શાપર – વેરાવળ રોડ વાહનચાલકો માટે જાણે અભિશાપ બન્યો હોય તેમ દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં બેફામ વધારો થઈ રહ્યો છે. જેમાં ગઇ કાલે પણ વિકાસ સ્ટવ પાસે રોડની સાઈડમાં ઉભેલા યુવાનને ટ્રેકટરે અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવકે ટૂંકી સારવારમાં જ દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બે દિવસ પહેલા જ શાપર – વેરાવળ હાઇવે પર એક જ દિવસમાં અનેક અકસ્માતના બનાવ સામે આવ્યા હતા. તેવી જ રીતે ગઇ કાલે શાપરમાં ભૂમિ ગેટ પાસે રહેતા અને ડ્રાઈવિંગનું કામકાજ કરતા ચેતન સવજીભાઈ જાદવ નામના ૨૨ વર્ષીય યુવાનને વિકાસ સ્ટવ પાસે ટ્રેક્ટર ચાલકે ઠોકરે લેતાં તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા શાપર પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ચેતન જાદવ ડ્રાઈવિંગનું કામકાજ કરી ઘરે આવ્યા બાદ વિકાસ સ્ટવ કારખાના પાસે ચા-પાણી પીવા ગયો હતો. જ્યાં ટ્રેકટર ચાલકે યુવાનને અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં પ્રાથમિક સારવારમાં જ ચેતન જાદવે દમ તોડતા પરિવારમાં આક્રંદ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.