દિલ્હીમાં સોનિયા-રાહુલને મળવાની કોઈ વાત નથી: મુલાકાતને અંગત ગણાવતા શંકરસિંહ વાઘેલા

વિપક્ષી નેતાના જન્મદિને સમ સંવેદના સંમેલન અને દિલ્હીની મૂલાકાત પૂર્વે કોંગ્રેસમાં ઉત્તેજનાનો માહોલ

કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી શંકરસિંહ વાઘેલાને લઈને વિખવાદ ચાલી રહ્યો છે ત્યારે ૨૧મી જુલાઈએ બાપુનો ૭૭મો જન્મદિન ધામધુમથી ઉજવવા માટેની તૈયારી શ‚ થઈ છે. જયારે આજે બાપુ દિલ્હી પહોંચ્યા છે પરંતુ સોનિયા અને રાહુલને મળવાના ન હોવાની સ્પષ્ટતા બાદ હવે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે દિલ્હીમાં બાપુ કોને મળવા પહોંચ્યા છે ? તેમાં આ એક અંગત મુલાકાત છે કે પછી ભાજપના વરીષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરવાના હોવાની શંકા-કુશંકા ઉભી થઈ રહી છે. બાપુના આ છેલ્લા દાવથી કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે અને બાપુની સંવેદના કોંગ્રેસને વેદના આપે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આંતરિક ઉથલપાથલમાં હવે ઘડીઓ નિર્ણાયક તબક્કે આવી રહી હોવાની અટકળો તેજ બની છે. રાજ્યસભાની મહત્વની ગણાતી ત્રણ બેઠકોની પ્રક્રિયા શરૂ થાય એ જ દિવસે ૨૧મી જુલાઇએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા એમનો ૭૭મો જન્મદિન ધામધૂમપૂર્વક ઉજવે એના માટે મહાત્મા મંદિરના ક્ધવેન્શન હોલમાં ભવ્ય કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ ગઇકાલે સાંજે જ મહાત્મા મંદિરના સંચાલનની જવાબદારી નિભાવતા સરકારી ઇન્ડેક્ષ્ટ-બીએ ક્ધવેન્શન હોલનું મેઇન્ટેનન્સ કામ ચાલતું હોવાથી હમણાં આપી શકાય તેમ નથી તેવો ઉત્તર પાઠવ્યો છે તેથી તત્કાળ શંકરસિંહ વાઘેલા બાપુ જન્મદિવસ ઉજવણી સમિતિને ગાંધીનગર ટાઉનહોલ અને એના પરિસરમાં સમગ્ર કાર્યક્રમ યોજવાની તૈયારીઓ કરવી પડી છે.

અહીં નોંધવું જરૂરી છે કે, મહાત્મા મંદિરના નિર્માણ સામે અત્યાર સુધી વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસ પક્ષે વિધાનસભામાં અને જાહેરમાં વારંવાર ભાજપ સરકારની આકરી ટીકા કરી છે. મહાત્મા મંદિરમાં યોજાતા સરકારી કાર્યક્રમો, વાઇબ્રન્ટ સમિટને માત્ર વ્યક્તિગત પ્રશંસા, પ્રસિદ્ધિ માટે પ્રજાના પૈસે યોજાતા તાયફા ગણાવ્યા છે એવા સમયે સ્વૈચ્છિક સંગઠનના નેજા હેઠળ વિપક્ષી નેતાના ૭૭મા જન્મદિનની ઉજવણીનો કાર્યક્રમ યોજવા માટે આ સ્થળ પસંદગી ચર્ચાનો મુદ્દો બન્યો હતો. કોંગ્રેસમાં પોતાનો અવાજ હવે સંભળાતો નથી એવી ઘુટન મહેસૂસ કરનાર બાપુ ૨૧મીને શુક્રવારે હવે નિર્ણાયક પગલું ભરશે એમ મનાઇ રહ્યું છે ત્યારે મહાત્મા મંદિરની પસંદગી વિશેષરૂપથી ચર્ચાના એરણ પર છે. જોકે, ૧૮ જુલાઇએ ઇન્ડેક્ષ્ટ-બીના મહાત્મા મંદિરની સંચાલનની જવાબદારી નિભાવતા મેનેજરે ઉજવણી સમિતિને પત્ર લખીને જણાવ્યું છે કે, મે-૨૦૧૭માં એક પછી એક યોજાયેલા આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠક તથા ટેક્સટાઇલ ઇન્ડિયા ૨૦૧૭ એવા બે વિશ્વકક્ષાના ઇવેન્ટ બાદ મહાત્મા મંદિર ખાતે મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. આથી ઉજવણી સમિતિએ સર્જાયો છે. બીજીતરફ વાઘેલાના સમર્થકો દ્વારા જન્મદિનની રંગેચંગે ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વાઘેલાની જાહેરાતને પગલે પ્રભારી અશોક ગેહલોત બુધવારે રાજસ્થાનમાં રાહુલ ગાંધીની જાહેરસભા પૂરી કરીને મોડી રાત્રે ગુજરાત દોડી આવ્યા છે અને પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જન્મદિને રાજ્યના પ્રજાજોગ સંદેશમાં વાઘેલા તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતથી માંડીને ભાજપથી માંડીને કોંગ્રેસ છોડવા સુધીની રાજકીય સફરનો ઘટનાક્રમ વર્ણવીને ભાવિ રણનીતિ જાહેર કરશે એમ મનાય રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીની રણનીતિ, સંગઠન સહિતની મહત્વની કામગીરીમાં પ્રદેશના નેતાઓની કાર્યશૈલીથી નારાજ વાઘેલા ૨૧મી જુલાઈએ નવાજૂની કરે તેવા એંધાણ મળતાં જ રાજ્યભરમાં તેમના સમર્થકો ઉત્સાહમાં આવી ગયા છે અને બુધવારે સાંજે ગાંધીનગરના તેમના નિવાસસ્થાને સમર્થકો ઉમટવા લાગ્યા હતા. પાટણથી પરત ફર્યા બાદ વાઘેલાએ પણ તમામ સમર્થકોને મળીને શુભેચ્છાઓ સ્વીકારી હતી.

બીજીતરફ કોંગ્રેસના કાર્યકરોને વાઘેલાના વલણથી જીતેલી બાજી હારવા જેવો ઘાટ ન સર્જાય તેની દહેશત સતાવી રહી છે. વાઘેલાના એલાનના ગુજરાત કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મોટાભાગના કોંગીજનો આ મુદ્દો જેટલો ઝડપથી ઉકેલાય તેટલું પક્ષના હિતમાં હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. દિલ્હીની મુલાકાતમાં શંકરસિંહ વાઘેલા વધુ એક વાર કોંગ્રેસના શિર્ષસ્થ નેતાઓનો આભાર માને તેવું જણાવતા સૂત્રો કહે છે કે, બાપુએ અત્યારસુધીમાં તેમની લાગણી, માગણી, વર્તમાન રાજકીય સ્થિતિ અને પક્ષની વાસ્તવિક પરિસ્થિતિ, સંગઠનની હાલતથી માંડીને ભાજપની નબળાઈઓ અને કોંગ્રેસ જીતે તે માટેના તમામ ઉપાયોની ચર્ચા કરી ચૂક્યા છે ત્યારે હાઈકમાન્ડ તમામ માહિતીથી સંપૂર્ણ રીતે માહિતગાર છે. તેથી વાઘેલા પાસે હવે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરવા જેવી કોઈ બાબત રહી નથી તેથી મુલાકાતનું કોઈ ઔચિત્ય રહેતું નથી એમ સૂત્રોએ ઉમેર્યું છે.

વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટો રાજકીય ઘટનાક્રમ સંભવત: શુક્રવારે શંકરસિંહ વાઘેલાની જાહેરાતનો બની રહેવાનો છે ત્યારે બુધવારે સચિવાલયમાં મંત્રીઓથી લઇને અધિકારીઓ સુધીના વર્ગમાં તેઓ શું કરશે તે મુદ્દો ચર્ચાનો હોટ ટોપિક બન્યો હતો. બાપુ તલવાર મ્યાન કરશે કે ઉગામીને ભાગલા કરશે તે અંગે અનેક અટકળો ચાલી હતી. તે સાથે તેઓ કયું પગલું ભરે તો શું થઇ શકે અને કોને ફાયદો કે નુકસાન તે અંગે પણ અનુમાનો ચાલ્યા હતા.

ઓગસ્ટમાં યોજાનારી રાજયસભાની ચૂંટણી, ભાજપ-કોંગ્રેસના ચૂંટણી સમીકરણો જેના કારણે બદલાઇ જવાના છે અને પરિણામ સુધી અસરકર્તા બની રહેવાના છે તેવું પગલું શંકરસિંહ તેમના જન્મદિને ભરી શકે છે તે હવે સ્પષ્ટ થઇ ગયું છે. સચિવાલયનો અધિકારી વર્ગ હાલ કામકાજ કરતા રાજકીય ગણિત શું થઇ શકે છે તે જા્ણવામાં વધારે ઉત્સુક છે. એક અધિકારીએ કહ્યું હતું કે, આ બધામાં જે ઉથલપાથલ થાય તેની અસર ક્યાંકને ક્યાંક સરકાર પર પડતી હોય છે એટલે અમને તેમાં રસ હોય તે સ્વાભાવિક છે. અધિકારી વર્ગમાં જો કે બાપુ કોંગ્રેસને નુકસાનકર્તા પગલું ભરે તો એકંદરે યોગ્ય ન કહેવાય તેવો સૂર નીકળતો હતો. ચૂંટણી નજીક છે ત્યારે કયા કારણે તેઓ આવો કોઇ નિર્ણય લઇ રહ્યા છે તે બાબત મહત્વની બની રહેશે તેમ પણ જણાવ્યું હતું. અધિકારી વર્ગમાં શંકરસિંહ એકલા જ એલાન-એ-જંગ કરે છે કે પછી તેમના સાથી ધારાસભ્યોને લઇને પણ કોઇ મોટી જાહેરાત કરે છે તે વિશે અનેક અટકળો ચાલી હતી. એક અધિકારીએ કહ્યું હતું કે, જો બાપુ સાથે કોઇ ધારાસભ્યો કોંગ્રેસ છોડે તેવું કંઇ બને તો તેમને ભવિષ્યમાં ભાજપમાંથી ટિકિટ આપવાના કારણે તે વિસ્તારમાં ભાજપના નેતાઓ-કાર્યકરો નારાજ થઇ શકે છે. સરકારના મંત્રીઓ અને સચિવાલયમાં બે દિવસથી આવતા ધારાસભ્યોમાં પણ શંકરસિંહ શું કરશે તે અંગે ભારે ઉત્તેજના છે. એક ધારાસભ્યે કહ્યું હતું કે, બાપુ શું કરશે અને ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે બાપુ અને અમારા નેતાઓને જ વધુ ખબર હોય પરંતુ બાપુ ભાજપમાં જોડાશે તેવું અમે માનતા નથી.

હાર્દિક, અલ્પેશ, જીજ્ઞેશ જેવા નવયુવાનોને લઇ નવી ‘ધરી’ રચશે?

બાપુ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ ગુજરાતના રાજકારણમાં સક્રિય રહેશે એ નિશ્ચિત બન્યું છે ત્યારે આગામી ચૂંટણીમાં વાઘેલા ભાજપથી નારાજ પાટીદાર સમાજના હાર્દિક પટેલ, ઠાકોર-ઓબીસી સમાજને ન્યાય અપાવવા મેદાને પડેલાં ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોર અને દલિત સમાજનું આંદોલન ચલાવી રહેલાં જીજ્ઞેશ મેવાણી સાથે મળીને નવી રાજકીય ધરી રચશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અલબત્ત, વાઘેલાની ભાવિ રણનીતિ બે દિવસમાં સ્પષ્ટ થશે પરંતુ રાજકીય દાવપેચ અને આટાપાટામાં માહેર વાઘેલા ગુજરાતના સક્રિય રાજકારણમાં અગત્યની ભૂમિકા નિભાવશે એ સ્પષ્ટ છે. હાર્દિકે પાટીદાર સમાજની માગને સમર્થન આપનારી રાજકીય વ્યક્તિને ટેકો આપવા તૈયારી દર્શાવી છે જ્યારે એકતા મંચના અલ્પેશ ઠાકોર વાઘેલાને ટેકો આપવાને બદલે કહે છે કે, કોઈ પણ રાજકીય પક્ષ કે નેતા પછાત સમાજના હિતમાં કામ કરવાની અમારી ચળવળમાં જોડાય તેનો અમે સ્વીકાર કરીશું. અલબત્ત, અત્યારે તો જો અને તોની આ ચર્ચા આગામી દિવસોમાં નક્કર સ્વરૂપ ધારણ કરે છે કે નહીં તે જોવું સરપ્રદ બની રહેશે.

કાલે બાપુ કોંગ્રેસની ભેટ નહીં સ્વીકારે

શંકરસિંહે મંગળવારે ગાંધીનગરમાં જન્મદિને સમસંવેદના સંમેલન યોજવાની જાહેરાત કરી બુધવારે ઉત્તર ગુજરાતના પાટણના વારાહીમાં એસ.ડી.આચાર્ય સ્કૂલના સુવર્ણ જયંતી મહોત્સવમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે બાપુના જન્મદિનની ઉજવણી અંગે ટકોર કરતા વક્તવ્યમાં બાપુને ઉદ્દેશીને કહ્યું હતું કે, સામાન્ય રીતે જન્મદિને કકળાટ ન થાય તેવું લોકો ઈચ્છતા હોય છે તો મારે બાપુને કહેવું છે કે, તમારા જન્મદિને પણ કોંગ્રેસને કકળાટ ન આપશો, અમારા નેતા બનીને રહો તેવી રિટર્ન ગિફ્ટ આપજો! અલબત્ત, વાઘેલા તેમના વક્તવ્યમાં ગોહિલને યોગ્ય પ્રતિભાવ આપે તેવી અપેક્ષા સેવાતી હતી પરંતુ વાઘેલાએ સહુને આંચકો આપતા ગોહિલની ટકોરને અવગણવાનું મુનાસિબ માનીને કોઈ જવાબ આપ્યો ન હતો. વાઘેલાએ ગોહિલના નિવેદન સામે જવાબ ન આપવાનું વલણ અપનાવતા બાપુએ મનોમન કોંગ્રેસ છોડવાનો નિર્ણય કરી લીધો હોવાની ચર્ચા દિવસભર ઉત્તર ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચાલુ રહી હતી. બાપુએ પાટણ, સમી અને હારિજ સાથે તેમના સંસ્મરણો વાગોળ્યા હતા અને કહ્યું કે, તેમની રાજકીય સફરની શરૂઆત પાટણથી થઈ હતી અને પાટણનું ઋણ ક્યારેય ચૂકવી શકું તેમ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.