જેતપુર શહેરમાં આજે પટેલ સમાજ દ્વારા દેવાયત ખાવડ નામના કલાકાર દ્વારા સરદાર પટેલ વિરુધ્ધ ઘસાતુ બોલવા અને એક પટેલ યુવાન પર હુમલાના વિરોધમાં એક વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ જયારે કાઠી સમાજ દ્વારા પોતાના સમાજ વિરુધ્ધ સોશ્યલ મીડિયામાં એલફેલ બોલનાર સામે રેલી કાઢી વીર ચાંપરાજવાળાનાં પૂતળાને હારતોરા કર્યા હતાં.
જેતપુર મા પટેલ સમાજ દ્વારા સરદાર પટેલ વિરુધ્ધ ઘસાતુ બોલનાર કલાકાર દેવાયત ખાવડ વિરુદ્ધ અને બે દિવસ પહેલા આજ બાબતનું આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરીએ ગયેલા ત્યારે કેટલાક કાઠી સમાજનાં યુવાનો દ્વારા તમે આવેદન પત્ર ન આપો તો સારૂ છે તેમ જણાવતા પટેલ યુવાનોએ આવેદન આપવાનું માંડી વાળયું હતું અને તેમાંથી એક પટેલ યુવાન ત્યાંથી ઘરે જતા હતો ત્યારે કેટલાક કાઠી સમાજનાં યુવાનોએ તેને માર મારેલ તે બાબતની પોલીસ ફરિયાદ પણ થયેલ જેથી લેઉવા પટેલ સમાજ (એલપીએસ) ગ્રૂપ દ્વારા સરદાર પટેલ વિરુધ્ધ ઘસાતુ બોલનાર કલાકાર અને આવેદન આપવા જનાર યુવક પર હુમલો કરનાર વિરુધ્ધ આવેદન આપવાનું નકી થતાં જ પોલીસ દ્વારા એલપીએસ ગ્રૂપ નાં કલ્પેશ રાંક અને હાર્દિક કોઠારીની ગત રાતે જ અટકાયત કરી લેતા સવારે રેલી અને આવેદન માટે એકઠા થયેલા પટેલ સમાજનાં યુવાનો અને આગેવાનો દ્વારા પોલીસને અટકાયત કરાયેલ બંને યુવાનોને છોડી મૂકવાની માંગ કરી હતી જેને કારણે પોલીસે બંને યુવાનને છોડવા પડયા હતાં.
આ બંને યુવાનોને પોલીસે છોડતા જ સરદાર ચોક ખાતે સરદાર પટેલની બાવલાને હારતોરા કરી જય સરદારનાં નારા સાથે સમગ્ર જિલ્લાની પોલીસનાં બંદોબસ્ત અને ખુદ જિલ્લા પોલીસ વડા અંતરિમ સુદની ઉપસ્થિતીમાં ચાલું વરસાદે વિશાળ રેલી શરૂ થઈ હતી જે તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ પૂર્ણ થઈ હતી.
બીજી જેતપુર શહેરમા કાઠી(દરબાર) સમાજ દ્વારા પણ એક રેલી કાઢી વીર ચાંપરાજવાળાને હારતોરા કરી કાઠી સમાજ તો માફી આપવા વાળો સમાજ છે અને અમો પટેલ સમાજ સાથે હળીમળીને રહેવા વાળો સમાજ છે અને કેટલાક પટેલ યુવાનો સોશ્યલ મીડિયા મારફત કાઠી સમાજનું ઘસાતુ બોલતા વિડીયો વાયરલ કરે છે તેવુ તેઓને ન કરવું જોઈ તેવું જણાવ્યુ હતું
આજ બંને સમાજની રેલીથી શહેરમાં ભારે ટેન્શનનો માહોલ સર્જાયો હતો. પરંતુ પૂરતા અને સખત પોલીસ બંદોબસ્તને કારણે કોઈ પ્રકારનો અનિચ્છનીય ન બનતા શહેરીજનો અને પોલીસ બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો.