બિલ્ડરની ઓફિસમાં તોડફોડ કરી રૂ.15 હજારની લૂંટ ચલાવી: ત્રણ કર્મચારીઓ પર લોખંડના સળિયાથી કર્યો હુમલો: ત્રણેય આરોપીઓની ધરપકડ
શાપરમાં બની રહેલી નવી સાઈટ પર ત્રણ શખ્સોએ તોડફોડ કરી ત્રણ કર્મચારીઓને માર મારી રૂ.2 કરોડની પ્રોટેક્શન મની પડાવવાનો કારસો રચ્યો હોવાની ઘટના સામે આવી છે. લુખ્ખાઓએ ઓફિસમાં તોડફોડ કરી કર્મચારી પર લોખંડના સળિયા વડે હુમલો કરી રૂ.15 હજારની લૂંટ પણ ચલવ્યાનું ફરિયાદમાં નોંધાતા શાપર પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી લઇ આગવી ઢબે સરભરા કરી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના હરિ ઘવા રોડ પરની ગોપવંદના સોસાયટી નજીક રહેતા અને વ્રજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની પેઢીમાં નોકરી કરતા અંકિત દિનેશભાઇ બારસિયા (ઉ.વ.30)એ શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પારડીના અશ્વિન ધુડા, સમીર ઉર્ફે વિજય ગોસ્વામી અને રવિ મકવાણાના નામ આપ્યા હતા.
અંકિત બારસિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનિવારે સવારે નવ વાગ્યે શાપરમાં નવી બની રહેલી ઊર્જા -14 સાઇટની ઓફિસે હતો ત્યારે પેઢીના જ કોન્ટ્રાક્ટર અજય બેડવા તથા સુપરવાઇઝર આશિષ ગઢિયા પણ ઓફિસે પહોંચ્યા હતા, ત્રણેય કર્મચારી બેઠાં હતા ત્યારે અશ્વિન ધુડા સહિતના ત્રણેય આરોપી ઓફિસમાં ઘૂસી ગયા હતા અને લોખંડના સળિયાથી ઓફિસના તમામ કાચ ફોડી નાખ્યા અને અંકિતને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
ત્યારબાદ આરોપીઓએ પેઢીના અન્ય બે કર્મચારી અજય તથા આશિષને ટાર્ગેટ કરી બંનેને સળિયાના ઘા ઝીંકતા બંને કર્મચારી લોહીલુહાણ થઇ ગયા હતા. ઓફિસમાં આતંક મચાવી ત્રિપુટીએ જેટલી રોકડ હોય તે કાઢી આપવાની ધમકી દેતા ગભરાઇ ગયેલા ત્રણેય કર્મચારીએ પોતાના ખિસ્સામાંથી રોકડા રૂ.15 હજાર કાઢીને માથાભારે શખ્સોને આપી દીધા હતા. ત્યાર બાદ લૂંટ ચલાવીને જતી વખતે માથાભારે શખ્સોએ ધમકી આપી હતી કે, તમારા શેઠને કહી દેજો કે જો તમારે આ સાઇટ ચલાવવી હોય તો રૂ.2 કરોડ આપવા પડશે નહીંતર તમારી આ સાઇટની ઓફિસ સળગાવી નાખીશું. ઓફિસમાં ધમાલ અને લૂંટ ચલાવી ત્રણેય આરોપી નાસી ગયા હતા.
એક સમયે આવી રીતે જ લુખ્ખાઓ દ્વારા કોઈ પણ બિલ્ડરની નવી બનતી સાઈટ પર જઈ આરોપીઓ પ્રોટેક્શન મની પડાવતા હતા. એવી જ રીતે હવે શાપરમાં પણ ત્રણ લુખ્ખાઓએ બિલ્ડિંગમાં કામ ચાલુ રાખવા માટે કરોડોની પ્રોટેક્શન મની માંગતા બિલ્ડર લોબીમાં ગભરાટ મચી ગઇ છે. આ અંગેની શાપર પોલીસ મથકમાં જાણ થતાં પીએસઆઈ ગોહિલ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી તુરંત તપાસના ચક્રોગતિમાન હાથ ધર્યા હતા. જ્યારે ઘવાયેલા બે કર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શાપરના પીએસઆઇ ગોહિલ સહિતના સ્ટાફે અંકિતની ફરિયાદ પરથી ગુનો નોંધી ત્રણેય આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઇ ત્રણેયની આગવી સ્ટાઇલથી સરભરા કરી હતી. અશ્વિન ધુડા અને તેના સાગરિતોએ અગાઉ પણ અન્ય લોકોને ધમકાવીને પૈસા પડાવ્યાની શંકા સેવાઇ રહી છે. પોલીસે વધુ પૂછતાછ કરી છે.