લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં, તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાનમાં ગેરહાજર રહેનાર 9 સભ્યોને નોટીસ ફટકારવામાં આવી
એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ વચ્ચે અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે કમરતોડ પ્રયાસ કરતી કોંગ્રેસમાં વધુ એક ભંગાણ પડ્યું છે. તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 34 સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કર્યા છે. જેને લઈને સમગ્ર ગુજરાતમાં રાજકીય હલચલ વધી ગઈ છે. આ વખતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વ્યૂહરચના પર વાત કરવાના બદલે એક્શન મોડ પર કામગીરી કરી છે.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. તાજેતરમાં ગુજરાતની વિવિધ તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી મતદાન કરનાર સામે કોંગ્રેસનું કડક વલણ જોવા મળી રહ્યું છે. જેમાં ક્રોસ વોટિંગ કરનાર 34 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઉદાહરણરૂપ પગલા ભરીને પક્ષવિરોધી પ્રવૃતિઓ કરનારને એક મોટો સંદેશ આપ્યો છે. આ સિવાય તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાનમાં ગેરહાજર રહેનાર 9 સભ્યોને નોટીસ ફટકારી છે.તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી મતદાન કરનાર સામે કોંગ્રેસ લાલઘૂમ દેખાઈ રહી છે. કોંગ્રેસ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરી ક્રોસ વોટિંગ કરનાર 34 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કડક પગલા ભરતા આ કાર્યવાહી કરી છે. એટલું જ નહીં, મતદાનમાં ગેરહાજર રહેનાર 9 સભ્યોને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. ગારિયાધાર, કલોલ, અબડાસા, લખતર, સરસ્વતી, સિદ્ધપુર, વિસનગર, નડિયાદ, માતર અને મહુવાના સભ્યોને નોટિસ ફટકારાઈ છે.પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આનંદ છે કે ગુજરાતમાં મોટા ભાગનાં કોંગ્રેસનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભારતીય જનતા પાર્ટીનાં અનેક પ્રલોભનો સામ દામ દંડ અને તેનાથી નીચે લોકશાહીમાં જે માન્ય નથી તેવા હથટંડા કર્યા. ખોટા કેસ, બસમાંથી ઉઠાવી જવા. કલોલમાં જોયું સ્પષ્ટ બહુમતી હતી અમારી. આ બધા જ ધંધા કર્યા હોવા છતાં મોટા ભાગે કોંગ્રેસનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઝુક્યા નથી. જસદણમાં પણ અનેક હથટંડા થયા છતાં જસદણમાં કોંગ્રેસની તાલુકા પંચાયત બેઠી છે. અમુક જગ્યાએ કેટલાક લોકોને કોંગ્રેસની વિરૂદ્ધ મતદાન કર્યું છે. તેવા લોકોને છ વર્ષ માટે પાર્ટી સસ્પેન્ડ કરી રહી છે.