દેણું વધી જતાં દરરોજ રમવા આવતા તણનું અપહરણ કરી ખંડણી પડાવવાનો ઇરાદો હોવાની કબુલાત
શાપરના શાંતિધામ સોસાયટીમાંથી ચાર વર્ષના તણનું અપહરણ કરી ગળુ દાબી હત્યા કરવાના ગુનાનો એસઓજી સ્ટાફે ભેદ ઉકેલી ગાંધીગ્રામના અક્ષરનગરમાં રહેતા બાવાજી શખ્સની ધરપકડ કરી છે. બાવાજી શખ્સની પૂછપરછ દરમિયાન પોતાના પર દેણું વધી જતાં પોતાના મેડિકલ સ્ટોરે દરરોજ રમવા આવતા તણનું અપહરણ કરી ખંડણી પડાવવાનો ઇરાદો હોવાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર શાંતિધામ સોસાયટીમાં રહેતા અને કલર કામની મજુરી કામ કરતા હરેશ વાઢેરના એકના એક પુત્ર હેતનું ગત શુક્રવારે સાંજે પોતાની દાદી જીવીબેન સાથે સત્સંગમાં ગયો હતો ત્યાંથી ભેદી રીતે લાપતા બન્યા બાદ શનિવારે સવારે રીબડા નજીક ગુંદાસરા રોડ પર પાણીના સંપ પાસેથી હેતની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવતા હેતનું ગળુ દાબી હત્યા કરાયાનું બહાર આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી. જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદે અપહરણ અને હત્યાના ગુનાની તપાસ એસઓજી સ્ટાફને સોપી હતી. ગોંડલ ડીવાય.એસ.પી. દિનેશસિંહ ચૌહાણના માર્ગ દર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઇ. જે.એસ.પંડયા અને રાઇટર અતુલભાઇ ડાભીએ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા અક્ષરનગરમાં રહેતા નિકુંજ રમેશ ગૌસ્વામી નામના શખ્સની ધરપકડ કરી છે.
નિકુંજ ગૌસ્વામીની પૂછપરછ દરમિયાન પોતાના પર દોઢેક લાખનું દેણું થઇ ગયું હોવાથી શાપરમાં પોતાના મેડિકલ સ્ટોરે દરરોજ રમવા આવતા હેતનું અપહરણ કરી હરેશભાઇ વાઢેર પાસેથી ખંડણી પડાવવાનો ઇરાદો હોવાની કબુલાત આપી છે. હરેશ વાઢેર કલર કામની મજુરી કામ કરતો હોવાથી તેની પાસેથી આટલી રકમની ખંડણી મળી શકે તે વાત પોલીસના ગળે ન ઉતરતા તેની વિશેષ પૂછપરછ હાથ ધરી છે.