શરદપૂર્ણિમાનો મોંઘેરો મહિમા
પૂર્ણિમાનો અર્થ જ પૂર્ણતા, પૂર્ણ શાતા એટલે જ ચંદ્ર મંડળની સ્વામી તરીકે મા અંબાજીને બિરાજમાન કરી છે. અંબાનો અર્થ જ થાય ‘માતા’અને એટલે જ પૂણાંક સમા નવલા નોરતામાં, શકિતની ભકિત કર્યા પછી જ પૂર્ણશાતા મળે છે. યા ને ‘શરદ પૂર્ણિમા માં’ આવે છે.
અન્ય અર્થમાં જોઇએ તો, રસેશ્ર્વરની રાસલીલાનો રાસોત્સવ એટલે, ‘શરદપૂર્ણિમા’ નિખાલસ, નિર્મલ, નિલેપ પાવક પ્રેમ પાથરી, પૃથ્વીના પોખણા લેતો, એને અમી રસથી તરબતર કરતો, પાટોત્સવ એટલે, ‘શરદ પૂનમ’
રસોનો સમુહ એટલે ‘રાસ’ અને ‘લી’ એટલે, લીન થવું, અને ‘લા’ એટલે, પ્રગટ કરવું જે પૂર્ણાનંદનો ભાવ પ્રગટ કરી, ભાવવિભાર કરે, એનું નામ રાસ ‘રાસલીલા’ એ અનુપમ, અદભુત, અલૌકિક ઐકયોત્સવ છે. જે પરમ પાવક પ્રેમ દ્વારા પરમાત્માનું ઐકય સાધી એમાં લીન કરે છે. ‘રાસલીલા’ એટલે, અખૂટ આનંદની ભરતી અને આતમની ચડતી પરંતુ જયાં સુધી આ દેહની દિવાલના ભેદ છે. ત્યાં સુધી આ ભરતીની ભવ્યતા અધુરી રહે પણ જેવી એ દિવાલો ટૂટે કે, અંદરથી રાસ-રસનો અમી ફૂવારો ફૂટે પૂનમને ‘કોજાગરી’પુનમ પણ કહેવાય છે. મતલબ આજની રાત્રીએ જે જાગે છે તેના ઘેર લક્ષ્મી પધારે છે.
પૂનમને માણેક ઠારી પૂનમ પણ કહેવાય છે, આજના દિવસે વરસાદનું એક ટીપું જો છીપમાં પડે તો મોતી બની જાય છે.
શરદપૂનમે ચંદ્ર સોળે કળાએ ખીલી, માનદ કલ્યાણ અર્થે ઔષધિઓ ઉપર અમી વરસાવે છે એટલે સ્તો આયુર્વેદમાં એને ‘ઔષધિનાથ’ કહેવાય છે. જે શ્ર્વાસ, દમ, ચર્મરોગ, પેટના રોગો માટે લેવાયેલ ઔષધી અમૃતનું કામ કરે છે. એમાય જો ‘અશ્ર્વિની’ નક્ષત્ર હોય તો સોનામાં સુગંધ ભળે છે આજના દિવસે પિત્તનું સમન કરવા દુધ પૌઆ ખાવાનું વિશેષ મહત્વ છે. (ભાદરવામાં પિત્તનો ઉપદ્રવ વધારે થાય જે આગળ જતાં ઉશ્કેરાટ અને ઉત્પતિ સર્જે)
આજના દિવસે દરિયાના મોજાને થોડીવાર ત્રાટક દ્રષ્ટિએ જોવાથી મનની તમામ, હતાશા, નિરાશા અને અનિષ્ટ વિચારો અટકે છે શાંત થઇ જાય છે. આજના દિવસે ચંદ્રમાને થોડીવાર અનિમેષ નયને જોવાથી નયના નૂર વઘે છે, એવું કહેવાય છે, એવું પણ કહેવાય છે કે, આજના દિવસે ચંદ્રમાનો પૂર્ણ પ્રકાશ પડે એ રીતે ખુલ્લી અગાશીમાં ‘પતાસા’ રાખી એનો ઉપયોગ કરવાથી ઉનવા, બાળકોની પેટ પેશાબની ગરમી દૂર થાય છે. જુના જમાનામાં તો આજના દિવસે લીમડાના ઝાડમાં સહેજ ખાડો કરી, એમાં આંખમાં આંજવાનો સૂરમો રાખતા જે આંજવાથી આંખોનું તેજ વઘે, આજના દિવસે (કપાસ) ની પુણી ચાંદનીમાં મૂકી, કાળી ચૌદર્શના દિવસે તલના તેલનો દિવો કરી, આ વાટની મેષને કાંસાની થાળીના તળીયે એકત્રીત કરી આંખમાં આંજવાથી આંખોના અનેક રોગ મટે છે એવું ડોશીશાસ્ત્ર કહે છે.
ભારતમાં મૌર્યવંશના સામ્રાજયના સમયમાં આ ઉત્સવ કૌમુદિ મહોત્સવ તરીકે ઉજવાતો મનાવાતો એનું વર્ણન મુદ્રા રાક્ષસ નામના નાટકમાંથી મળે છે.