સોડા પીવા રસ્તામાં ઊભા રહ્યા અને કાળ ભેટ્યો: બે સંતાનોએ માતા – પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ
શહેરના ભાગોળે શાપર નજીક કાર ચાલકે રીક્ષાને ઠોકર મારતાં ચાલક યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે તેમાં સવાર મૃતકના માતા અને માસીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં આવેલા ચુનારાવાડ વિસ્તારમાં રહેતા સની દાનાભાઈ બાવરીયા (ઉ.વ.30) તેની માતા મંજુબેન દાનાભાઈ બાવરીયા (ઉ.વ.45) અને માસી જયશ્રીબેન દેવરાજભાઈ સોલંકી (ઉ.વ.35) રિક્ષામાં બેસી શાપર જઈ રહ્યા હતા. ત્યારે શાપરમાં પહોંચતા જ સની બાવરીયાએ સોડા પીવા માટે રીક્ષા સાઈડમાં ઉભી રાખી હતી. તે દરમિયાન માતેલા સાંઢની જેમ ધસી આવેલા કારના ચાલકે રિક્ષાને પાછળથી ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બંધ ઊભેલી રીક્ષામાં આગળ બેઠેલા ચાલક સની બાવરીયા તેની માતા અને માસીને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રીક્ષા ચાલક સની બાવરીયાનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શાપરમાં ઈટોના ભઠ્ઠામાં સની બાવરીયાની ફઈનો પરિવાર કામે આવ્યો હતો. તેથી સની બાવરીયા તેની માતા અને માસી સાથે ફઈને મળવા માટે જતા હતા. તે દરમિયાન શાપરમાં પહોંચતા જ રીક્ષા રોડ ઉપર ઉભી રાખી સોડા પીવા ઉભા હતા. તે દરમિયાન કાર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો અને મૃતક સની બાવરીયાની પત્નીનું બે વર્ષ પૂર્વે બિમારી સબબ મોત નીપજ્યું હતું. મૃતક સની બાબરિયાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે બે સંતાનોએ માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાયો છે.આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.