ગુજરાતમાં નવી તાકાત ઉભી કરવા
સરકાર પ્રજા માટે નહીં, ‘ભાજપા’ માટે જ કામગીરી કરે છે: ભ્રષ્ટાચાર-મોંઘવારીના ભરડામાં ધકેલાઇ રહી છે પ્રજા: પોતાની વિચારસરણી લોકોમાં થોપતી સરકારે પીએમની ગરિમા નીચે ઉતારી છે:
શંકરસિંહ વાઘેલા ‘શક્તિદળ સંગઠન’ને મજબુત બનાવવાના ધ્યેય સાથે મળી પત્રકાર પરિષદ
ગુજરાતમાં એક મજબૂત સંગઠન સાથે નવી તાકાત ઉભી કરવા ઘણા વર્ષો બાદ આજે ફરીથી ‘શક્તિ દળ’ સંગઠન મજબૂત બનવા જઈ રહ્યું છે. ‘શક્તિ દળ’ યુવાનોને શિસ્ત, સયંમ, સ્વમાન અને સેવાની નવી ક્ષીતીજો બતાવવા આગામી સમયમાં વધુ મજબૂત બને અને યુવાઓ યોગ્ય રસ્તે વળે તે માટે ફરીથી સક્રિય બનેલા ‘શક્તિ દળ’ સંગઠન માટે એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને આજે પ્રેસ મીડિયા સાથે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
‘શક્તિ દળ’નો યુવાન સ્વમાનના ભોગે કોઈ સમાધાન નહીં કરે, અભિમાની નહીં પણ સ્વાભિમાની તો હશે જ, ટોળાશાહીથી નહીં પણ શિસ્ત અને સંગઠન દ્વારા લોકો પ્રજાને સાચો રાહ ચિંધી શકે છે જે પોતાની જાતનું સમર્પણ કરવાની ધગશ ધરાવતો હોય, જે તકની રાહ જોયા વિના આગળ વધતો હોય તેવા યુવાનોનું દળ તે ‘શક્તિ દળ’ છે.
પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ ફરીથી સક્રિય બનેલા ‘શક્તિ દળ’ સંગઠનનો શંખનાદ રાજકોટ ખાતેથી ફૂકયો છે. આગામી દિવસોમાં અમદાવાદ, સુરતમાં પણ ‘શક્તિ દળ’ સક્રિય થશે તેમ જણાવ્યું હતું. આ સંગઠનમાં જે યુવાઓ સક્રિય રહી લોકહિત માટે કાર્ય કરશે તેવા ચહેરાઓ આગળ રહેશે. બજેટ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં દેશ પંદર વર્ષ પાછળ ગયો છે. આજે એક પણ અર્થ શાસ્ત્રી કેબીનેટમાં નથી. માત્ર ભાષણો આપી મત આપ્યા છે તે ભાજપાની સરકાર ફકત ભાજપ માટે કામ કરી રહી છે. જેમાં પ્રજાની અધોગતિ થઈ છે. આજે કારણ વગરના મુદ્દાઓને સરકાર દ્વારા ઈસ્યુ બનાવવામાં આવી રહ્યાં છે જેમ કે રામ મંદિર, ભાજપાની સરકાર કેન્દ્રમાં હોય આજે પીએમની ગરીમા નીચે ઉતરી છે.
અંતમાં જણાવ્યું હતું કે, ભાજપાએ પ્રજાની લાગણીઓને છંછેડી છે, મારૂ એનસીપીમાં જોડાવાનું કારણ બીજેપી સામે લડવુ, ઇલેકશનની તૈયારીઓ તેમજ બીજેપીને સત્તામાંથી દૂર કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં બીજેપીને ૫૦ બેઠકો પણ નહીં મળવાની ખાતરી આપી હતી.
પત્રકાર પરીષદમાં પત્રકારો સાથે વાતચીત કરતા વરીષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા અનેકવિધ મુદાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અબતક દ્વારા પુછવામાં આવેલા ત્રણ પ્રશ્ર્નોના જવાબ આપતા તેઓએ જણાવ્યું હતું કે
પ્રશ્ન-૧ બાપુ આપને અનેક વખત પક્ષ પલ્ટો કરવો પડયો છે ત્યારે આપની વ્યથા શું છે ?
જવાબ:- આ પ્રશ્નના ઉતરમાં શંકરસિંહ વાઘેલાએ જવાબ આપતા કહ્યું હતું કે, પક્ષ પલ્ટો ખુબ જ ખોટો શબ્દ છે. કારણકે મેં કદી પક્ષ પલ્ટો કર્યો જ નથી અને પક્ષ પલ્ટો ત્યારે જ કહેવામાં આવે જયારે વ્યકિતગત સ્વાર્થ એ કાર્યમાં હોય પરંતુ મેં અત્યાર સુધીના મારા જીવનમાં કદી વ્યકિતગત સ્વાર્થને સાઘ્યો નથી માત્ર લોકોના હિત માટે જ વિચાર કર્યો છે જે પરીણામ સ્વરૂપે મેં અન્ય પક્ષમાં ભળ્યો છે એટલે તેનો મતલબ એ નહીં કે શંકરસિંહ વાઘેલા દ્વારા પક્ષ પલ્ટો કરવામાં આવ્યો હોય.
પ્રશ્ન-૨ રાજપાનું બાળમરણ થયું છે ત્યારે જો ગુજરાતમાં રાજપા ત્રીજા મોરચા તરીકે હોત તો અત્યારે શું સ્થિતિ હોત?
જવાબ:- આ પ્રશ્નના ઉતરમાં શંકરસિંહે જણાવ્યું હતું કે, રાજપાની વાત તો ઘણી જુની થઈ ગઈ છે તે સમયના પ્રવાહમાં વહી ગઈ છે એટલે તે પ્રશ્નની ચર્ચા કરવી તે યોગ્ય ન કહી શકાય.
પ્રશ્ન-૩ ગુજરાતમાં આપ જેવા દિગ્ગજ નેતાઓ ભટકી રહ્યા છે તે ગુજરાતની કમનશીબી કે આપની કમનશીબી?
જવાબ:- આ પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, મેં મારા સામાજીક જીવનમાં કોઈ વ્યકિતગત જશ કે યશને સાઘ્યો નથી એટલે હું રાજકારણમાં ભટકયો છે તે વાત તદન ખોટી છે. ભટકે તો એ માણસ કે જેનો સ્વાર્થ કોઈ પણ રીતે પરીપૂર્ણ ન થયો હોય પરંતુ આ બાબતે જે પ્રશ્ન મારી સામે ઉદભવિત થઈ રહ્યા છે તેના ઉતરમાં હું માત્ર એટલું જ કહીશ કે આ ગુજરાતની કે મારી કમનશીબી નથી. હું માત્ર એ પક્ષનો જ સાથ દઉ છું જે ભાજપ વિરુઘ્ધ હોય.