રેજન્સી લગૂન રીસોર્ટ ખાતે આયોજન: શહીદ જવાનોના પરિવારને ચેક વિતરણ કરાશે: એસો.નાં હોદેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શહિદ જવાનોનાં ૩૫ પરિવારોને ચેક વિતરણ, મેમ્બર ડિરેકટરીનું વિમોચન તથા વાર્ષિક સાધારણ સભાનું આયોજન બુધવારે તા.૧૧/૯ને સાંજે ૫:૩૦ કલાકે રેજન્સી લગૂન રીસોર્ટ, ન્યારી ડેમ, કાલાવડ રોડ ખાતે કરાયું છે. ભવ્યાતિભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા એસોસીએશનનાં હોદેદારોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજકોટ શહેર ઔધોગિક ક્ષેત્રે આગળ પડતું સ્થાન ધરાવે છે. રાજકોટથી નજીક નેશનલ હાઈવે ઉપર ૧૫ કિમી દુર શાપર-વેરાવળ ઔધોગિક ઝોન આવેલ છે. જેનો વિસ્તાર ૨૦ ચો.કી.મી. છે. મેટોડામાં જીઆઈડી હોય તેનો વ્યવસ્થિત વિકાસ શકય છે જયારે શાપર-વેરાવળમાં ૧૫૦૦ એકર ખેતીની જમીન વ્યકિતગત ધોરણે બીનખેતી થઈ ઉધોગો ચાલે છે. આ માટે સંતુલિત વિકાસ માટે એસોસીએશન બનેલ છે અને તેના મારફત ઉધોગોનાં પ્રશ્ર્નો હલ કરવામાં આવે છે.હાલમાં એસોસીએશનનાં પ્રાણ પ્રશ્ર્નો પીવાનું પાણી, ગરીબ માણસો માટે રહેણાંકનાં મકાનો ભુગર્ભ ગટર, ઔધોગિક ઘન કચરાનો નિકાસ, પ્રદુષિત પાણીનાં કારણે થતો રોગચાળો વગેરે છે. આ માટે રાજય સરકારની સહાયથી પ્રશ્ર્નો હલ થાય તેવા પ્રયત્નો ચાલુ છે.
શાપર-વેરાવળમાં ગ્રામ પંચાયતો છે તેને નિયમ મુજબ નગરપાલિકા મળી શકે તેમ છે. આ માટે રજુઆત કરવામાં આવી છે. ઔધોગિક ઝોન શાપર-વેરાવળ ક્રિટીકલ ઈન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ પ્રોજેકટ અન્વયે એસોસીએશન માફરત રૂા.૫૩ કરોડનાં ખર્ચે ૪૬ કિમીના પાકા સિમેન્ટ રોડ બનાવેલ છે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શાપર વેરાવળ ચોકડી પાસે ઓલવરબ્રીજ તથા પારડી ગામ અને શીતળામાતા મંદિર પાસે અંડરપાસ બ્રીજ મંજુર કરાવેલ અને શીતળા માતા મંદિર અંડરપાસની ઉંચાઈ ૩.૫ મીટર મંજુર કરેલ તે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજુઆત કરી ૫.૫ મીટર કરી રી ટેન્ડરીંગ કરાવેલ અને આ કામ પૂર્ણ થઈ ગયેલ છે.
વ્યકિતગત ધોરણે ઉભી થયેલ ઔધોગિક વસાહતમાં દરેક પ્રકારનાં ઉધોગોનાં કારણે અંદાજે ૧૬૫૦૦૦ થી વધુ લોકોને રોજગારી પુરી પાડે છે સરકારને કરની આવક, વિદેશી હુંડીયામણ મળે છે તેના વિકાસ માટે રાજય સરકાર મદદરૂપ બને તે માટે અપેક્ષા રાખવામાં આવી છે. આરોગ્યને લગતી સુવિધા માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરાવેલ છે. તેમજ ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવા માટે રૂા.૫ લાખનાં ખર્ચે ઓફિસ બનાવી ભાડા વગર સન ૨૦૦૯થી બેસવા માટે આપેલ છે. જુલાઈ-૧૯થી રાહત દરે દવાખાનું એસોસીએશનનાં બિલ્ડીંગમાં શરૂ કરેલ છે.
સામાજીક જવાબદારીના: ભાગરૂપે રકતદાન કેમ્પ, વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ, સ્વચ્છતા જાગૃતિનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. બુધવારનાં આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો, રાજકીય આગેવાનો, પદાધિકારીઓ, સંસ્થાઓ તેમજ આમંત્રિતો સર્વ અવશ્ય હાજરી આપવા એસોસીએશનનાં ચેરમેન રમેશભાઈ વી.ટીલાળા તથા પ્રમુખ કિશોરભાઈ કે.પટેલ હોદેદારો તેમજ કારોબારી સભ્યોએ અનુરોધ કર્યો છે.