ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં ‘યુવા ટાઉનહોલ’ કાર્યક્રમમાં ૩૧૨ સ્થળોએ ૧,૮૦,૩૫૨ યુવાનોએ લીધો ભાગ
વડાપ્રધાન મોદીએ લોકોના દિલ ઔર દિમાગ ઉપર છવાઈ જવા ડીજિટલાઈઝેશનનો ભરપુર ઉપયોગ કર્યો છે. ગુજરાત વિધાનસભા તથા લોકસભા ચુંટણીમાં વિરોધીઓને સોશ્યલ મીડિયાનું રોલનું મહત્વ બતાવ્યું હતું અને દીર્ઘદ્રષ્ટી જ ભવિષ્યના લોકપ્રતિનિધિને જન્મ આપતી હોવાની વાતનો પુરાવો આપ્યો હતો. ડીજિટલાઈઝેશન અને સોશ્યલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરવો તે ભાજપને સારી રીતે ફાવી ગયું છે. ભાજપને પગલે કોંગ્રેસ પણ ડીજિટલાઈઝડ થવા મથામણ કરે છે પરંતુ સાતત્યપૂણે પ્રયત્નોનો અભાવ જોવા મળે છે.
ત્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે ફરીથી ડીજિટલાઈઝેશન નામની જાદુની છડીનો ઉપયોગ કર્યો હતો. યુવા ટાઉનહોલ કાર્યક્રમ દરમિયાન ૩૧૨ સ્થળોએ ૧,૮૦,૩૫૨ યુવાનો સાથે સીધો સંપર્ક કરી તેમના પ્રશ્ર્નોના જવાબ આપ્યા હતા. કાર્યક્રમમાં અમિત શાહે ચુંટણીનું રણશિંગુ ફુંકવાની સાથોસાથ કોંગ્રેસ અને હાર્દિક સહિતના વિરોધીઓને આડે હાથ લીધા હતા.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથે લેતા કહ્યું હતું કે, કોંગ્રેસના શહેજાદા હમણાં અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે વિકાસનો હિસાબ માગતા હતા, પરંતુ રાહુલ ગાંધીને મારે કહેવું છે કે તેઓ જયાં રિવરફ્રન્ટ પર ઉભા રહીને આ ભાષણ આપતા હતા ત્યાં પહેલા ગંદા પાણીના ખાબોચિયા હતા અને આજે રિવરફ્રન્ટ બની ગયો છે જે જોવા દુનિયાભરના લોકો આવે છે તે વિકાસ છે. નર્મદા યોજનાનું લોકાર્પણ કરવા ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે તેનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું હતું કે, મારે રાહુલ ગાંધીને એ પૂછવું છે કે, જે યોજના તમારા પરનાના સ્વ. નહેરૂના સમયમાં શરૂ કરી હતી અને તમારા પિતાના સમયમાં પણ પૂરી ના થઇ તે યોજના પીએમ નરેન્દ્ર મોદીના શાસનમાં કેમ પૂરી થઇ તેનો જવાબ અમને આપો. હું આજે રાહુલ ગાંધીને જવાબ આપવા આવ્યો છું તેમ કહેતા તેમણે અનેક મુદ્દે કોંગ્રેસની ઝાટકણી પણ કાઢી હતી. અમિત શાહે કહ્યું હતું કે, તમારા સવાલના જવાબ આપવાની અમારી તૈયારી છે પરંતુ એ પાર્ટી સવાલ પૂછે છે કે જેણે કોમી જાતિવાદનું ઝેર ઘોળ્યું હતું. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર યોજના અટકાવતા હતા અને ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે યોજના અટકી જતી હતી અને મોરારજી દેસાઇ, કેશુભાઇ અને નરેન્દ્ર મોદીના શાસનમાં યોજના આગળ વધતી હતી તેવું કેમ/ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા મેધાબહેન પાટકરને જઇને પણ હમણાં મળી આવ્યા હતા તે યાદ કરાવતા શાહે કહ્યું હતું કે, નર્મદાનો વિરોધ કરાવતો સવાલ તે લોકોએ દિગ્વિજયસિંઘ જોડે પૂછાવ્યો હતો. શાહે કટાક્ષ કરતા કહ્યું હતું કે હવે ગુજરાતની ચૂંટણીમાં દિગ્વિજયને લઇને આવજો અને યુવાનો કોંગ્રેસવાળાને આ સવાલ પૂછજો અને જવાબ માગજો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અડીખમ ગુજરાત-યુવા ટાઉનહોલ કાર્યક્રમથી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકતા રાજ્યભરમાં ૩૧૨ જેટલા સ્થળોએ ૧.૮૦ લાખથી વધુ યુવાનોને સંબોધતા ગુજરાતના વિકાસને લઇને વોટ્સએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં ચાલતા અપપ્રચારથી યુવાનોને સાવધ રહેવા અપીલ કરી હતી. ચૂંટણીમાં કોઇપણ પ્રકારનું મન બનાવતા પહેલા અનેક રીતે યુવાનોને તથ્ય ચકાસવા સાથે જો કોના સમયમાં કેટલો વિકાસ થયો તે શોધશો તો તેનો જવાબ ભાજપ જ આવશે તેમ ભારપૂર્વક જણાવતા કહ્યું હતું કે, મુદ્દાઓના ઉંડાણમાં જજો અને વિકાસ કોણે કર્યો તે બાબત ત્રાજવામાં તોળજો. ગુજરાતી મહિલા ૮૦ રૂપિયાનું માટલું પણ ખરીદે તો તેની પર ટકોરા મારે છે ત્યારે યુવાનો ૧.૭૨ લાખ કરોડ રૂપિયાનું ગુજરાતનું બજેટ કોઇના હાથમાં સોંપવાનું છે ત્યારે ટકોરો બરાબર મારજો પણ છેતરાતા નહીં. શાંત-અજવાળાવાળું અને વિકાસયુક્ત ગુજરાત જોઇએ તો તમારો વિકાસ કરી શકે તેવા ભાજપને મત આપજો તેવી અપીલ પણ કરી હતી.
અમિત શાહને જીએસટીની અસર, નોટબંધી પછીની સ્થિતિ, મોદી વગરનું ગુજરાત અને વિકાસની ગતિ સહિત સંખ્યાબધ મુદ્દે ૪ લાખ જેટલા પ્રશ્નો ટાઉનહોલ અને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમથી રાજ્યભરમાંથી પૂછવામાં આવ્યા હતા જેમાંથી અનેકના તેમણે જવાબ આપ્યા હતા.
કેટલાય સમયથી રાજ્યમાં ભાજપ શાસનમાં વિકાસને લઇને સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ થઇ રહી છે ત્યારે સમગ્ર મુદ્દાને ખુદ અમિત શાહે તાર્કિક રીતે લોકો સમક્ષ મૂકીને ખરેખર ૧૯૯૫ પહેલાના કોંગ્રેસના વિકાસહીન શાસન અને તે પછીના વિકાસના શાસનની દાખલા-દલીલો સાથે બે હિસ્સામાં વહેંચીને સરખામણી કરી હતી. જેના કારણે ગુજરાત ભાજપને ચૂંટણી પહેલા જ વિપક્ષ કે વિરોધીઓ પર વળતો પ્રહાર કરવાનું ભાથું મળ્યું હતું