પૂર્વ કેન્દ્રિય મંત્રી રાજીવ શુકલા બનશે ગુજરાતના સાંસદ: બંને ઉમેદવારોનાં નામની સતાવાર જાહેરાત બાકી
ગુજરાતની રાજયસભાની ૪ બેઠકો માટેની આગામી ૨૬મી માર્ચે યોજાનારી ચુંટણી માટે ગઈકાલે ભાજપ દ્વારા ૨ ઉમેદવારોનાં નામની જાહેરાત કરાયા બાદ આજે બપોરે કોંગ્રેસ દ્વારા પોતાના બે ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં અપેક્ષિત રીતે શકિતસિંહ ગોહિલને ટીકીટ આપવામાં આવી છે. જયારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીસીસીઆઈનાં ઉપાધ્યક્ષ રાજીવ શુકલા પણ ગુજરાતનાં સાંસદ બની દિલ્હી જશે. જોકે બંને ઉમેદવારોનાં નામની સતાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી.
ગુજરાતમાં રાજયસભાના સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા, ચુની ગોહિલ, મધુસુદન મિસ્ત્રી અને વાડોદરીયાની મુદત પૂર્ણ થઈ રહી હોય આગામી ૨૬મી માર્ચના રોજ રાજયસભાની ૪ બેઠકો માટે ચુંટણી યોજાવાની છે. હાલ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યનું સંખ્યાબળ જોતા ભાજપ અને કોંગ્રેસ બંનેના ફાળે બે-બે બેઠકો આવે તેવી સંભાવના છે. અગાઉ ભાજપ પાસે ૩ અને કોંગ્રેસ પાસે ૧ બેઠક હતી. ગઈકાલે સાંજે ભાજપ દ્વારા પોતાના બે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં રાજકોટનાં ધુરંધર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ અને આદિવાસી નેતા રમીલાબેન બારાને ટીકીટ આપવામાં આવી છે. આવતીકાલે આ બંને ઉમેદવારો રાજયસભાની ચુંટણી માટે ફોર્મ ભરવાના છે.
દરમિયાન આજે કોંગ્રેસ દ્વારા પોતાના બે ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાત વિધાનસભાનાં પૂર્વ વિપક્ષી નેતા શકિતસિંહ ગોહિલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ શુકલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો ફોર્મ ભરશે.