ તેનું મહત્વ પણ અત્યંત વધારે વર્ણવાયું છે.
શરદપૂર્ણિમાનો ચંદ્ર પૂર્ણત્વનો પ્રતિનિધિ છે. ભારતીય શાસ્ત્ર એ હંમેશાંને માટે પૂર્ણ વ્યક્તિઓને, વસ્તુઓને વધુ મહત્વ આપ્યું છે: શરદપૂર્ણિમાને કોજાગરા પૂર્ણિમા, કૌમુદી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે
ઊછીનું તેજ લઈને પ્રકાશતો ચંદ્ર ભલભલાને આશિક બનાવી દે છે, ને એમાં સાગરમાં ભળે તો સોને પે સુહાગા જેવું દ્રશ્ય બને
શરદપૂર્ણિમાને કોજાગરા પૂર્ણિમા, કૌમુદી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.મિથીલાના રાજા જનકે રાજા રામ માટે કોજગરા વ્રત કર્યું હોવાની માન્યતા છે.મિથિલા પ્રદેશમાં આ દિવસે વર પક્ષને ત્યાં ક્ધયા પક્ષ તરફથી ભેટ સૌગાદ આવે છે.જ્યારે બંગાળી સમુદાય આ દિવસે માં લક્ષ્મીની પૂજા કરી ધનપ્રાપ્તિ અને ઐશ્વર્યનું વરદાન માંગે છે. રાસરાજા ભગવાન શ્રી કૃષ્ણ એ શરદ પૂર્ણિમાના દિવસે સર્વે ગોપીઓ સાથે રાસલીલા કરી હતી તેથી આ દિવસને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
શરદપૂર્ણિમાના દિવસે ચંદ્ર પૃથ્વી કરતાં સૌથી વધારે નજીક હોય છે.આ પૂર્ણિમાના ચંદ્રમાની ચાંદનીમાંથી અમૃત ઝરે છે તેથી ચંદ્રને સુધાંશુ કહે છે અને આ ચંદ્ર નીચે દૂધ અને પૌવા મૂકીને પછી તેને આરોગવામાં આવે તો પિત્ત જેવા રોગોનું પણ નિવારણ થાય છે. માટે જ આ દિવસે દૂધ અને પૌંવા ખાવાનું મહત્વ છે.
જ્યારે શરદ પૂનમ આવતી ત્યારે યશોદા માતાજી ભગવાન શ્રી કૃષ્ણને દૂધ અને પૌંવા પલાળીને આપતા હતા. એ પ્રસંગ દ્વારિકામા પણ ભગવાન શ્રી કૃષ્ણ યાદ કરતાં ક્યારેક ક્યારેક કહે કે, “મને માતા શરદ પૂર્ણિમાને દિવસે દૂધ અને પૌંવા પલાળીને આપતી હતી.” આ દિવસે રાવણે પણ અરીસામાં ચાંદની જીલી પોતાના નાભિમાં ઉતારી દરવર્ષે નવયૌવન પ્રાપ્ત કરી શક્તિશાળી બનતો હતો એવી એક માન્યતા પ્રચલિત છે.
શરદપૂનમની રાત્રે ચાંદો ચડ્યો આકાશે તેના દ્વારા પથરાતી શીતળતા અને શાંતિ માણવાનો મહાપર્વ છે.આ દિવસે દરિયામાં પડતા ચંદ્રના કિરણો સમુદ્ર દર્શનનો વિશેષ રોમાંચ પેદા કરે છે.ઊછીનું તેજ લઈને પ્રકાશતો ચંદ્ર ભલભલાને આશિક બનાવી દે છે, ને એમાં સાગરમાં ભળે તો તો સોને પે સુહાગા જેવું દૃશ્ય હોય છે.આ પૂર્ણિમાનો આસ્વાદ લેતા કવિ કાન્ત રચિત “આજ મહારાજ! જલ પર ઉદય જોઈને,ચન્દ્રનો હૃદયમાં હર્ષ જામે” કાવ્ય સહજ યાદ આવી જાય છે.
કવિઓની કવ્યતવની કળા ચંદ્રને જોઈને વધુ ખીલી છે. આથી ગુજરાતમાં ગીત પ્રચલિત છે “શરદ પૂનમની રાત રંગ ડોલરિયો” કવિએ “રંગ ડોલરિયો” શબ્દ પ્રયોગ કરી શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રનો પ્રકાશ “ડોલરનાં ફૂલ રંગનો” હોય છે એવું સૂચિત કરે છે. શરદ પૂનમની રાતના ચંદ્રને જોઈને અનેક ગીતોના સર્જન થયા છે. ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ હોય કે તારા વીના શ્યામ મને એકલડું લાગે રાસે રમવાને વેલો આવજે ગીતમાં પણ શરદ પૂર્ણિમાની રાત્રે જ ગોપી ભાવથી કૃષ્ણને રાસ રમવાનું આમંત્રણ છે. આમ, શરદ પૂર્ણિમામાં એટલે યુગલો માટે પ્રણયનો, કવિ માટે કાવ્યત્વ અને નૃત્યકારને માટે રાસોત્સવનો દાહડો…