વિશ્વભરમાં ભુખમરો ફેલાય તેવી ભીતિને પગલે અમેરિકાએ ભારતને ઘઉંની નિકાસમાં બ્રેક ન મારવા આજીજી કરી
ભારતે ઘઉંની નિકાસ ઉપર બ્રેક મારતા વિશ્વ આંખામાં ઉચાટ ફેલાયો છે. વિશ્વભરમાં ભુખમરો ફેલાય તેવી ભીતિને પગલે અમેરિકાએ ભારતને ઘઉંની નિકાસમાં બ્રેક ન મારવા આજીજી કરી છે. બીજી તરફ આ નિકસબંધીને કારણે ભારતમાં સ્થાનિક બજારમાં ભાવ નીચે જાય તેવી સંભાવના છે.
કેન્દ્રની મોદી સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી યુએસ સંપૂર્ણ અવ્યવસ્થામાં હોવાનું જણાય છે. યુક્રેન યુદ્ધની શરૂઆતથી જ ભારત અને રશિયાના દ્વિપક્ષીય સંબંધો અને વ્યાપાર પર સતત આંગળી ચીંધનાર અમેરિકાને હવે મોદી સરકારના આ પગલાથી વિશ્વભરમાં ભૂખમરો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. હવે તેમણે આશા વ્યક્ત કરી છે કે ભારત ઘઉંની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધના નિર્ણય પર પુનર્વિચાર કરશે.
ભારતની મોદી સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી, યુએસએ કહ્યું કે વોશિંગ્ટન દેશોને નિકાસ પર પ્રતિબંધ ન મૂકવા માટે પ્રોત્સાહિત કરશે. તેમણે કહ્યું કે આનાથી યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે ખોરાકની અછત વધશે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા દરમિયાન કહ્યું કે અમે ભારતના નિર્ણયનો રિપોર્ટ જોયો છે. અમે દેશોને નિકાસ પર પ્રતિબંધ ન મૂકવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. અમને લાગે છે કે નિકાસ પરના કોઈપણ નિયંત્રણો વિશ્વભરમાં ભૂખમરો તરફ દોરી જશે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે કહ્યું કે ભારત સુરક્ષા પરિષદમાં અમારી બેઠકમાં ભાગ લેનારા દેશોમાંથી એક હશે. અમે આશા રાખીએ છીએ કે તેઓ અન્ય દેશો દ્વારા ઉઠાવવામાં આવી રહેલી ચિંતાઓની નોંધ લેશે અને તે સ્થિતિ પર પુનર્વિચાર કરશે. લિન્ડા થોમસ ઘઉંની નિકાસને પ્રતિબંધિત કરવાના ભારતના નિર્ણય અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.
અમેરિકી રાજદૂતે જણાવ્યું હતું કે યુક્રેન વિકાસશીલ વિશ્વની ખાદ્ય જરૂરિયાતોને પૂરી કરતું હતું, પરંતુ જ્યારથી રશિયાએ મહત્વપૂર્ણ બંદરોને બ્લોક કરવાનું શરૂ કર્યું ત્યારથી આફ્રિકા અને મધ્ય પૂર્વમાં ભૂખમરો વકરી ગયો છે.
પ્રતિબંધમાં થોડી રાહત : 13મેં પહેલા જે કન્સાઈમેન્ટ કસ્ટમમાં રજીસ્ટર્ડ હશે તેની નિકાસ થઈ શકશે
હવે ઘઉંની નિકાસ પર સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોમાં કેટલીક છૂટછાટ જાહેર કરવામાં આવી છે. સરકારે કહ્યું છે કે ઘઉંના કન્સાઈનમેન્ટ જે 13 મે પહેલા કસ્ટમમાં રજીસ્ટર્ડ હશે તેને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવશે. એટલે કે તેની નિકાસ કરી શકાય છે.
ઘઉંની નિકાસને લઈને સરકારે નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ મુજબ, 13 મેના રોજ આદેશ જારી ન થાય ત્યાં સુધી કસ્ટમ્સમાં નોંધાયેલા ઘઉંના કન્સાઇનમેન્ટની નિકાસ કરી શકાશે. નવા આદેશ અનુસાર, સરકારે નક્કી કર્યું છે કે તારીખ પહેલાં તપાસ માટે કસ્ટમ વિભાગને સોંપવામાં આવેલા અથવા તેમની સિસ્ટમમાં નોંધાયેલા ઘઉંના કન્સાઇનમેન્ટની નિકાસ કરી શકાય કે કેમ.
સરકારે ઇજિપ્તમાં નિકાસ કરવા માટે ઘઉંના કન્સાઇનમેન્ટ મોકલવાની પણ મંજૂરી આપી છે. આ કન્સાઈનમેન્ટ પહેલાથી જ ગુજરાતના કચ્છ સ્થિત કંડલા પોર્ટ પર જહાજમાં લોડ કરવામાં આવી રહ્યું હતું. ઈજિપ્તની સરકારે ઘઉંની નિકાસ માટે ભારત સરકાર પાસે પરવાનગી માંગી હતી.
મેસર્સ મેરા ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ઇજિપ્તમાં નિકાસ કરવામાં આવતા ઘઉંની દેખરેખ કરી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેમને કુલ 61,500 મેટ્રિક ટન ઘઉંનું લોડિંગ પૂર્ણ કરવાનું કામ આપવામાં આવ્યું હતું, જેમાંથી 44,340 મેટ્રિક ટન ઘઉંનું લોડિંગ થઈ ચૂક્યું છે. માત્ર 17,160 મેટ્રિક ટન ઘઉં લોડ કરવાનું બાકી હતું. ભારત સરકારે આ સમગ્ર કન્સાઈનમેન્ટ મોકલવાની પરવાનગી આપી છે.
- કંડલા બંદરે ઘઉં ભરેલા 4 હજાર ટ્રકોનો ખડકલો
- અંદાજે 1 લાખ મેટ્રિક ટન જેટલા ઘઉંના જથ્થાનો ભરાવો
કેન્દ્ર સરકાર દ્રારા અચાનક ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાતા ભારે મુશ્કેલી સર્જાઇ છે ખાસ કરીને દેશમાં જ્યાથી ઘઉંની મોટી નિકાસ થાય છે તેવા કચ્છના કંડલા બંદર પર અચાનક નિકાશ અટકાવી દેવાતા નિકાસ સાથે સંકડાયેલા તમામ લોકો ચિંતાતુર બન્યા છે. એક અંદાજ મુજબ કંડલા બંદર નિકાશ અટકી જતા એક લાખ મેટ્રીક ટન ઘઉંનો જથ્થો ભરાઇ ગયો છે હવે તેવામાં માલ સામાન રાખવાની યોગ્ય વ્યવસ્થાનો અભાવ અને અચાનક નિર્ણયથી મોટા નુકશાનની ચિંતા સાથે ટ્રેડર,નિકાસકાર અને તેને સંલગ્ન તમામ લોકો પરેશાન થઈ ગયા છે. કંડલા બંદરે 4 જહાજો અટકેલા છે અને 1 લાખ મેટ્રીક ટન ઘઉંના નિકાશની આશાએ ઉભી છે 5 દિવસથી અટકેલા જહાજ પૈકી આજે ઇજીપ્ત જઇ રહેલા એક જહાજમાં લોડીંગ શરૂ કરાયુ છે.
કંડલા- ગાંધીધામના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને રોજનું રૂ. 3 હજાર કરોડનું નુકસાન
ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી ટ્રાન્સપોર્ટ અને શિપિંગ બિઝનેસ પર ભારે અસર પડી છે. કંડલા-ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને રોજનું રૂ.3 કરોડનું નુકસાન થઈ રહ્યું છે કારણ કે ઘઉંથી ભરેલી 4,000થી વધુ ટ્રકો ફસાયેલી છે અને ઉતારવામાં અસમર્થ છે.
ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા મુજબએક પણ ગોડાઉનમાં માલ નથી. ખાલી છે. જેના કારણે નિકાસ માટે મોકલવામાં આવેલ ઘઉં ટ્રકોમાં પડેલ છે અને ગાંધીધામના કંડલા બંદરની બહાર અંદાજે 4000 ટ્રકો રાહ જોઈ રહ્યા છે. જો દૈનિક વેઈટિંગ ચાર્જ ઉમેરવામાં આવે તો ટ્રક માલિકોને ઓછામાં ઓછા 3 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જો કે ટ્રાન્સપોર્ટરોના મનમાં એવી દ્વિધા ઊભી થઈ છે કે નિકાસકારો વેઈટિંગ ફી ભરશે કે નહીં ?