શિક્ષણ વિદો હવે સમજી જાવ તો સારૂ, ગુજરાતના ભાવિનું કંઈ તો ગંભીરતાથી વિચારો!
ઔદ્યોગિક હબ ગણાતા ગુજરાતમાં આઇટી ફિલ્ડમાં વિપુલ તકો, છતાં સરકાર અને શિક્ષણ વિદોની બેદરકારીને લીધે વિદ્યાર્થીઓનો પ્રવાહ તે દિશામાં વળતો જ નથી
ઔદ્યોગિક હબ ગણાતા ગુજરાતમાં આઇટી ફિલ્ડમાં વિપુલ તકો છે. છતાં સરકાર અને શિક્ષણ વિદોની બેદરકારીને લીધે વિદ્યાર્થીઓનો પ્રવાહ તે દિશામાં વળતો જ નથી. સરકારના સિડેક દ્વારા થતા આઇટી કોર્ષમાં ગુજરાતમાંથી એક પણ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થયું નથી. જેને પગલે સિડેકનું ગુજરાતમાં એક પણ સેન્ટર પણ ખોલી શકાયું નથી. અત્યારે આઇટી ફિલ્ડમાં માંગ પુષ્કળ છે. પણ કમનસીબે આ વાત વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે અને ટ્રેઈન કરવા માટે કોઈ તૈયાર નથી.
ગુજરાત ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્ય છે. હાલના સમયમાં મોટાભાગના ઉદ્યોગો પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા હોય આઇટી ફિલ્ડમાં વિપુલ તકોનું સર્જન થઈ રહ્યું છે. જો કે રાજ્ય સરકારે આ વાતને ગંભીરતાથી લીધી જ નથી. બીજી તરફ શિક્ષણવિદો પણ પોતાના સ્વાર્થના સોદામાં વ્યસ્ત રહ્યા છે. તેઓને પણ વિદ્યાર્થીઓના હિતનું વિચારવામાં હજુ સમય જ મળ્યો નથી. ગુજરાતમાં શિક્ષણની હાલત શુ છે તેનું ચિત્ર એક ઘટના ઉપરથી ઉપસી આવ્યું છે. ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિકસ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીની સાયન્ટિફિક સોસાયટી દ્વારા સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ (સી ડેક) ચલાવવામાં આવે છે. જે વિવિધ આઇટી કોર્ષનું શિક્ષણ આપે છે. આ સીડેકના દેશના અલગ અલગ શહેરોમાં 18 સેન્ટર કાર્યરત છે. પણ ગુજરાતના એક પણ શહેરમાં તેનું સેન્ટર નથી. તેની પાછળનું કારણ એ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓએ આ કોર્ષ પ્રત્યે રસ જ દાખવ્યો નથી.
ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિકસ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીની સાયન્ટિફિક સોસાયટી દ્વારા સંચાલિત સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ (સી ડેક)ના દેશમાં 18 સેન્ટર, પણ ગુજરાતના વિદ્યાર્થીઓએ રસ ન લેતા આપણા રાજ્યમાં એક પણ સેન્ટર નહિ
સી ડેક દ્વારા વિવિધ કોર્ષ માટે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ 18 જુલાઈ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું થાય છે. બાદમાં 30 અને 31 જુલાઈએ કોમન એડમિશન ટેસ્ટ આપીને વિદ્યાર્થીઓ આ કોર્ષ માટે સેન્ટરમાં પ્રવેશ આપે છે. આ કોર્ષ એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર, એમસીએ તથા સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર જોડાઈ શકે છે.
આ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઘણા સમયથી શરૂ કરી દેવામાં આવી છે. પણ કમનસીબે ગુજરાતના એક પણ વિદ્યાર્થીએ તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. સરકાર અને શિક્ષણવિદોના વાંકે ગુજરાતમાં માંગ હોવા છતાં એક પણ વિદ્યાર્થી આ પ્રવાહ તરફ વળ્યો નથી.
વિદ્યાર્થીઓ ભણી-ગણીને નોકરી માટે દર દર ભટકે છે બીજી તરફ આઇટીનું ફિલ્ડ કોરૂ ધાકડ પડ્યું છે, માત્ર સાચી દિશા આપવાની જરૂર, પણ તેમાં આપણી સિસ્ટમ નિષ્ફળ
વર્તમાન સમયમાં શિક્ષણ વિદો અને સરકાર કોઈ પણ પ્રકારના ભવિષ્યના આયોજન વગર જ આંધળુકિયા કરી રહી છે.ક્યાં ક્ષેત્રમાં આવનાર દિવસોમાં તક હશે તે રિસર્ચ કરીને વિદ્યાર્થીઓને તે તરફ વળવાનું દિશાસૂચન આપવાની પણ કોઈ દરકાર લઈ રહ્યું નથી. માટે વિદ્યાર્થીઓ જે વર્ષો જૂનો ચીલો ચાતરવામાં આવ્યો છે. તે મુજબ વર્ષો જુના-પુરાણા કોર્ષનું શિક્ષણ મેળવી રહ્યા છે. જેને પરિણામે વર્ષો સુધી મહેનતથી ભણેલો વિદ્યાર્થી શિક્ષણ મેળવ્યા બાદ નોકરી માટે દર દર ભટકે છે.
આઇટી ફિલ્ડના સ્ટુડન્ટસને રોજગારી માટે કોઈ દેશની સરહદ નથી નડતી
દેશમાં તો ઠીક વિદેશમાં પણ આઇટીના સ્ટુડન્ટસની બોલબાલા છે. એટલે આઇટી ફિલ્ડના સ્ટુડન્ટસને રોજગારી માટે કોઈ દેશની સરહદ પણ નડતી નથી. વધુમાં અત્યારે રિમોટ વર્કનું પણ ચલણ ખૂબ વધ્યું છે. વિકસિત દેશોમાં કર્મચારીઓને સાચવવાની જે પોલિસી છે તે કંપનીઓ માટે શિરદર્દ બની ગઇ છે. એટલે વિદેશી કંપનીઓ ભારત જેવા દેશોમાંથી આઇટી ફિલ્ડના એક્સપર્ટસને રિમોટ વર્ક માટે હાયર કરે છે અને આકર્ષક સેલેરી પણ આપે છે. આનાથી કંપનીઓની પણ બચત થાય છે. બીજી તરફ ભારતના આઇટી ફિલ્ડના એક્સપર્ટસને ઘરે બેઠા સારા વેતનથી કામ મળી રહે છે. બીજી તરફ આઇટી ફિલ્ડમાં ગુજરાતમાં પણ સારી ડિમાન્ડ છે. પણ કમનસીબે તેનો લાભ બીજા રાજ્યના લોકો લઈ રહ્યા છે. સ્થાનિક વિદ્યાર્થીઓનો મોટો પ્રવાહ હજુ આ બાબતથી અજાણ જ હોય, તેવો સામાન્ય કોર્ષ કરીને પોતાની લાયકાતથી પણ નીચી નોકરીઓ શોધવાના ચપ્પલના તળિયા ઘસી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં સીડેકના 5 સેન્ટર : બિહાર જેવા રાજ્યમાં પણ સેન્ટર, પણ ગુજરાતમાં નહિ!!!
સીડેકના દેશમાં કુલ 18 સેન્ટરો છે. જે રાજ્યમાં વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં એડમિશન લેતા હોય છે. ત્યાં સીડેકના સેન્ટર ખોલવામાં આવે છે. મહારાષ્ટ્રમાં તો સી ડેકના 5 સેન્ટર છે. જે કરાડ, મુંબઇ, નાગપુર, નાશિક અને પુણેમાં આવેલ છે. અહીં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આ કોર્ષ તરફ વળ્યા છે. આ ઉપરાંત બિહાર જેવા રાજ્યમાં પણ વિદ્યાર્થીઓ આઇટી કોર્ષ તરફ વળતા પટનામાં સીડેકનું સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બેંગલુરૂ, ભુવનેશ્વર, ચેન્નાઇ, ગૌવહાટી, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, કોચી, કોલકતા, ન્યુ દિલ્હી, નોઈડા અને તિરૂવંતમપુરમમાં પણ સેન્ટર કાર્યરત છે.
સરકાર અને શિક્ષણવિદોએ આઇટી ફિલ્ડ અંગે જાગૃતતા લાવી કોર્ષને સરળતાથી ઉપલબ્ધ કરાવવા જોઈએ
ગુજરાત સરકાર ડિજિટલ ગુજરાત, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રોજગારીની બુમો પાડી પોતાની કામગીરીનો પ્રચાર પ્રસાર મોટાપાયે કરી રહી છે. પણ વાસ્તવિક ચિત્ર કઈક અલગ જ છે. આઇટી ફિલ્ડમાં સરકાર નિરસતા ઉડીને આખે વળગે તેવી છે.બીજી તરફ શિક્ષણ વિદો પણ વિદ્યાર્થીઓના ભાવીને લઈને ગંભીર નથી. પણ હવે ગુજરાતના વિકાસ માટે સરકારે અને શિક્ષણ વિદોએ ભેગા મળીને આઇટી ફિલ્ડ અંગે જાગૃતતા લાવીને તેના વિવિધ કોર્ષ સરળતાથી ઉપલબ્ધ બને તે દિશામાં ઝડપથી પગલાં ભરવા જોઈએ.
સી ડેકમાં ઉપલબ્ધ કોર્ષ
- એડવાન્સ કોમ્પ્યુટર
- બિગ ડેટા એનાલિટિક્સ
- એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇન
- આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ એન્ડ સિક્યુરિટી
- આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ
- ઇન્ટરનેટ ઓફ થીંગ્સ
- વીએલએસઆઈ ડિઝાઇન
- મોબાઈલ કમ્યુટરિંગ
- એડવાન્સડ સિક્યોર સોફ્ટવેર ડેવલોપમેન્ટ
- જીઓન્ફોર્મેટિક
- રોબોટીક્સ એન્ડ એલાઈડ ટેકનોલીજીસ
- એચપીસી સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન
- ફિનટેક એન્ડ બ્લોકચેઇન ડેવલોપમેન્ટ
- સાયબર સિક્યુરિટી એન્ડ ફોરેન્સિક