હિન્દી ફિલ્મ જગતની પ્રથમ સંગીતકાર જોડી હુશ્નલાલ ભગતરામ બાદ લક્ષ્મીકાંત પ્યારેલાલ-રામ-લક્ષ્મણ-નદીમ શ્રવણ જેવી અનેક સંગીતકાર જોડી આવી પણ એક માઇલસ્ટોન સમુ સંગીત દુનિયામાં નામ જોડીનં.1ના એટલે શંકર-જયકિશન હતા. 1949થી 1987 સુધી આ બેનર તળે ગોલ્ડન એરાના સુંદર ગીતો ફિલ્મ જગતને મળ્યા હતાં. માત્ર 41 વર્ષની વયે જયકિશનના અવસાન બાદ સતત 16 વર્ષ સુધી એકલા શંકરે સંગીત આપીને ‘શંકર જયકિશન’નું નામ અમર કરી દીધું. આ જોડીના પાત્રો બંને અલગ-અલગ રાજ્યોનાં હોવા છતાં સાત સુરોની સરગમમાં એવા ગુંથાઇ ગયા કે બોલીવુડમાં અમર થઇ ગયા હતાં. દાદા સાહેબ ફાળકે એવોર્ડ લેતા મન્નાડેએ જણાવ્યું હતું કે મારા અવાજનો શ્રેષ્ઠ ઉપયોગ સંગીતકાર શંકર જયકિશનને કર્યો હતો.
ફિલ્મજગતમાં શંકર-જયકિશન એસ.જે.ના હુલામણા નામથી પ્રચલિત હતા. 70ના દાયકાના આરંભ સુધી સંગીતકારની આ જોડી સૌથી વધુ ફિલ્મ લેનારી જોડી હતા. એસ.જે.એ. શ્રેષ્ઠ ફિલ્મ સંગીતનો ફિલ્મફેર એવોર્ડ સતત 9 વર્ષ જીત્યો હતો. રાજકપુરની પ્રથમ ફિલ્મ ‘આગ’માં સંગીતકાર રામગાંગુલીના સહાયક તરીકે કામ કર્યા બાદ 1949માં આર.કે.ની બીજી ફિલ્મ ‘બરસાત’માં સંગીત આપીને ‘બરસાત મેં હસ સે મીલે તુમ સજન’ જેવા 9 હીટ ગીતો પ્રથમ ફિલ્મથી આપીને રેકોર્ડ બ્રેક કર્યો હતો. શંકર સારા તબલા વાદક અને જયકિશન હારમોનિયમનાં જાદુગર હતાં. બંનેના સંગીત વડે સાત સુરોની સરગમ જ શ્રેષ્ઠ ગીતોની રચના બની જતી.
બરસાત ફિલ્મ તેઓ નવા સંગીતકાર અને ગીતકાર શૈલેન્દ્ર અને હસરત જયપૂરી હતાં. જે બાદમાં ચારની શ્રેષ્ઠ ચોકડી જોડી બની હતી. જેને કારણે રાજકપૂરે બે દાયકા સુધી આ જોડી સાથે શ્રેષ્ઠ ફિલ્મો નિર્માણ કરી જેમાં શ્રી420-આવારા-આહ-બરસાત-ચોરી ચોરી-મેરા નામ જોકર જેવી હીટ ફિલ્મોનો સમાવેશ થાય છે. 15 ઓક્ટોબર 1922ના હૈદરાબાદમાં જન્મેલ શંકર રઘુવંશી આરંભમાં તબલા વગાડતા-નાટકોમાં કામની સાથે પૃથ્વી થિયેટરમાં જોડાયા સાથે હુશ્નલાલ-ભગતરામ જે એ જમાનાની સુંદર સંગીતકાર જોડી હતી તેના સહાયક તરીકે કામ કર્યું હતું. હુશ્નલાલ ભગતરામ ભારતની પ્રથમ સંગીતકાર જોડી હતી. આ ગાળામાં ગુજરાતી નિર્દેશક ચંદ્રવદન ભટ્ટે વચન આપ્યું કે તેઓ ફિલ્મ બનાવશે ત્યારે તેમને તક આપશે. આ ઓફિસમાં જયકિશન પણ કામની શોધમાં ચક્કર લગાવતા હતાં. એકવાર શંકરે જયકિશન સાથે વાત કરી ત્યારે તેના સંગીત શોખ વિશે જાણ થઇ હતી.
બાદમાં શંકરે જયકિશનને પૃથ્વી થિયેટરમાં જોડાવાની વાત કરતાં પૃથ્વીરાજ કપુર સાથે મુલાકાત કરાવી ત્યારે રાજકપુર પોતે પણ ફિલ્મ નિર્માણ કરવાનો શોખ રાખતાં હતાં. પૃથ્વી થિયેટરનું સંગીતનું કામ સંગીતકાર રામ ગાંગુલી સંભાળતા હતાં. રાજકપૂરની પ્રથમ ફિલ્મ ‘આગ’માં તેમનું જ સંગીત હતું. જો કે આર.કે.ની બીજી ફિલ્મ ‘બરસાત’ વખતે રાજકપૂર અને રામગાંગુલીને વાંધો પડતા તેમના જ સહાયકો શંકર અને જયકિશનને સંગીતકારની જવાબદારી સોંપી જે એસ.જે. શ્રેષ્ઠ નિભાવીને પોતે અને ફિલ્મને બંનેને અમર બનાવી દીધા હતાં.
પ્રારંભથી જ શંકર અને જયકિશન પાક્કા મિત્ર હતાં. આ દોસ્તી જીવનનાં અંત સુધી નિભાવી હતી. એ જમાનામાં આ બંનેને ‘રામ-લક્ષ્મણ’ની જોડી તરીકે સૌ સંબોધતા હતાં. રાજકપૂર-ગીતકાર શૈલેન્દ્ર-હસરત જયપૂરી અને શંકર જયકિશનની આ જોડી સતત 20 વર્ષ સુધી બોલીવૂડના ટોચના સ્થાને બિરાજીને રાજ કર્યું. પહેલી ફિલ્મ ‘બરસાત’થી સંગીતકાર શંકર-જયકિશને બીજી બે શરૂઆત કરી જેમાં ફિલ્મનું નામ શિર્ષક ગીતમાં આવે અને ફિલ્મી કેબ્રેની શરૂઆત કરી ‘પતલી કમર હે તીરજી નજર રહે’ બોલીવૂડનું પ્રથમ કેબ્રે સોંગ ગણાય છે. ત્યારબાદ શંકર-જયકિશનને હિન્દી ફિલ્મોની સફળતાનો ઇતિહાસ રચ્યો હત. તેમનાં સમયની શરૂઆત બાદ પાંચ વર્ષ પછી ‘ફિલ્મફેર’ એવોર્ડ આપવાની શરૂઆત થઇ જેમાં 1974 સુધીમાં સંગીતના ઇતિહાસનાં સૌથી વધુ ફિલ્મફેર 9 વખત જીત્યા હતાં.
શંકર જયકિશનના ટોપ-10 શીર્ષક ગીતોમાં બરસાત મેં હમસે મીલે તુમ, આવારા હું, હોઠો પે સચ્ચાઇ રહતી હે, સબ કુછ શીખા હમને, દિલ તેરા દિવાના હે સનમ, દિલ અપના ઔર પ્રિત પરાઇ, ચાહે મુજે કોઇ જંગલી કહે, જહાં મે જાતી હું, દિલ એક મંદિર હૈ, પૈસે કી પહચાન યહાં જેવા ખૂબ જ સફળ ગીતો હતા જે આજે પણ સુપર-ડુપર હીટ છે.
જયકિશન આપણાં ગુજરાતના વાંસદા ગામમાં રહેતા 1947-48માં પૃથ્વી રાજકપૂર તેમના નાટકો લઇ અમદાવાદ આવ્યા હતાં. પુરૂષોત્તમ મિલ કમ્પાઉન્ડમાં નાટકો ભજવતાને શંકર અને જયકિશન સાજીંદા તરીકે કામ કરતાં હતાં. રાજકપૂર અને પ્રેમનાથ પણ સાથે આવ્યા હતા. સાયકલ લઇને ફરવા જતાં બહુ જ વરસાદ પડતા બધા વરસાદથી બચવા પલંગ નીચે ભરાયા બાદ અચાનક શંકર અને જયકિશને તપેલી અને ખાલી ડબ્બા ઉપર તાક ધીનાધીન કરતાં રાજકપૂરે બરસાત માટેનું તૈયાર કરેલ ગીત ગાતા બંને તાલ આપવા માંડતા ‘બરસાત’ ફિલ્મની ધૂન બની હતી. શંકર-જયકિશને એક વાર છ કલાકનો નોનસ્ટોપ સંગીત શો કર્યો હતો. જેમાં 60 સાજીંદા, 14 ગાયકો, 22 કોરસ ગાયકો, 5 સંચાલકો, 2300 પ્રેક્ષકોમાં 40 શ્રેષ્ઠ ગીતોનો કાર્યક્રમ કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. કાર્યક્રમ બાદ એસ.જે.ને સૌ સલામ કરતા હતા. મેરા નામ જોકર ફિલ્મનું પાર્શ્ર્વ સંગીત માત્ર પાંચ દિવસમાં તૈયાર કર્યું હતું. અને આ ફિલ્મ પ્રથમ હતી કે જેના બેક ગ્રાઉન્ડ મ્યુઝિકની એલ.પી.બહાર પડી હતી.
સંગીતકાર શંકર જયકિશન સાથે તેના સહાયકોમાં રિધમિસ્ટ દત્તારામ અને મેલડીમાં એમને સેબેસ્ટીયન ડિસોઝા જેવા શ્રેષ્ઠ સહાયકો મળ્યા હતાં. તેમણે વાયોલીન ગૃપ-એકોર્ડિયન-મેન્ડોલીન-સિતારા-સરોદ-પિયાનો જેવા અનેક વાદ્યોની ગીતોની તર્જમાં ઉપયોગ કરીને બોલીવુડના ‘ગોલ્ડનએરા’ના શ્રેષ્ઠત્તમ ગીતોનું સર્જન કર્યું હતું. લોક સંગીત-શાસ્ત્રીય સંગીત અને પશ્ર્ચિમી સંગીત તથા વાદ્યોના અદ્ભૂત ઉપયોગ કાઉન્ટર મેલડી-પ્રિ-લ્યુડ અને ઇન્ટર લ્યુડ મ્યુઝિક અને અનબીલીવેબલ ઓરકેસ્ટ્રાના કારણે શંકર જયકિશનનું સંગીત અમર થઇ ગયું છે. તેમના નામથી અમદાવાદમાં ફાઉન્ડેશન ચાલે છે જે તેના સંગીતને સમગ્ર દેશમાં મ્યુઝિક ઇવેન્ટ યોજીને એમના સંગીત પ્રેમીઓ-જુના ગીતોના ચાહકોના હ્રદ્યને પ્રફુલ્લીત કરે છે. ‘બોબી’ માટે રાજકપૂરે લક્ષ્મીકાંત-પ્યારે લાલને સાઇન કર્યા ત્યારે શંકર ખૂબ જ નારાજ થયેલા હતાં. જો કે આવારાની ટ્યુન બોબી ફિલ્મમાં ઘણીવાર સાંભળવા મળે છે.
પ્રસાદ પ્રોડક્શનની સસુરાલ અને છોટી બહન બાદ તેની ફિલ્મોમાં શંકર જયકિશનને ન લીધા તેવી જ રીતે બ્રહ્મચારી અને અંદાજ ફિલ્મ બાદ જી.પી. સિપ્પીએ ન લીધા હતા. ગીતકાર શૈલેન્દ્રના 90 ટકા ઉપરના ગીતો શંકરની રચનાઓ હતી. રાજકપૂરનાં ફેવરીટ રાગ ભૈરવી અને શિવરંજની આધારીત અવિસ્મરણીય ગીતો શંકર જયકિશને બનાવ્યા હતાં.
કરોડો સંગીત પ્રેમીઓના હ્રદ્ય પર સંગીત સર્જન દ્વારા શંકર જયકિશન રાજ કરતા હતા, કરે છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે
એસ.જે.ના સંગીતની સૌથી વિશેષતાએ હતી કે તેમના ગીતોનું ચાઇનીઝ-રશિયન-જર્મન અને અરબી ભાષામાં ટ્રાન્સલેટ કરીને તેમનાં દેશોમાં ગીતો વાગતા ‘આવારા હું’ ફિલ્મનું ટાઇટલ સોંગ આખા વિશ્વમાં જાણીતું થયું હતું. શંકર જયકિશને લતા-રફી-મુકેશ-મન્નાડે-શારદા જેવા અનેક ગાયકો સાથે કામ કરીને બોલીવૂડ જગતનાં શ્રેષ્ઠ ગીતોની રચના કરીને અમર થઇ ગયા હતાં.
શંકર જયકિશનની શ્રેષ્ઠ ફિલ્મો
- બરસાત – 1949
- આવારા – 1951
- નગીના – 1951
- આહ – 1953
- પતીતા – 1953
- શ્રી 420 – 1955
- ચોરી ચોરી – 1956
- નઇ દિલ્હી – 1956
- બસંત બહાર – 1956
- રાજહઠ – 1956
- યહુદી – 1958
- અનાડી-ઉજાલા-કનૈયા – 1959
- જીસ દેશમે ગંગા બહતી હે અને દિલ અપના ઔર પ્રિત પરાઇ – 1960
- જંગલી અને સસુરાલ – 1961
- આશિક-અસલી નકલી -પ્રોફસર – 1962
- સંગમ – 1964
- આરજુ અને જાનવર – 1965
- આમ્રપાલી અને સુરજ – 1966
- તીસરી કસમ – 1966
- એન ઇવનિંગ ઇનપેરીસ અને એરાઉન્ડ ધ વર્લ્ડ – 1967
- બ્રહ્મચારી – 1968
- મેરા નામ જોકર – 1970
1971માં જય કિશનના અવસાન બાદ સંગીતકાર શંકરે એ જ નામથી આપવાનું ચાલુ રાખેલ અને 1987ની 26મી એપ્રીલે શંકરનું પણ અવસાન થતા સંગીત દુનિયાના શ્રેષ્ઠ ગીતોનો સુરજ આથમી ગયો.