બાપુના નિવાસ સ્થાને ટેકેદારોની બેઠકમાં રણનીતિ ઘડાઈ: એનસીપી સાથે મનમેળ નહીં થાય તો કોંગ્રેસમાં ફરી જોડાય તેવી પણ ચર્ચા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે ચૂંટણીઓ નજીક આવતા જ ફરી એકટીવ થઈ ચૂકયા છે. વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખીને કોંગ્રેસ તેમજ ભાજપને સબક શીખવાડવાનો પ્રયાસ કરનાર શંકરસિંહ વાઘેલા હવે એનસીપીમાં જોડાવાની તૈયારીમાં હોવાનું સૂત્રો કહી રહ્યાં છે. આ ઉપરાંત શંકરસિંહ ફરીથી કોંગ્રેસ સાથે સમાધાન કરે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર એક સમયના કદાવર નેતા શંકરસિંહ વાઘેલા વર્ષોથી એનસીપી સાથે જોડાવવાની ઈચ્છા રાખતા હતા પરંતુ તેમના સમર્થકો એનસીપી સાથે જોડાવવાની વાતથી સહમત નહોતા. હવે બાપુ કોંગ્રેસથી અલગ થઈ ચુકયા છે ત્યારે તેઓ એનસીપી સાથે જોડાવવાની ઈચ્છા પૂર્ણ કરી રહ્યા છે. જોકે એનસીપી સાથે જોડાવાથી તેમના સમર્થકોની સંખ્યા ઓછી થશે તેવું માનવામાં આવે છે. અગાઉ કોંગ્રેસમાંથી છુટા થઈને પોતાનો પક્ષ રચનાર બાપુ તે સમયે જ કેટલાક સમર્થકો ગુમાવી ચુકયા હતા હવે એનસીપી સાથે હાથ મેળવવાનો નિર્ણય હજુ ઘણા સમર્થકો ગુમાવવાનું કારણ બનશે તેવી શકયતા છે. શંકરસિંહ વાઘેલા આગામી લોકસભા ચુંટણીમાં ભાજપ તેમજ કોંગ્રેસને હંફાવવા માટે એનસીપી સાથે જોડાઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતના માજી મુખ્યમંત્રી અને કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસથી નારાજગી દર્શાવી પોતાના પૈતૃક પક્ષ ભાજપ સાથે ફરી જોડાણ કર્યું હતું.
રાજ્યસભા ચૂંટણીમાં શંકરસિંહ એન્ડ કંપનીએ ભાજપને ખુલ્લુ સમર્થન આપ્યું હતું જ્યારે રાજ્યની વિધાનસભામાં શંકરસિંહે એક અલગ ફોરમ ઉભુ કરી પોતાના ઉમેદવારો ઉભા કરી વોટશેરમાં ભાગ પડાવીને ભાજપને આડકતરી રીતે મદદ કરી હતી.
જોકે હવે શંકરસિંહ બાપુ ફરી ભાજપથી પણ નારાજ હોવાના અને ગઈઙ સાથે જોડાણ કરી રાજકીય ઉથલપાથલ મચાવવાના હોવાના સંકેત મળી રહ્યા છે.
આ જ કારણ છે કે બાપુએ મંગળવારે પોતાના નિવાસસ્થાને તેમના સપોર્ટર્સની બેઠક બોલાવી છે અને તેમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. જેથી તેમની આ બેઠક પર તેમજ શંકરસિંહના આગામી પગલા પર કોંગ્રેસ અને ભાજપ બંને ચાંપતી નજર રાખી રહ્યા છે.
શંકરસિંહના નજીકના એક સૂત્રે માહિતી આપી કે, બાપુ ભાજપની લોક વિરોધી નીતિઓ અને તેમની સતત ઉપેક્ષાથી નારાજ છે. રાજ્યસભા અને વિધાનસભા ચૂંટણીમાં બાપુની મદદ લીધા પછી પણ ભાજપ તેમની ઉપેક્ષા કરી રહ્યું છે.
સૂત્રે વધુમાં કહ્યું કે, આ કારણે શંકરસિંહ બાપુએ ભાજપને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. બુધવારે તેઓ પોતાના સપોર્ટર્સને મળશે અને તેમની સાથે ચર્ચા કરી બપોર પછી પોતાની આગામી રાજકીય સ્ટ્રેટેજી જાહેર કરશે. પણ એટલું તો ચોક્કસ છે કે તેઓ હવે ભાજપને સપોર્ટ નહીં કરે.
નજીકના ભૂતકાળમાં જ શંકરસિંહના પુત્ર અને કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપ જોડાયા હતા. જોકે તેમના આ પગલા પર શંકરસિંહે નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે જ એવી પણ ચર્ચા છે કે બાપુ ફરી કોંગ્રેસમાં જોડાવા ઇચ્છા રાખી રહ્યા છે પરંતુ કોંગ્રેસ આ વખતે તેમને ફરીથી સ્વીકારે તેવી શક્યતા નહીવત છે.