એમઆરપીસી પેટ્રો કંપનીના સંચાલક દંપત્તીએ વાહનના સ્પેર પાર્ટ મગાવી પેમેન્ટ ન ચૂકવ્યું
ગોંડલ રોડ પર શાપરમાં આવેલી અતુલ ઓટો કંપની પાસેથી રૂ.૯૨ લાખની કિંમતના વાહન અને સ્પેરપાર્ટની એમઆરપીસી કંપનીના સંચાલક દંપત્તીએ મગાવી પેમેન્ટ ન ચૂકવી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના મોટા મવા ખાતે રેન્બો સિટીમાં રહેતા અને શાપર ખાતે અતુલ ઓટોમાં ફરજ બજાવતા યોગેશરંજન શત્રુધન સિંગે શાપર પોલીસ મથકમાં એમઆરપીસી પેટ્રો કંપનીના સંચાલક ચારૂ ગુપ્તા અને તેના પતિ પુનિત ગુપ્તા સામે રૂ.૯૨ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.અતુલ ઓટો પાસેથી ગત એપ્રિલમાં એમઆરપીસી પેટ્રો કંપનીએ ૪૦ જેટલા વાહન અને સ્પેરપાર્ટની ખરીદી કરી રૂ.૯૨ લાખનું પેમેન્ટ બાકી રાખ્યુ હતું. તેની ઉઘરાણી કરતા ચારૂ ગુપ્તા અને તેનો પતિ પુનિત ગુપ્તા જુદા જુદા બહાના બતાવી પેમેન્ટ ન ચૂકવી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. શાપર પોલીસ મથકના પી.એસ.આઇ. અરવિંદસિંહ જાડેજા અને ઉપેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.