ભારતીય જયોતિષ વિજ્ઞાન અનુસાર સાત ગ્રહો માનો એક ગ્રહ શનિને ગણવામાં આવે છે. શનિદેવને શનિવારના દેવ પણ કહેવામા આવે છે. શનિદેવને સૂર્યના પુત્ર અને યમના મોટાભાઈ માનવામાં આવે છે. શનિનો અર્થ થાય છે મંદ અર્થાત્ ધીમી ગતિ. સૂર્યની પ્રદક્ષિણા કરતા શનિ ગ્રહને 30 વર્ષ જેટલો સમય લાગે છે. પૌરાણિક કથાઓ મુજબ, શનિ મહારાજનો જન્મ સાયન મિથુનના સૂર્યમાં અને મિથુનના ચંદ્રમાં થયો હતો. જયારે સૂર્ય ચંદ્ર સમકક્ષમાં થતાં વૈશાખ વદ અમાસે થયો હતો. ભારતમાં એવા ઘણા યાત્રાધામ છે. જે શનિદેવનું મહત્વ ધરાવે છે. તો જાણો ભારતના સુપ્રસિદ્ધ શનિદેવનાં મંદિરો વિશે.
શનિ શિંગણાપુર,મહારાષ્ટ્ર
શનિદેવ શિંગણાપુર મંદિર ભારતના મહારાષ્ટ્ર રાજ્યનું એક ગામ છે. ત્યાં શનિ ભગવાનની સ્વયંભૂ પ્રતિમા કાળા રંગની છે. ૫ ફુટ અને ૯ ઇંચ ઊંચી તેમજ ૧ ફુટ અને ૬ ઇંચ પહોળાઇ ધરાવતી મુર્તિ છે. અહીં વસવાટ કરતાં લોકો શનિદેવના ભક્તો છે. અહિના બધા લોકો એવું માને છે કે અમારે સુરક્ષાની કોઈ જરૂર નથી. કારણ કે ભગવાન શનિદેવ તેમના રક્ષક છે. 300 વર્ષ જૂની દંતકથા અનુસાર એવું કહેવામા આવે છે કે પાનસનાલા નદીના કિનારે એક કાળો સ્લેબ મળી આવ્યો હતો. એ નદી એક સમયે ગામમાંથી વહેતી હતી. જ્યારે સ્થાનિક લોકોએ સ્લેબને સ્પર્શ કર્યો ત્યારે તેમાંથી લોહી નીકળવા લાગ્યું. ભગવાન શનિ દેવ એકવાર ગામના વડાના સપનામાં આવ્યાં અને તેમને કહ્યું કે સ્લેબ તેમની પોતાની મૂર્તિ છે. તેને ગામમાં રાખવી જોઈએ. પછી ગ્રામજનોએ તેને ગામની મધ્યમાં એક પ્લેટફોર્મ પર સ્થાપિત કર્યું અને તેને કંઈપણથી ઢાંક્યું નહીં. ત્યારથી દેશભરમાંથી ગ્રામજનો અને લોકો ભગવાન શનિના આશીર્વાદ માટે મંદિરની મુલાકાત લે છે. અહીં રહેતા લોકો ક્યારેય તેમના ઘરના દરવાજા બંધ કરતા નથી અથવા તેમના ઘરને તાળું મારતા નથી કારણ કે તેઓ માને છે કે જો તેઓ આવું કંઈ કરે તો ભગવાન શનિ ચોરને તરત જ અંધત્વની સજા આપે છે.
શનિ ધામ,દિલ્હી
દિલ્હીમાં આવેલું શનિધામ મંદિરમાં ભગવાન શનિની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ મૂર્તિ વર્ષ 2003 માં સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારથી આ મંદિર ભગવાન શનિના તમામ ભક્તો માટે એક મોટું આકર્ષણ બની ગયું છે. આ પ્રતિમાનું અનાવરણ કરતા પહેલા શ્રી શનિધામ પીઠાડેશ્વર સંત શિરોમણી શનિ ચરણુરાગી ‘દાત્તિ’ મદન મહારાજ રાજસ્થાનીજીએ 100 કરોડ અને 32 લાખ વખત શનિ મંત્રોનો જાપ કર્યો હતો. ભક્તોનું એવું માનવું છે કે અહીં ભગવાન શનિની પૂજા કરવાથી તેમના માર્ગમાં આવનારી તમામ પરેશાનીઓ દૂર થાય છે. શનીદેવ બધાની રક્ષા કરે છે. આ મંદિર બે ભાગોમાં વહેંચાયેલું છે પૂર્વ અને પશ્ચિમ તેની પાસે પૂછપરછ કાર્યાલય,સ્વાગત કાર્યાલય અને પ્રકાશન વિભાગની સાથે પુસ્તકાલય સંશોધન કેન્દ્ર છે. પૂર્વ દિશામાં શનિદેવની વિશાળ મૂર્તિઓ અને બાર ‘જ્યોર્તિલિંગ’ની મૂર્તિઓ છે. પશ્ચિમ ભાગમાં ભેંસ અને ગીધની ઉપર શનિદેવની વિશાળ પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓની જમણી તરફ હનુમાનજીની મૂર્તિ છે. પશ્ચિમ વિભાગમાં નવ ગ્રહોની અર્પણ પૂલ અને મૂર્તિઓ પણ છે. મંદિરમાં દર વર્ષે હજારો ભક્તો તેની મુલાકાત લે છે. અહીં ખાસ કરીને શનિવારના દિવસે ભીડ હોય છે. જેને ભગવાન શનિનો દિવસ માનવામાં આવે છે. આ મંદિર આખા વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરે છે.
તિરુનાલ્લાર,તમિલનાડુ
તિરુનાલ્લાર પુડુચેરીના કરાઈકલમાં આવેલું એક નાનું શહેર છે. તે ભગવાન શનિદેવના મંદિર માટે જાણીતું છે. તિરુનાલ્લારને સનિશ્વરન મંદિર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાજા નાલાને આ મંદિરમાં પૂજા કર્યા પછી શનિના પ્રભાવથી થતા તેમના રોગમાંથી રાહત મળી હતી. ત્યારથી આ સ્થળને નાલા તીર્થમ કહેવામાં આવે છે. વિશ્વભરમાંથી ભક્તો અહીં સ્નાન કરવા આવે છે અને ભૂતકાળના કર્મોને લીધે થતી કોઈપણ સમસ્યા કે રોગમાંથી મુક્તિ મેળવે છે.
શનિચરા,મધ્ય પ્રદેશ
ભગવાન શનિને સમર્પિત અન્ય આદરણીય મંદિર પૈકી શનિચર મંદિરમાં વિશ્વભરના ભક્તો અહિયાં દર્શનાર્થે આવે છે. દંતકથા અનુસાર,જ્યારે ભગવાન શનિને ભગવાન હનુમાન દ્વારા લંકાથી ફેંકવામાં આવ્યા હતા. ત્યારે તેઓ આવીને આ સ્થાન પર પડ્યા હતા. આ મંદિરમાં ભગવાન શનિનું મંદિર છે .જે લંકાથી લાવવામાં આવ્યું હતું. લોકોનું માનવું છે કે અહીં શનિ પર્વતની પરિક્રમા કરવાથી ભગવાન શનિદેવના શ્રાપમાંથી મુક્તિ મળે છે.
શનિ મંદિર,ઇન્દોર
ભગવાન શનિ મંદિર સાથે સંબંધિત માત્ર એક વાર્તા નથી. એવું માનવામાં આવે છે કે આ મંદિર શાહી હોલકર વંશના સમયથી અસ્તિત્વમાં છે. ઘણી કથાઓ અનુસાર, દેવી અહલ્યાબાઈ અહીં ભગવાન શનિની પૂજા કરવા આવ્યા હતા. 300 વર્ષ જૂની વાર્તા અનુસાર,એક વખત એક અંધ પૂજારી અહીં આવ્યો હતો. અને પછી તેણે ભગવાન શનિનું સ્વપ્ન જોયું હતું. જેણે તેને તેમની આંખોની રોશની પાછી આપી હતી. અન્ય એક દંતકથા અનુસાર,હાલમાં ભગવાન રામની પ્રતિમા જ્યાં મૂકવામાં આવી છે. ત્યાં ભગવાન શનિની મૂર્તિ સ્થિત હતી પરંતુ એક રાત્રે મૂર્તિ તેની જાતે જ ખસેડી અને આજે જે સ્થળે હતી ત્યાં આવી ગઈ છે.