અગાઉ નરહરી અમીને પણ અસંતોષ મુદ્દે કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો કોંગ્રેસને કોઈની વિદાય કે નારાજગી નહીં પણ નબળી નિર્ણય શક્તિ નડી રહી છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા જ કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટીએ પહોંચી ગયો હતો. જેના પરિણામે છેલ્લા ૨૦ વર્ષથી કોંગ્રેસ સાથે રહેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસથી છેડો ફાડયો છે અને રાજકીય નિવૃતિ જાહેર કરતા કોંગ્રેસ ઉપર શાબ્દીક પ્રહારો કર્યા હતા. જો કે કોંગ્રેસને શંકરસિંહની વિદાય નહીં પણ નિર્ણય શક્તિનો અભાવ નુકસાની પહોંચાડી રહ્યો છે. કોંગ્રેસ છેલ્લા બે દાયકાથી સતત નબળુ પડી રહ્યું છે. શંકરસિંહ કોંગ્રેસમાં જોડાયા ત્યારબાદ પણ કોંગ્રેસના માળખામાં કોઈ અસરકારક સુધારો આવ્યો નથી. તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ સૌથી નબળી કડી છે.

બાપુના રાજકીય નેટવર્કનો ઉપયોગ કરી કોંગ્રેસ ગુજરાતના રાજકારણમાં ફરીથી પગભર બની શકયું હોત પરંતુ આંતરીક ખેંચતાણ અને બાપુ ઉપર ભરોસો ન કરવાની નીતિ તેમજ નિર્ણયોની ખામીઓના કારણે કોંગ્રેસ આજે પણ સત્તાથી પ્રતિદિન દૂર જઈ રહ્યું છે. શંકરસિંહે કોંગ્રેસમાં રહેલી ખામીઓ બાબતે હાઈ કમાન્ડનું ધ્યાન દોરવાના સતત પ્રયત્નો કર્યા હતા પરંતુ આ દરખાસ્તો અને સુચનો ઉપર પણ ધ્યાન દેવામાં આવ્યું નહીં તેના ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, કોંગ્રેસ કોઈ અન્ય પક્ષથી નહીં પરંતુ પોતાની રણનીતિથી જ પાછળ પડી રહ્યું છે.

આ અગાઉ નરહરી અમીન મામલે પણ બાપુ વાળી જ થઈ હતી. વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મામલે અમીન દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોંગ્રેસની નિર્ણય શક્તિનો અભાવ નડયો હતો. જેના પરિણામે ડિસેમ્બર ૨૦૧૨ના રોજ અમીને કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. આવી જ રીતે ઘણા કોંગ્રેસી કાર્યકરો પણ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યાં છે ત્યારે ખરેખર આ વિખવાદ પાછળનો મુદ્દો શું છે તે ઉચ્ચ કક્ષાએથી જાણવું જોઈએ અને તેનું નિરાકરણ કરવામાં આવે તો જ કોંગ્રેસ ગુજરાતના રાજકારણમાં થોડુ મજબૂત બની શકશે.

શંકરસિંહ વાઘેલા મુળ આરએસએસનો પાયો ધરાવતા હોવાથી કોંગ્રેસે કયારેય તેના ઉપર ભરોસો કર્યો નહીં અને ૨૦ વર્ષથી મજબૂત રાજકીય નેટવર્ક ધરાવતા વ્યક્તિ કોંગ્રેસ માટે ઉપયોગ વિહોણા જ રહ્યાં કારણ કે બાપુ બાબતે પણ કોંગ્રેસનો નિર્ણય શક્તિનો અભાવ વિક્ષેપ‚પ બની રહ્યો હતો. ત્યારે હવે કોંગ્રેસે ગુજરાતના રાજકારણ અને મુદ્દાઓને ગંભીરતાથી લઈને તેનું નિરાકરણ માટે કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં પણ કોંગ્રેસના મોટાગજાના નેતાઓ પક્ષ સાથે છેડો ફાડવાની કવાયત શરૂ ન કરે.

કોંગ્રેસ દ્વારા છેલ્લા બે દાયકાથી ઉમેદવારોની પસંદગીથી લઈને ટિકિટની ફાળવણી બાબતે કરવામાં આવતી કામગીરીનો આંતરીક વિરોધ મોટાપાયે થયો છે. ત્યારે પક્ષના નિર્ણયો અને કામગીરી કયાંકને કયાંક કાર્યકરો અને આગેવાનોને અયોગ્ય લાગી રહી હોય તેવું સ્પષ્ટ થાય છે. આ અસંતોષને દૂર કરવા માટે ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસે જળમુડથી ફેરફાર લાવવો જોઈએ અને અસરકારક નિર્ણયો લેતુ માળખુ રચવામાં આવે તો તેની સીધી અસર મત બેંક ઉપર પણ પડશે.

જો શંકરસિંહના ટેકાથી કોંગ્રેસને ફાયદો મળી રહ્યો હોત તો કોંગ્રેસ મજબૂત બન્યું હોત પરંતુ છેલ્લા ૨૦ વર્ષથી સતત કોંગ્રેસ નબળુ પડી રહ્યું છે અને ગુજરાતના શાસનથી દૂર જઈ રહ્યું છે. તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસનું માળખુ જ તેની પડતી માટે કારણ‚પ બની રહ્યું છે.

કોંગ્રેસની પ્રદેશ કારોબારીની બેઠકમાં રાજ્યસભાની ચૂંટણીની ચર્ચા કેન્દ્રમાં રહેશે

કોંગ્રેસમાંથી શંકરસિંહની વિદાય બાદ મંગળવારે પ્રદેશ કારોબારીની બેઠક મળી રહી છે. આ બેઠકમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી અતિવૃષ્ટિ, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, GST જેવા વર્તમાન મુદ્દાઓ ઉપરાંત ચૂંટણીલક્ષી ચર્ચા કરાશે જ્યારે સાંજે યોજાનારી ધારાસભ્યો સાથેની બેઠકમાં રાજ્યસભાની ચૂંટણી કેન્દ્ર સ્થાને રહેશે. ધારાસભ્યોની બેઠકમાં વિધાનસભામાં વિરોધપક્ષના ઉપનેતા મોહનસિંહ રાઠવાને વચગાળાના વિપક્ષી નેતાની જવાબદારી સોંપતો ઠરાવ કરાશે. ધારાસભ્યો સાથેની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર અને વરિષ્ઠ નેતા એહમદભાઈ પટેલ હાજર રહેશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તાલુકા-જિલ્લાના હોદ્દેદારોની ખાલી જગ્યાની યાદી પ્રદેશ પાસેથી મગાવી છે. એટલે કે, આગામી દિવસોમાં સંગઠનની ખાલી જગ્યાઓ પર નિમણૂક કરાશે.કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં મંગળવારે બપોરે ૧૧ કલાકે યોજાનારી કારોબારીમાં મુખ્યત્વે આગામી ચૂંટણીલક્ષી અને વર્તમાન સમસ્યાઓમાં છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલાં અનરાધાર વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઊભી થયેલી અતિવૃષ્ટિમાં નાગરિકોને પડેલી હાલાકી, GST સામે વેપારીઓ-લોકોમાં પ્રવર્તી રહેલો રોષ, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો વગેરે અંગે ચર્ચા કરાશે. ભાજપ સરકાર સામે પ્રજામાં પ્રવર્તી રહેલી નારાજગી અને અંસતોષનો કોંગ્રેસ કઈ રીતે ફાયદો મેળવી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં સંગઠનને લગતી કામગીરી અને સ્થાનિક સ્તરે ચૂંટણી જીતવા માટેના રાજકીય સમીકરણોની પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, ચૂંટણી લડવા માગતા ઈચ્છુકો માટે ૧૫ સભ્યોની બૂથ સમિતિની રચના ફરજિયાત કરાઈ છે.દરમિયાન કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાનારી ધારાસભ્યો સાથેની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર એહમદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને તમામ ધારાસભ્યો સાથે રૂબરૂ મુલાકાત કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.