- તપાસ હાઇકોર્ટના સિટીંગ જજની કમિટીને સોંપવામાં આવે તેવી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની માંગણી
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના પૈસા લાલચુ ડોક્ટરો દ્વારા આયુષ્યમાન કાર્ડ ધારકો લોકોને કોઇપણ પ્રકારની બિમારી ન હોવા છતાં દિલ ખોલી દગો કરવામાં આવતો હતો જરૂર ન હોવા છતા એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવતી હતી. આ ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. દરમિયાન આગામી સોમવારથી શરૂ થતા લોકસભા અને રાજ્યસભાના શિયાળુ સત્રનો આરંભ થઇ રહ્યો છે. ખ્યાતી હોસ્પિટલ કાંડને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સંસદમાં ઉઠાવશે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો દેશની સંસદમાં ગુંજશે. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ ચર્ચા માટે નોટિસ આપી છે.
આ અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હાઇકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપવામાં આવી જોઇએ. સરકારી તંત્રની મિલીભગત વગર આવા કાંડ ના થઈ શકે તેવી પણ શંકા તેઓએ વ્યક્ત કરી હતી. ખ્યાતિ કાંડમાં વ્યવસ્થિત તપાસ થાય તો મૂળ સરકાર સુધી પહોંચશે. તેઓએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર હું જ ચોર, હું જ પોલીસ અને હું જ ન્યાયાધીશ જેવું વર્તન કરી રહી છે. જો વર્ષ-2022 માં ખ્યાતિમાં મૃત્યુ થયું ત્યારે પરવાનગી રદ્દ કરી હોતતો આ બનાવ ના બન્યો હોત અને બીજા લોકોને બચાવી શકાયા હોત.
સરકાર ચોખ્ખા હાથ વાળી હોય તો હાઈકોર્ટના સિટિંગ જજને તપાસ સોંપવી જોઈએ. પ્રજાની તિજોરીનો એકપણ રૂપિયાનો દૂર ઉપયોગ ના થવો જોઈએ. તેવી લાગણી પણ શક્તિસિંહે વ્યક્ત કરી હતી. ગુજરાતનો પહેલા દાખલો અપાતો હતો કે પ્રજાના ટેક્સનો યોગ્ય ઉપયોગ થાય છે. હવે ગુજરાત મોસ્ટ કરપ્ટેડ અને મોસ્ટ ડુપ્લીકેટ તરીકે ઓળખાય એ શરમજનક બાબત છે.
આગામી સોમવારથી સંસદમાં શિયાળુ સત્રનો આરંભ થઇ રહ્યો છે ત્યારે ગુજરાતની ખ્યાતી હોસ્પિટલના કાંડની ચર્ચા કરવાના મામલે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે નોટિસ ફટકારી છે.