રાહુલ ગાંધી બાપુને મનાવવા ગુજરાત આવશે
કોંગ્રેસના અગ્રણી અને વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં ગાંધીનગર ખાતે તેમના સમર્થકો અને ટેકેદારોનું સંમેલન બોલાવ્યા બાદ હાલ વાઘેલા થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યા છે અને આગામી તા.૧લી જુલાઈએ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માટે જવાના છે. દરમિયાન વાઘેલાએ ધારાસભ્યો રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મેરામણ ગોરિયા સાથે બંધબારણે ચર્ચા કરી હોવાનું કહેવાય છે. શંકરસિંહ તડ અને ફડ માટે જાણીતા છે ત્યારે રાહુલની મુલાકાત બાદ શું કરશે તેની અટકળો ચાલી રહી છે. પ્રદેશ કોંગ્રેસના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના અગ્રણીઓ વચ્ચે ચાલી રહેલા ખટરાગની હાઈકમાન્ડે ગંભીર નોંધ લીધી છે ત્યારે પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જૂનના અંતમાં સ્વદેશ ફરત ફર્યા બાદ જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. રાહુલ ગાંધી પ્રદેશ કાર્યાલયની મુલાકાત લઈને કોંગ્રેસના તમામ ધારાસભ્યો, પ્રદેશના આગેવાનો તેમ જ જિલ્લા પ્રમુખોને પણ વ્યક્તિગત મળીને ફરિયાદો સાંભળીને ચૂંટણીના કામે લાગી જવાનું આહવાન કરશે. તેમ જ શંકરસિંહ વાઘેલાની નારાજગી દૂર કરવા માટેનો આખરી પ્રયાસ કરશે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસના અગ્રણી છેલ્લાં ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ બનતા તેમને મનાવવા માટે પ્રયાસો કરાયા હતા. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે પણ બાપુને મનાવવાના પ્રયાસો કર્યા હતા પણ ગાંધીનગરમાં સમર્થકોના સંમેલનમાં શંકરસિંહ વાઘેલાએ જાહેરમાં પક્ષની નેતાગીરી સામે જે બળાપો વ્યક્ત કર્યો હતો. તેનાથી કોંગ્રેસ હાઈકમાન્ડ નારાજ બન્યું છે અને આખોયે મામલો રાહુલ ગાંધી પર છોડવામાં આવ્યો છે. એટલે વિદેશથી પરત ફર્યા બાદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે.