- વિંછીયા પોલીસે ગણતરીની કલાકોમાં સગીરાને રેસ્ક્યુ કરી મામા સહિત પાંચ નરાધમોને પકડી પાડ્યા: દુષ્કર્મની કલમ ઉમેરવા તજવીજ
વિંછીયા પંથકમાંથી મામા-ભાણેજના સંબંધને લાંછન લગાવતો અને સમાજને શર્મશાર કરતો બનાવ સામે આવ્યો છે. જાદુઈ ચશ્માંના વળગણમાં સગીર ભાણેજને વેંચી નાખવા નીકળેલા શકુની મામાને વિંછીયા પોલીસે પકડી પાડી સગીરાને રેસ્ક્યુ કરી પરિવારને સોંપવામાં આવી હતી. જયારે સગીરાને વેચવા નીકળેલા શકુની મામા અને ચાર નરાધમોને પકડી પાડવામાં આવ્યા હતા. જયારે સગીરાનો દેહ અભડાવવા મામલે દુષ્કર્મ સહીતની કલમો ઉમેરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વિછીયા પોલીસ મથક ખાતે ગત તા. 17 ફેબ્રુઆરીના રોજ એક સગીરાનુ અપહરણ તેનો સગો મામો જ કરી ગયો હોય તેવો ગુનો દાખલ થયો હતો. જે મામલાની ગંભીરતાને ધ્યાને રાખી પીઆઇ જે પી રાવ દ્વારા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ધીમો બનાવી ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સ ના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા સને કોન્સ્ટેબલ અમિતભાઈ સુરુને સંયુક્ત રાહે હકીકત મળી હતી કે મુખ્ય આરોપી દિનેશ સગીરાને અમરેલી ખાતે લઈ ગયો છે. જેથી તુરંત જ પોલીસની ટીમ અમરેલી દોડી જઈ સગીરાને રેસ્ક્યુ કરી નરાધમ મામાની ધરપકડ કરી હતી.
વિછીયા પોલીસની પૂછપરછમાં મુખ્ય આરોપી દિનેશે જણાવ્યું હતું કે, તેણે તેના અન્ય ચાર સાગરીતોને એક એન્ટિક ચશ્માનો ફોટો બતાવેલો હતો. જે ચશ્મા પહેરવાથી દિવાલ તથા જમીનમાં ઊંડે સુધી બધું આરપાર જોઈ શકાય છે અને આ એન્ટિક ચશ્મા એક માણસ પાસે છે. જે ચશ્મા ખરીદવા રૂપિયાના બદલે કિશોરી આપવા સંયુક્ત રીતે પાંચે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી દિનેશે તેની સગી ભાણેજનું અપહરણ કરી લઈ સામાજિક સંબંધોને કલંકિત કરી નાખ્યો હતો.
પોલીસે સગીરાને રેસ્ક્યુ કર્યા બાદ મેડિકલ તપાસ કરાવતા સગીરા પર દુષ્કર્મ થયાનું સામે આવતા હવે વિછીયા પોલીસે મામલામાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કલમોનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે. બીજી બાજુ પોલીસ દ્વારા શકુની મામા દિનેશ ઉપરાંત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વિનુ હીરા સોલંકી(ઉ.વ.39), મેરામ પોપટ કણોત્રા(ઉ.વ. 40), વલ્લભ બચુ સાપરા(ઉ.વ.66) અને બાબુ ઉર્ફે ટીણો પોપટ મકવાણા (ઉ.વ.31)ની ધરપકડ કરવામાં આવી હતી.