- આઇયે “ના” બિહાર મેં….
- યુવાન તેના પિતરાઈ ભાઈ સાથે પટના એરપોર્ટ પર ઉતરતા જ બે શખ્સો કારમાં બેસાડી ખેતરમાં લઇ ગયા : ઢોર માર માર્યો
- રોકડા રૂ.47,500, 44 હજારના વાઉચર અને બે મોબાઈલ પણ પડાવી લીધા
- વધુ ખંડણી માંગી ફરીવાર ઉઠાવી જવાની ધમકી આપનાર બિહારની ગેંગ વિરુદ્ધ શાપર પોલીસમાં ગુનો
એલ્યુમિનિયમ ઓર્ડરના એમઓયુ કરવાં શાપરના કારખાનેદારને બિહાર બોલાવી અપહરણ કરી લૂંટી લેવાનો બનાવ સામે આવતાં કારખાનેદાર અને વેપારી લોબીમાં ખળભળાટ મચી ગયો હતો. શાપર પોલીસે ગુનો નોંધી બિહારની ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. રાજકોટનો યુવાન કારખાનેદાર તેના પિતરાઈ સાથે પટના એરપોર્ટ ઉતરતાં જ બે શખ્સો કાર લઈ આવ્યા અને અવાવરું ખેતરમાં લઈ જઈ ઢોર મારામાર્યો હતો અને પિતા પાસે ફોન કરાવી રૂ.2.50 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધાં હતાં.સમગ્ર મામલામાં રાજકોટના નાના મવા રોડ પર વ્રજ કોમ્પ્લેકક્ષ ફ્લેટ નં.402 માં રહેતા મૂળ કાલાવડના ભાંગા ગામના વતની મહેકભાઇ પ્રફુલભાઈ ચોવટીયા (ઉ.વ.22) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે શિવરાજ સગી એજીએમ સેન્ટ્રલ કોલફિલ્ડ કંપની હજારીબાગ, ઝારખંડ નામ ધારણ કરનાર શખ્સ અને રાહુલ નામનો માણસ તેમજ તેની સાથેના અજાણ્યાં શખ્સોના નામ આપતાં શાપર પોલીસે બીએનએસ એક્ટ 140(2),309(4),319(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓને કોટડાસાંગાણીના પડવલા મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં શીવાય એન્ટરપ્રાઇઝ નામે એલ્યુમીનીયમ ઇંગોટ બનાવવાનું કારખાનુ ચલાવે છે. ગઈ તા.25/03/2025 ના તેઓ કારખાને હતા ત્યારે તેમના પિતાને ફોન આવેલ કે, હું સેન્ટ્રલ કોલફિલ્ડ (સી.સી.એલ.) કંપની હજારીબાગ, ચરહી, ઝારખંડથી એજીએમ શીવાજ સગી બોલુ છુ, અમારે મહીને 200 ટન એલ્યુમીનીયમ એસની જરૂરીયાત છે તમે આપી શકશો તેમ કહેતા, તેઓએ હા પાડતા તેણે કહેલ કે, તમે અમારી કંપનીએ આવી એમઓયુ કરી જાવ તેમ કહેતા કારખાનુ ફરીયાદીના નામે હોય જેથી તેઓના પિતાએ તેમને તથા કુટુંબી કાકા આશીષભાઈ ભંડેરીને એમઓયુ કરવા મોકલતા અમો બંન્ને તા.27/03/2025 ના અમદાવાદથી બાય ફ્લાઈટ પટના (બીહાર) ગયેલ અને પટના એરપોર્ટે ઉતરતા બપોરના એક સવા એક વાગ્યે ફોન આવેલ કહેલ કે હું, રાહુલ બોલુ છુ તમને રીસીવ કરવા આવેલ છુ.હું એરપોર્ટના ગેઇટ પાસે સફેદ રંગની આઈ-20 કાર જેના નં. બીઆર-01-જેએફ-7018 લઈને ઉભો છુ તેવી વાત કરતા બંન્ને એરપોર્ટના ગેઇટ પાસે જતા ત્યાં કાર પાસે રાહુલ તથા તેની સાથે બીજો માણસ ઉભેલ હતો. જેથી તેઓ ગાડીમાં બેસી ગયેલ બાદ પટના પશ્ચીમ દરવાજાથી દોઢેક કીલોમીટર આગળ પહોચતા ત્યાં ડ્રાઇવરે એક રસ્તામાં જતી સ્ત્રી સાથે કાર ભટકાડતા તે સ્ત્રીને લાગી જતા તેને દવાખાને લઇ જવા માટે રાહુલ ત્યાં ઉતરી ગયેલ અને ડ્રાઇવર તેઓને 70 થી 80 કી.મી. દુર લઈ જઈ રસ્તામાં ગાડી ઉભી રાખી હતી. ત્યાંથી એક માણસ ગાડીમાં બેસી ગયેલ અને તેણે અમને ગન બતાવી ડરાવેલ બાદ તે બે ત્રણ કીલોમીટર આગળ લઇ ગયેલ હતાં.
ત્યાં બે બાઇકમાં ચાર માણસો આવેલ અને તેઓને કોઇ અવાવરૂ ખેતરમાં લઇ ગયેલ અને બંન્નેના મોબાઇલ ફોન, બંન્નેના પાકીટ તેમજ ફરીયાદી પાસે રહેલ રોકડ રૂ.12,500 તથા આશીષ પાસે રહેલ રોકડ રૂ.35 હજાર તેમજ મેકબુક લઈ લીધેલ અને બંન્નેના મોબાઇલ ફોનના પાસવર્ડ માંગી ફોન ફ્લાઇટ મોડમાં મુકી તેઓના વાઇફાઇથી બંન્નેના મોબાઇલ ફોનના વોટ્સઅપમાં તેમના પિતાને શેર કરેલ લાઇવ લોકેશન ડિલીટ કરી નાખેલ હતું. બે-ત્રણ કલાક બાદ આરોપી રાહુલ ત્યાં આવેલ અને અંધારૂ થઈ જતા આરોપીઓ કારમાં પાંચેક કીલોમીટર દુર ખેતરમાં લઈ ગયેલ અને ત્યાં બે માણસો ઉતરેલ અને ત્યાં બીજા બે માણસો હાજર હતા. રાહુલ તથા તેની સાથેનો બીજો એક માણસ કાર લઈને ત્યાંથી જતા રહેલ બાદ ત્યાં હાજર ચારેય માણસો આશરે દોઢ-બે કીલોમીટર ચલાવી એક ખેતરની ઓરડીમાં લઈ ગયેલ હતાં.
ત્યાં બીજા પાંચ માણસો હાજર હતા જેમાંથી ચાર માણસો પાસે જોટાવાળી બંધુક હતી અને ત્યાં ખેતરની ઓરડીમાંથી એક માણસ તેઓને ફોનમાં વાત કરાવતો હતો. સામેનો માણસ બંન્નેના બેંક એકાઉન્ટની ડીટેઇલ માંગતો હતો. બાદ મોડી રાત્રીના તેઓ દોઢ કરોડ રૂપીયા આપો નહીતર મારી નાખશુ તેવી ધમકી આપતા હતા. બીજા દિવસે એટલે તા.28 ના સવારના અગીયારેક વાગ્યે ફરિયાદીના પિતાના મોબાઇલ નંબર લઇ તેના વોટ્સઅપ કોલમાં પિતા સાથે વાત કરાવી કહેડાવેલ કે, પચાસ લાખ રૂપીયા આમને આપો નહીતર આ બધા અમને મારી નાખશે તેવી વાત કરાવેલ હતી.આરોપીઓ ઘણી વખત ફરીયાદી પાસે ફોન કરાવતા હતા અને આ વાત દરમ્યાન ધોકા વડે મારતા પણ હતા તેમજ નગ્ન વિડીયો પણ ઉતારતા હતા. જેથી ફરીયાદીનાં પિતાએ તેમને રૂપીયા આપવાની હા પાડતા તેઓએ અલગ અલગ બેંક એકાઉન્ટ આપતા તેના પિતાએ એકાઉન્ટમાં રૂ.2.50 લાખ નાખેલ હતાં. બાદ સાંજના સાડા આઠ વાગ્યે બે શખ્સ તેમની આઈ.20 કારમાં બેસાડી બીહારના ઇસ્લામાપુર ટાઉનથી આશરે એકાદ કીલોમીટર દુર બંન્નેના પાકીટ તથા આશીષની મેકબુક આપી ઉતારી દિધેલ હતાં.
બાદમાં તેઓ બંન્ને ત્યાંથી ઈસ્લામાપુર પહોંચી એક મોબાઇલ ફોનના દુકાનવાળાના ફોનથી તેના પિતાને ફોન કરી ગુગલ પે દ્વારા રૂપીયા મંગાવી તે દુકાનેથી નવો મોબાઇલ ફોન તથા સીમ લઈ ત્યાંથી બસમાં બેસી રાંચી તા.29/03/2025 ના વહેલી સવારના પહોચેલ તે દરમ્યાન તેમના પિતા પણ તેઓને શોધતા શોધતા રાંચી પહોંચી ગયેલ અને ત્યાંથી ત્રણેય ફ્લાઇટમાં અમદાવાદ આવી ગયેલ હતાં.બાદમાં ફરિયાદી અને તેના પિતરાઈએ પોતાના બેંક એકાઉન્ટ તપાસતા ફરિયાદીના એકાઉન્ટમાંથી રૂ.34 હજાર તેમજ આશીષના એકાઉન્ટમાંથી રૂ.9900 નું ગીફ્ટ કાર્ડ લઈ ઈ-મેઇલ ઉપર ટ્રાન્સફર કરી લીધેલ હતુ. તેમજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરી લીધેલ હતુ. ઉપરાંત આરોપીઓ હજુ પણ અવારનવાર ફરીયાદીનાં પિતાને ફોન કરી વધું ખંડણીની માંગણી કરી રૂપીયા નહીં આપો તો ફરિવાર તમારા પુત્રને ઉપાડી જશું તેવી ધમકી આપી છે. બનાવ અંગેની ફરીયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી પીઆઈ આર.બી.રાણા અને ટીમે તપાસ હાથ ધરી હતી.