જામનગર સમાચાર
જામનગરની શાન સમા ભૂજિયા કોઠાનું રેસ્ટોરેશન ચાલી રહ્યું છે. 171 વર્ષ જૂની આ ઈમારત નવા રૂપરંગ ધારણ કરી ચૂકી છે. રાજપૂતાના અને પર્શિયન પરંપરાનું મિશ્રણ ધરાવતું આ બાંધકામ હવે પૂર્ણતાના આરે છે. એક જમાનાનું આ શસ્ત્રાગાર હવે નવા રૂપરંગ સાથે શહેરની શાનમાં અભિવૃદ્ધિ કરશે. આ નવસર્જન કામગીરીઓ કોર્પોરેશનના માર્ગદર્શન અનુસાર જામનગરની જ અક્ષરશિલ્પ એજન્સી કરી રહી છે.
આ ભૂજિયા કોઠાનું કામ તે સમયના રાજાઓએ ઈ.સ. 1852 માં કર્યુ હતું. એ જમાનામાં આ ઈમારત સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઈમારત હતી જેની ઉંચાઈ અંદાજે 100 ફૂટ હતી. આ ઐતિહાસિક ઈમારત 2001ના ભૂકંપ વખતે સંપૂર્ણ તારાજ થઈ ગઈ હતી તેથી ગુજરાત સરકારે આ ઈમારતનું રિનોવેશન આગવી ઓળખની ગ્રાન્ટ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને સોંપ્યુ છે.
એક જમાનામાં આ ભૂજિયો કોઠો નવાનગર સ્ટેટની ગઢની રાંગનો મહત્વનો હિસ્સો હતો. આ સમગ્ર ઈમારત જામનગર તથા તે વખતના સૌરાષ્ટ્રના ઈતિહાસને સમજવા માટે અતિ ઉપયોગી ઈમારત છે જેનું પુન:સર્જન જામનગર શહેર માટે એક નજરાણું બની રહેશે.
જામનગરમાં તળાવની પાળે આવેલાં ખંભાળીયા દરવાજા અને લાખોટા કોઠાને જોડતી હેરિટેજ સાંકળ સમાન ભૂજિયા કોઠાનું પુન: સર્જનનું કામ જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જે હવે પૂર્ણતાના આરે છે. રૂ. 23.41 કરોડના ખર્ચે આ કામ આગવી ઓળખની ગ્રાન્ટ જઉંખખજટઢ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. જામનગરની અક્ષરશિલ્પ એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું છે. સમગ્ર પ્રોજેક્ટની કિંમત રૂ. 23,41,88,472.50 પૈસા છે. અને આ કામનું નામ રેસ્ટોરેશન, કનઝરવેશન, ક્ધસોલિડેશન એન્ડ રિ- પ્રોડક્શન ઓફ ભૂજિયા કોઠા છે.
આ ઈમારતના ઉપરના ત્રણ માળનું તથા નાશ પામેલ સી આકારના ભાગનું રિ પ્રોડક્શન વર્ક કરવામાં આવ્યું છે. અહીંની કિલ્લાની દીવાલને ખંભાળિયા દરવાજા તરફની ફોર્ટ વોલ સાથે જોડવામાં આવી છે. ઉપરના ત્રણ માળને જોડતાં પેસેજનું પણ રિ પ્રોડક્શન વર્ક કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બીજા માળ પર નાશ પામેલ રાઉન્ડ ગેલેરીનું રિ પ્રોડક્શન, તમામ બારીઓ અને દરવાજાઓનું ક્ધસોલિડેશન વર્ક, લાકડાની તમામ છતોનું રિ પ્રોડક્શન વર્ક, પથ્થરની હૈયાત સીડીનું રેસ્ટોરેશન તથા અંદર અને બહારના તમામ ભાગોનું રેસ્ટોરેશન વર્ક કરવામાં આવ્યું છે.
આ સાથે જ નાશ પામેલ બીજા માળ અને ઉપરના ભાગને જોડતી સીડીનું રિ પ્રોડક્શન વર્ક, પ્રથમ માળ પર આવેલી તમામ મૂર્તિઓનું રિ પ્રોડક્શન વર્ક, સમગ્ર ઈમારતમાં ઈલેક્ટ્રીફિકેશન, કેબલિંગ, લાઇટિંગ, સીસી ટીવી, સાઉન્ડ સિસ્ટમ તથા ઈન્ટરકોમ વ્યવસ્થા લગાડવામાં આવી છે. મુલાકાતીઓની સુવિધાઓ માટે ટોઈલેટ બ્લોક, હૈયાત ફલોરિંગ કાઢીને તેની જગ્યાએ નવું ફલોરિંગ તથા લાઈમ સ્ટોન ફલોરિંગ કરવામાં આવ્યું છે. ઈમારતમાં ઉગી નીકળેલી તમામ વાંસપટીઓ અગાઉ જ દૂર કરી નાંખવામાં આવી હતી. નવી સીડી તરીકે કાસ્ટ આયર્નની સીડી મૂકવામાં આવી છે. આ ઉપરાંત ઈમારતના છેલ્લા માળ પર હેલિઓગ્રાફિ યંત્ર ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું છે.
રાજયના પુરાતત્વ વિભાગે આ ઈમારતને 1956ની પહેલી મે એ રક્ષિત સ્મારક જાહેર કરેલ છે. આ ઈમારતના રેસ્ટોરેશનની કામગીરીઓ આ ઈમારતને આગામી દાયકાઓ સુધી રક્ષિત સ્મારક તરીકે અલગ ઓળખ આપતી રહેશે. રાજાશાહીના જમાનામાં આ ઈમારત શસ્ત્રાગાર તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી.જેની બાંધકામ શૈલી રાજપૂતાના અને પર્શિયન પરંપરાનું મિશ્રણ છે. આ ઈમારત વિશે એવી પણ વાયકા છે કે, તેમાં ભૂજ જવાનો ભૂગર્ભ માર્ગ છે. જામનગરના લોકોના મનમાં આ ઈમારત ભવ્ય સ્મારક તો છે જ સાથેસાથે રહસ્યમય કલાકૃતિનો નમૂનો પણ છે.
સાગર સંઘાણી