- ધારાસભ્યો બેઠા–બેઠા પ્રશ્ર્નો નહીં પૂછી શકે: ગૃહમાં સેવકોએ પણ નિયમોનું પાલન કરવું જોઇએ: અઘ્યક્ષની આકરી ટકોર
ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં સત્તાધારી પક્ષ ભાજપના ધારાસભ્યોના અયોગ્ય વર્તનથી વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરી અકળાય ગયા છે. ગઇકાલે તેઓએ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા અને અલ્પેશ ઠાકોરની ઝાટકણી કાઢયા બાદ આજે પણ ગૃહની કાર્યવાહી શરુ થયા બાદ કેટલાક સભ્યોની વતૃણુંક અયોગ્ય જણાતા આકરી ટકોર કરી હતી. ગૃહમાં સેવકોએ પણ નિયમોનું પાલન કરવું જોઇએ તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.
વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાતો કરતા હોય છે. આ ઉ5રાંત વારંવાર ટકોર કરવા છતાં કેટલાક ધારાસભ્યો મોબાઇલમાં પણ વાતો કરતા હોય છે. ગઇકાલે ગૃહમાં મોબાઇલમાં ફોટા પાડવા અને વાતો કરવા બદલ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા અને અલ્પેશ ઠાકોરને કડક સુચના આપવામાં આવી હતી. દરમિયાન આજે સવારે જયારે ગૃહની કાર્યવાહી શરુ થઇ ત્યારે કેટલાક ધારાસભ્યો શાળાના બાળકોની જેમ અંદરો અંદર વાતો કરતા નજરે પડતા વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ તેઓને આકરી ટકોર કરી હતી. ધારાસભ્યો સાથે પ્રધાનોને પણ ગૃહમાં કામ સિવાયની કોઇ જ વાતો ન કરવા કડક તાકીદ કરી હતી. ધારાસભ્યોએ પણ ગૃહમાં નિયમોનું પાલન કરવું જોઇએ તેવી ટકોર કરી હતી.
સાથો સાથ તેઓએ ભાજપ અને કોંગ્રેસના દંડકને પોતાના પક્ષના ધારાસભ્યોને ગૃહમાં કયાં નિયમોનું પાલન કરવું અને કેવી રીતે વર્તવુ તેની શોર્ટ નોટ આપવા તાકીદ કરી હતી. ધારાસભ્યોને પોતાના સ્થાન પર વ્યવસ્થિત બેસવાની પણ સુચના આપી હતી. સાથો સાથ ધારાસભ્ય હવે પોતાના સ્થાને બેસી પ્રશ્ર્નો પૂછી શકશે નહી તેવો પણ આદેશ કર્યો હતો.
ગૃહમાં ચાલતી કામગીરી પર સમગ્ર રાજયની જનતાની નજર હોય છે. આવામાં ધારાસભ્યો ગૃહમાં શાળાના કલાસ રૂમમાં જે રીતે નાના બાળકો વર્તન કરતા હોય તેવું વર્તન કરે છે. જેનાથી વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરી નારાજ થઇ ગયા છે. આગામી દિવસોમાં તેઓ કોઇ લેખીત આદેશ કરે તેવી સંભાવના નકારી શકાતી નથી.