- શંકરાચાર્ય એટલે જગતના તમામ ધર્મો જાણનાર: ભારતમાં ચારેય દિશાની ચાર પીઠ ખાતે નિયુક્ત થાય છે શંકરાચાર્ય
- હિન્દુ સનાતન ધર્મના પ્રચારક તરીકે શંકરાચાર્યોની મહત્વની ભૂમિકા: સદીઓથી ચાલી આવે છે પીઠાધિશની પરંપરા
- રાજકોટ પાસે રતનપર ખાતે કરી ચંદ્રમૌલીશ્ર્વર મહાદેવની સ્થાપના
ભારતમાં પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ ચારેય દિશામાં સનાતન હિન્દુ ધર્મની પીઠ સ્થાપવામાં આવે છે. જેમાં પશ્ર્ચિમ ભારતની દ્વારકા પીઠના જગતગુરૂ શંકરાચાર્ય પૂ.સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ 99 વર્ષની ઉંમરે ગઇકાલે શિવચરણમાં સમાધિસ્થ થયા છે. મધ્યપ્રદેશમાં આજે સાંજે તેમને સમાધિ આપવામાં આવશે. હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે સદીઓ પહેલા શંકરાચાર્યએ આહલેક જગાવી હતી.
જેના પગલે પરંપરાગત રીતે ભારતની ચારેય પીઠોમાં શંકરાચાર્યોની નિયુક્તી થતી રહે છે. જગતના તમામ ધર્મો જે જાણે તે શંકરાચાર્યની પદવી પામતા હોય છે. મુખ્ય શંકરાચાર્યના આસિસ્ટન્ટ એટલે કે દંડીસ્વામીને શંકરાચાર્ય તરીકે નિયુક્ત કરાતા હોય છે. મુળ મધ્યપ્રદેશના વતની 9 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરી ધર્મના માર્ગે વળનારા પૂ.સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજે 1942માં આઝાદીના લડતમાં ભાગ લીધો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો એ પછી તેઓ શિવ પરંપરાના આરાધક બન્યા અને 1950 પછી તેઓ સનાતન હિન્દુ ધર્મના પ્રચારક તરીકે ખ્યાતી પામ્યા.
1981માં તેઓ દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય તરીકે નિયુક્તી પામ્યા. લગભગ 40 વર્ષ સુધી તેમણે શંકરાચાર્ય તરીકે હિન્દુ ધર્મનો પ્રચાર કરી શારદાપીઠનું પદ શોભાવ્યું હતું. છેલ્લા કેટલાંક સમયથી બિમારીમાં સપડાયેલા પૂ.સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ ગઇકાલે મધ્યપ્રદેશમાં શિવચરણ પામ્યા છે. આજે સાંજે તેમને ત્યાં સમાધિ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ નજીક રતનપર ખાતે લગભગ એક દાયકા પહેલા તેમણે ચંદ્રમૌલીશ્ર્વર મહાદેવની સ્થાપના કરી હતી. જે મંદિર આજે અસંખ્ય લોકોની શ્રદ્વાનું કેન્દ્ર બન્યું છે.