આજે અંતિમ મેચ જીતી ભારત સિરીઝ અંકે કરી શકશે? 

મંગળવારે કોલંબો પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ટીમના અન્ય ૮ સભ્યોને ફિલ્ડ પર નહીં ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કૃણાલ પંડ્યાની પોઝીટીવીટીએ ટીમમાં નેગેટિવિટી ઉભી કરી દીધી હતી જેના પરિણામે ટીમ ખૂબ નબળી બની હતી. નબળી ટીમ લઈને મેદાને ઉતરેલા શિખર ધવનને બીજા મેચમાં શરમજનક હાર મળી હતી.

ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં ટી-૨૦ શ્રેણીની બીજી મેચ રમાઇ રહી છે. જે મેચ અગાઉ મંગળવારે રમાનારી હતી. કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થતા મેચને એક દીવસ માટે ટાળી દેવામાં આવી હતી. શિખર ધવને ૪૦ રનની ઇનીંગ રમી હતી. ભારતીય ટીમની ધીમી રમતને લઇને ભારત મોટો સ્કોર ખડકી શક્યુ નહોતુ. જેને લઇ ભારતે આપેલા ૧૩૩ રનના પડકારને શ્રીલંકાએ ૬  વિકેટે પાર પાડ્યો હતો.

ભારતીય ટીમે શ્રીલંકા સામે ૧૩૩ રનનો પડકાર રાખ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકાએ શરુઆત ધીમી કરી હતી. રક્ષણાત્મક રીતે પીછો કરવાની પ્રયાસ કર્યો હતો. પરંતુ ૧૨ રનના સ્કોર પર જ ત્રીજી ઓવરમાં શ્રીલંકાએ આવિષ્કા ફર્નાન્ડોની મહત્વની વિકેટ ગુમાવી હતી. આવિષ્કાએ ૧૧ રન ૧૩ બોલમાં કર્યા હતા. સાદિરા સમરવિક્રમાએ ૧૨ બોલમાં ૮ રન કર્યા હતા. કેપ્ટન દાસુન શનાકાએ ૬ બોલમાં ૩ રન કર્યા હતા. તે કુલદીપ યાદવની વાઇડ બોલની જાળમાં ફસાઇ ગયો હતો.

મિનોદ ભાનુકા ને એક જીવતદાન મળ્યા બાદ, તે કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. ૩૧ બોલમાં ૩૬ રન બનાવીને તે કેચ આઉટ થયો હતો. હસારંગા એ ૧૧ બોલમાં ૧૫ રન બનાવ્યા હતા. રમેશ મેન્ડીસે ૨ રન કર્યા હતા. ચામિકા કરુણારત્ને ૬ બોલમાં ૧૨ રન કર્યા હતા. ડી સિલ્વાએ મહત્વની રમત રમી બતાવી હતી, તેણે ૩૪ બોલમાં ૪૦ રન કર્યા હતા. ડી સિલ્વાએ જીત સુધી અણનમ રહ્યો હતો.

ભારતીય ટીમ તરફે કુલદીપ યાદવે શાનદાર બોલીંગ કરી હતી. તેણે ૪  ઓવરમાં ૩૦ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી. રાહુલ ચાહરે ૪ ઓવર કરીને એક વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીએ ૪ ઓવરમાં ૧૮ રન આપી ૧ વિકેટ ઝડપી હતી. ચેતન સાકરીયા ખર્ચાળ સાબિત થયો હતો. તેણે ૩.૪ ઓવરમાં ૩૪ રન આપી ૧ વિકેટ ઝડપી હતી. ભૂવનેશ્વર કુમારે ૧ વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમમાં  ૪ ખેલાડીઓને ડેબ્યૂનો મોકો મળ્યો છે. બેટ્સમેનમાં દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ અને નિતીશ રાણા ડેબ્યૂ કર્યો હતો. જ્યારે ઝડપી બોલર ચેતન સાકરિયા પણ ટી-૨૦ માં બ્લ્યૂ જર્સીમાં દેખાયો હતો. સાકરીયા અને રાણાએ અંતિમ વન ડે મેચમાં પણ ડેબ્યૂ કર્યુ હતુ.

શ્રીલંકા માટે રમેશ મેન્ડીસ પોતાનુ ડેબ્યૂ કર્યો હતો. જ્યારે સદીરા સમરવિક્રમાને ટીમમાં સ્થાન મળ્યુ હતું. અશેન બંદારાને ડ્રોપ કરવામાં આવ્યો છે. જ્યારે ચરિથ અસાલંકા ઇજાને લઇને બહાર થયો છે.

શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકા માટે રમેશ મેન્ડીસ ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે ભારતીય કેપ્ટન શિખર ધવને કહ્યુ હતુ કે, તેઓ પહેલા બેટીંગ કરવા ઇચ્છતા હતા.

હવે આજે ફરીવાર સિરીઝ માટેનો જંગ જામશે. હાલ બંને ટીમો ત્રણ મેચની સિરિઝમાં ૧-૧ની બરાબરી પર છે ત્યારે સિરીઝ અંકે કરવા માટે આજનો મેચ નિર્ણાયક સાબિત થશે. ભારતીય ટીમે લેસન કરીને મેદાનમાં ઉતરવુ પડશે તો જ સિરીઝ અંકે કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.