ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામની યુવતી પર તેના જ ગામના 60 વર્ષના સીદી બાદશાહે બળાત્કાર ગુજાર્યાની ઘટના પ્રકાશનમાં આવતા સનસનાટી મચી ગઇ છે. યુવતીનો એકલતાનો લાભ લઇ મોડીરાતે બળાત્કાર ગુજારી ભાગી છુટેલા કામાંધ વૃધ્ધને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખીલાવડ ગામની 18 વર્ષની ખેડુતની પુત્રી ગતરાતે પોતાના ઘરે એકલી હતી ત્યારે તેના જ ગામના હાસમ ઉર્ફે મનસીંગ નથુ મકવાણા નામના શખ્સે બળાત્કાર ગુજાર્યાની ગીરગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
યુવતીના માતા-પિતા સુરત ખાતે રહેતા સંબંધીને ત્યાં પસંગમાં ગયા હોવાથી યુવતી પોતાના પાડોશમાં જ રહેતા કાકાના ઘરે રૂમમાં સુતી હતી અને કાકા-કાકી ફળીયામાં સુતા હતા ત્યારે હાસમ મોડીરાતે ઘરે આવી દરવાજો ખટખટાવતા યુવતીએ દરવાજો ખોલતાની સાથે જ મોઢા પર ડુચો દઇ રૂમમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.
દરમિયાન યુવતીએ પોતાના કાકાને બુમ પાડતા હાસમ ભાગી ગયો હતો તેનો પીછો કર્યો હતો પરંતુ તે પકડાયો ન હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. હાસમ યુવતીના કાકાની જમીન વાવતો હોવાથી યુવતી તેને ઓળખતી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
નરાધમે યુવતીનો દેહ અભડાવતા નાના એવા ગામમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયેલા સીદી બાદશાહને પકડી લેવા પોલીસ પણ સક્રીય થઇ છે. ગુજરાતમાં મહિલાઓ સુરક્ષીત હોવાના દાવા ચોક્કસ થઇ રહ્યા છે પરંતુ હવે નાના એવા ગામડામાં પણ મહિલાઓ માટે એકલુ રહેવું જાણે જોખમી બની રહ્યું હોય તેવો માહોલ સર્જાઇ રહ્યો છે.