વિસાવદરના માંડવાડ ગામના ધનજી અને અન્ય શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસી હુમલો કર્યો: ભાભીને બચાવવા ગયેલા દિયરને પણ લમધાર્યો
શાપરમાં વાછરાદાદાના મંદિર પાસે પ્રેમલગ્નનો ખાર રાખી યુવકના પરિવાર પર વિસાવદરના માંડવાડ ગામે રહેતાં યુવતીના પિતા સહિતના શખ્સોનો ફરસીથી હુમલો કરતાં મહિલા સહિત બે લોકોને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે શાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપરમાં વાછરાદાદાના મંદિર પાસે રહેતાં સાગરભાઇ સામંતભાઇ સાટકા (ઉ.વ.27)એ આરોપી તરીકે વિસાવદરના માંડાવડમાં રહેતાં ધનજી ટોળીયા, મસા ટોળીયા અને અમરા ધ્રાંગીયાનું નામ આપતાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
જેમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ સાગરભાઈ ડ્રાઇવીંગ કરી મારા પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાતના નવેક વાગ્યાની આસપાસ પોતે ઘર બહાર ખાટલા પર સુતો હતો ત્યારે માંડાવડ ગામના ધનજી ટોળીયા, અમરા ધ્રાંગીયા તથા મસા ટોળીયા ત્રણેય ઘર પાસે આવી અને બાજુમાં રહેતા કૌટુબિક ભાભી ભાવનાબેનને અમારી દિકરી નેહા ક્યાં છે કહી ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેથી યુવાને ભાભીને ઝપાઝપી માંથી છોડાવવા જતા તેને મસાભાઇએ પકડી લઇ અમરાભાઇ લાકડી મારવા લાગતા દોડીને ઘરની અંદર જઈ ઝાળી બંધ કરી દેતા ભાવનાબેન બહાર રહી જતા ઘનજીભાઇએ ફરશી નાક પર મારતા લોહી લુહાણ થઇ ગયા અને નીચે પડી જતા ત્રણેય શખ્સોએ કહ્યું હતું કે, મારી દિકરી સાથે તમારા દિકરાએ લવ મેરેજ કર્યા હોય જેથી મારી દિકરીને પાછી મારા ઘરે મોકલી આપજો નહીતર તમને જાનથી મારી નાખીશ ધમકી આપી નાસી છૂટ્યા હતાં.
બાદમાં ફરિયાદી અને તેના ભાભીને સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેના કૌટુબિક જગમાલભાઇના દિકરાએ માંડાવડ ગામના ધનજીભાઇની દિકરી નેહા સાથે લવ મેરેજ કર્યા હોય જેનો ખાર રાખી ધનજીભાઇ તથા તેની સાથેના શખ્સોએ તેના ભાભી અને તેમની સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો. જે બનાવ અંગેની ફરિયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી ત્રણેય શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.