એ.સી.માં બેસતાં અધિકારીઓને જનતાની મુશ્કેલી કયારે સમજાશે
શહેરમાં લોકોને કોઇ હાલાકી ન પડે તે માટે મહાનગર પાલીકાની સ્થાપના કરવામાં આવી છે, તેમાં જનતાના ટેક્સના પૈસાથી લાખો રૂપિયા પગાર અને એસી કાર સહિતની સુવિધા આપીને અધિકારીઓની ભરતી કરવામાં આવી છે પરંતુ આ અધિકારીઓ જ આડોળાઇ કરે અને નિષ્ઠાપૂર્વક કામ ન કરે તો કોને ફરિયાદ કરવી. જામનગરની ભાગોળે હાપા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ગટરનું પાણી છલકાઇને ગોઠણડૂબ પાણી ભરાયું છે. તેમ છતા આળસુ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.
આ અંગે અધિકારી અશોક જોષીને જ્યારે વાત કરવામાં આવી તો તેઓએ તપાસ કરવાનું કહ્યું હતું જે તપાસ હજુ સુધી ચાલુ જ છે. પરંતુ અધિકારીઓ એ વાતથી અજાણ છે કે ત્રણ દિવસમાં દરરોજ કામઅર્થે નિકળતા લોકોને કેટલી હાલાકી પડી રહી છે. અહીં પ્રધાનમંત્રી આવાસ બન્યા છે જ્યાં હજારો લોકો રહે છે. આ એવા લોકો છે જેઓ નિયમીત હાઉસ ટેક્સ મનપા કચેરીમાં જમા પણ કરાવે છે. શું તેમના ટેક્સના પૈસા ભરવા છતા સુવિધા આપવી અધિકારીઓની ફરજ નથી ?. થોડા દિવસ પહેલા જ અહીં ખુલ્લી ગટરમાં એક રીક્ષા ફસાઇ હતી. હવે આ ગટરમાંથી પાણી છલકાઇને રસ્તો બંધ થઇ ગયો છે. ત્યારે અહીં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.