૩૦ દિવસમાં ૧૦ કારખાનામાં કરી ચોરી: આઠ શખ્સો સીસીટીવીમાં કેદ
ઈન્ડસ્ટ્રીઝના હાર્દ સમાન શાપર-વેરાવળમાં ચડ્ડીબનીયાન ધારી ગેંગે એક માસમાં કહેર વરસાવી ૩-૩ વખત ચોરીને અંજામ આપી ૧૦ જેટલા કારખાનાઓમાં લાખોની મત્તાનો હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવતા કારખાનેદારને ફફડાટ ફેલાયો છે. પોલીસે ઘટનાને પગલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથઘરી છે. જેમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગના આઠ સાગરીતો સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયા છે જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં છેલ્લા એક માસથી ચડ્ડીબનીયાન ધારી ગેંગ સક્રિય થઈ છે. છેલ્લા એક માસમાં આ ગેંગ દ્વારા ૩-૩ વાર ચોરીને અંજામ આપી ૧૦ જેટલા કારખાનાઓમાં લાખોની મત્તાનો હાથફેરો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
શાપર પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં ચડ્ડીબનીયાન ધારી ગેંગના આઠ જેટલા સાગરીતો કારખાનામાં હાથફેરો કરતાં નજરે ચડ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચડ્ડી બનીયાન ગેંગના સાગરીતોની શોધખોળ હાથધરી છે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં એક ડઝનથી વધુ મંદિરોમાં ગેંગ દ્વારા થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી. ત્યાં ફરી એકવાર ચડ્ડી બનીયાન ગેંગ દ્વારા શાપર-વેરાવળ કારખાનાઓને નિશાન બનાવી અત્યાર સુધી ૧૦ જેટલા કારખાનાઓમાં હાથ ફેરો કરી પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે.