ભારતીય મુસાફરોની ગંદી આદત: ટોયલેટમાં પ્લાસ્ટિકની બોટલ, ડાયપર, ટીશ્યૂ ફેંકી દે છે: વેક્યૂમ ફ્લશ સિસ્ટમ ઠીક કરતા ટાઇમ લાગે છે.
ભારતીય મુસાફરોની ‘ગંદી આદત’ એટલે કે ટોઇલેટ હાઇજીનના અભાવે ફ્લાઇટો મોડી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નવી દિલ્હીથી શિકાગો જતી ફ્લાઇટના ૮ ટોઇલેટની ગંદી હાલતને કારણે ફ્લાઇટ મોડી ઉપડી હતી અને પરિણામે મુસાફરોને તકલીફ પડી હતી.
વિમાન કંપનીનો દાવો હતો કે અમુક મુસાફરોએ ટોઇલેટની અંદર પ્લાસ્ટિકની બોટલ અને અન્ય કચરો ફેંકી દીધો હતો તેથીએ ટોઇલેટ ઉપયોગને લાયક રહ્યું ન હતું. જોકે, બધા મુસાફરો આવા નથી હોતા પરંતુ અમુક મુસાફરોની ગંદી આદતને કારણે બાકીના મુસાફરોને પરેશાની ભોગવવી પડે છે.
વિમાન કંપનીનો એ પણ દાવો છે કે અમુક મુસાફરો ટોયલેટને ગમે તે હાલતમાં છોડી જાય છે ત્યારે વિમાન કંપની માટે પ્રશ્ર્નએ રહે કે ટોઇલેટને દુરસ્ત કરવું કે આગળના શિડ્યુલની તૈયારી કરવી?
એક એરલાઇનના સુત્રોએ જણાવ્યું હતું કે મુસાફરો ટોયલેટમાં પ્લાસ્ટિકની બોટલ, ડાયપર અથવા ટીશ્યૂ પેપર ફેંકી દે છે એનાથી વેક્યૂમ ફ્લશ સિસ્ટમ ખરાબ થઇ જાય છે. ટોયલેટ દુરસ્ત કરતી વખતે ટોયલેટ પાઇપમાં ફેંકાયેલી વસ્તુ બહાર કાઢવી પડે છે. ત્યારબાદ જ વેક્યૂમ ફ્લશ સીસ્ટમ કામ કરી શકે છે.આ કામગીરીમાં સમય લાગે છે. પરિણામે શેડયૂલિંગ પર અસર પડે છે. આમાં વિમાન કંપનીનો કોઇ જ વાંક નથી. એર ઇન્ડિયાના એક ક્રૂ મેમ્બરે જણાવ્યું હતું કે, જૂની સિસ્ટમ સારી હતી. બ્લૂ કેમિકલ અને ગરમ પાણી ફ્લશ કરવાથી જામ ઠીક થઇ જતો હતો. પરંતુ બોઇંગ ૭૭૭ અને ૭૮૭માં એડવાન્સ વેક્યૂમ ફ્લશ સિસ્ટમ છે. જેમાં પાઇપ જામ થઇ જાય તો આસાનીથી ઠીક થઇ શકતો નથી. તેમાં ખાસ્સો સમય લાગે છે.
ફ્લાઇટમાં ૨૭ કલાકની મુસાફરી દરમિયાન ૮માંથી ૪ ટોઇલેટ બંધ હતા. આ વિમાનમાં ૩૨૪ એડલ્ટ, ૭ બાળકો અને ૧૬ ક્રૂ મેમ્બર્સ હતા. ગત ઓગસ્ટમાં પણ મુંબઇથી યુએસ જતી ફ્લાઇટમાં આવુ જ થયુ હતુ. કેમકે ટોયલેટ ઉપયોગ કરવાને લાયક હતા નહી. ગંદા ટોયલેટને કારણે લંડન, નેવાર્ક, શિકાગો, ન્યૂયોર્ક જતી ૧૪ ફ્લાઇટ મોડી થઇ હતી.