- રાજકોટ બેઠક માટે ઉમેદવારનું કોંકડુ ઉકેલવા ખુદ શકિતસિંહ ગોહિલ મેદાને
- આજે રાત્રિ રોકાણ રાજકોટમાં કરશે કાલે શહેર કોંગ્રેસના આગેવાનો સાથે મેરેથોન મીટીંગ
અબતક, રાજકોટ ન્યૂઝ : રાજકોટ લોકસભા બેઠક માટે ઉમેદવારના નામને લઇ કોંગ્રેસમાં કોકડુ ગુંચવાળુ છે. આ ગુંચવાયેલા કોકડાના ઉકેલનો મામલો હવે ખુદ પ્રદેશ અઘ્યક્ષ શકિતસિંહ ગોહિલે પોતાના હાથમાં લીધો છે. આજે રાત્રે શકિતસિંહનું રાજકોટમાં આગમન થશે રાત્રિ રોકાણ કરશે આવતીકાલે શહેર કોંગ્રેસના આગેવાનો સાથે મેરેથોન બેઠક યોજાશે.રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોતમભાઇ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ છેલ્લા ત્રણ સપ્તાહથી જોશ-શોરથી પ્રચાર કરી રહ્યાં છે.
તેઓની સામે સક્ષમ ઉમેદવાર ઉતારવાની કોંગ્રેસની વ્યહુ રચના છે. અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણીનું નામ ચર્ચામાં છે. તેઓ ચુંટણી લડવા ઇન્કાર કરી રહ્યા છે. રાજકોટનું સ્થાનીક સંગઠન લોકલ ઉમેદવાર ઇચ્છી રહ્યું હોવાના કારણે પરેશ ધાનાણી રાજકોટથી લોકસભા લડવા માંગતા ન હોવાનું ચર્ચાય રહ્યું છે. ગત ગુરુવારે ઉમેદવારની યાદીમાં ગુજરાતની 11 બેઠકો માટે નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. રાજકોટના ઉમેદવારને લઇ ગુંચવાયેલું કોકડુ ઉકેલવાની જવાબદારી દિલ્હી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે સાંજે શકિતસિંહ ગોહિલનું રાજકોટમાં આગમન થશે તેઓ હાથ સે હાથ જોડો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજીત યુ ટયુબ એવોડ-2024 કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રિ રોકાણ પણ રાજકોટ ખાતે જ કરશે આવતીકાલે સવારે 11 થી બપોરે ર વાગ્યા સુધી શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે એક મેરેથોન બેઠક યોજાશે જેમાં ઉમેદવારની પસંદગીને લઇ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ તેઓ વાંકાનેર જવા રવાના થશે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાના મોટાભાઇ મીરસાહેબ પીરઝાદાના અવસાન થયું હોય તેઓના પરિવારને સાંત્વના પાઠવશે સાંજે સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નંદકિશોર દવેના નિધનથી શોક મગ્ન પરિવારને અવિયારો પુરો પાડશે આ ઉપરાંત નૌશાદ સોલંકીના કાર્યાલય ખાતે કાર્યકરો સાથે બેઠક યોજાશે.