ધર્મની માનેલી બહેનના ઘરની બહાર જ યુવકને છરીના ઘા ઝીંકી રહેશી નાખ્યો’તો
શાપરમાં રવિવારે રાત્રીના એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા એલસીબી અને શાપર પોલીસ મથકના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીના કલાકોમાં હત્યારાને દબોચી લઈ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં પ્રેમિકા સાથેના આડા સંબંધની શંકાએ પ્રેમીએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપરમાં કેપ્ટન ગેટની અંદર આવેલા એક્ટિવ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કામ કરતો અને કારખાનાની જ ઓરડીમાં રહેતા ખેડાના માયરાના મુવડા ગામના વતની ઉપેન્દ્ર રાવજીભાઇ સેનવા (ઉ.વ.૩૮)ની રવિવારે રાત્રે હત્યા કરાયેલી લાશ ટેસીસય કારખાનાની બહાર મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ સહિતની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ઉપેન્દ્રના અગાઉ બે લગ્ન થયા હતા અને બંને સાથે ટૂંકાગાળામાં જ છૂટાછેડા થતા એકલો રહેતો હતો. મૃતક ઉપેન્દ્ર શાપરમાં ટેસીસય કારખાના નજીક રહેતી કાંતા નામની યુવતીને ધર્મની બહેન માનતો હતો. કાંતાને ખોડલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતાં સડોદરના વતની સુમિતકુમાર ભૂપત પરમાર સાથે પ્રેમસંબંધ હતો અને સુમિત અવારનવાર કાંતાના ઘર પાસેથી પસાર થતો હોય અગાઉ ઉપેન્દ્રએ તેને ટપાર્યો હતો અને ત્યાંથી પસાર થવાની ના પાડી હતી.
પ્રેમિકાના ધર્મના ભાઈ ઉપેન્દ્ર અને પ્રેમી સુમિત સાથે બે દિવસ પૂર્વે પણ આ મામલે માથાકૂટ થઇ હતી. રવિવારે રાત્રે સુમિત ફરીથી ત્યાંથી પસાર થતાં ઉપેન્દ્રએ તેને અટકાવી ગાળ ભાંડતા ઉશ્કેરાયેલા સુમિતે છરીના પાંચ ઘા ઝીંકી યુવાનનું કાસળ કાઢી નાખ્યું હતું. ઘટનાની જાણ થતાં શાપર પોલીસ મથકના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા અને પીએસઆઈ એચ.સી.ગોહિલ સહિતના સ્ટાફે હત્યા કરી નાસી ગયેલા સુમિતને ગણતરીના કલાકોમાં પાટડી શીતળા માતાના મંદિર પાસે જેરામ બાપાની વાડીએથી દબોચી લીધો હતો.