સાફામાં સજ્જ થઈ ખુલ્લી જીપ અને બુલેટ સવાર મહિલાઓ કરશે રેલીનું નેતૃત્વ

આગામી આઠમી માર્ચે મોરબીમાં સૌ પ્રથમ વખત વિશાળ મહીલા રેલીનું આયોજન કરાયું છે, યંગ ઇન્ડિયા ગ્રુપ અને જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ રેલીને શક્તિવંદના નામ અપાયું છે જેમાં ડ્રેસકોડમાં સાફા પહેરી ખુલ્લી જીપમાં તેમજ બુલેટસ્વાર મહિલાઓ રેલીની આગેવાની કરશે.

શક્તિવંદના રેલીના આયોજન અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ૮ મી માર્ચના દિવસને વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ મોરબીમાં મહિલા ઉત્થાન માટે કોઈ આયોજનો થતા ન હોય યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પહેલ કરવામાં આવી છે અને શક્તિવંદના નામકરણ સાથે મોરબીમાં પહેલી વખત જ વિશાળ મહિલા રેલીનું આયોજન કર્યું છે.

વધુમાં વિગતો આપતા દેવેનભાઈ રબારીએ ઉમેર્યું હતું કે ૮ માર્ચના રોજ બપોરે ૩.૩૦ કલાકે મોરબી ટાઉન હોલ ખાતેથી રેલી પ્રસ્થાન કરશે જેમાં પ્રથમ ખુલ્લી જીપમાં રાણી લક્ષ્મીબાઈ, મહિલા આઇપીએસ સહિતના પત્રોમાં સજ્જ થયેલા બહેનો જોડાશે, બાદમાં ૧૦ થી વધુ બાઇકમાં મહિલા બુલેટ સ્વારો હશે અને ત્યાર બાદ મોટી સંખ્યામાં મોરબીના બહેનો પોતાના સ્કૂટર લઈને આ રેલી સાથે રહેશે. આ રેલીમાં તમામ મહિલાઓ ચોક્કસ ડ્રેસ કોડમાં સામેલ થશે અને તમામ મહિલાઓ શોર્યના પ્રતીક સમાન સાફામાં સજ્જ થયેલા હશે.

મોરબી ટાઉન હોલ ખાતેથી રેલી પ્રસ્થાન કરી રવાપર રોડ, કેનાલ રોડ, ઉમિયા સર્કલ થઈ સનાળા રોડ પર પસાર થશે ત્યાંથી ગાંધી ચોક નવા ડેલા રોડ, પાડાપુલ થઈ સામાકાંઠા િવસ્તારમાં ફરી આ રેલી રિટર્ન ગેસ્ટહાઉસ રોડ, નગર દરવાજા ચોક થઈ પરત ટાઉન હોલ ખાતે આવશે.

રેલીના સમાપન બાદ ભાવનગરના તેજાબી મહિલા વક્તા નેહલબેન ગઢવી ટાઉન હોલ ખાતે મહિલાઓને સંબોધન કરી નારી શક્તિનો ખ્યાલ આપશે.

આ રેલીમાં મોરબી શહેર જિલ્લાના અગ્રણી મહિલાઓ, મહિલા અધિકારી, કર્મચારી અને રાજકીય મહિલા અગ્રણીઓ પણ રેલીમાં જોડાશે. શક્તિ વંદના રેલીમાં જિલ્લા વહીવટી તંત્ર પણ સહભાગી બન્યું છે આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાય તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશિષ્ઠ આયોજન : સાંજે નેહલ ગઢવીનું પ્રેરક વક્તવ્ય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.