રાજ્યના ૮ શહેરોનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી કરતા નીચું નોંધાયું
સમગ્ર રાજ્યમાં ઉત્તર ભારતના પવન ફરી વળતા કડકડતી ઠંડીનો લોકોએ અનુભવ કર્યો છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં કોલ્ડવેવ રહેવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકરી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૮ ડિગ્રી અને નલીયાનું લઘુતમ તાપમાન ૫.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ૫ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. પોષ માસના હજુ તો પાંચ જ દિવસ વિત્યા છે ત્યાં લોકોએ આકરી ઠંડીનો અનુભવ કરવો પડી રહ્યો છે.
આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૮ અને મહત્તમ તાપમાન ૨૨.૬ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા અને ૮ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે નલીયાનું લઘુતમ તાપમાન ૫.૮ ડિગ્રી નોંધાયું હતું.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢનું લઘુતમ તાપમાન ૮.૪ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને ૫.૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉત્તરાયણની રાતથી જ કડકડતી ઠંડીનો દૌર ચાલુ થયો હતો. ઠંડકના કારણે લોકોને ગરમ કપડામાં લપેટાઈ રહેવાની ફરજ પડી હતી.
ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટની સાથે કાન અને મો વાટે ઠંડી પ્રવેશે નહીં તે માટે મફલર અને રૂમાલ વિંટયા હતા. હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી કરી છે. જો કે હજુ આગામી ૪૮ કલાક સુધી વર્તમાન તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ ૨ થી ૩ ડિગ્રી તાપમાન ઉંચકાઈ શકે છે અને આગામી બે દિવસ બાદ ઠંડી ઘટશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. એટલે કે રવિવાર સુધી રાજ્યનું લઘુતમ તાપમાન ૬ થી ૧૦ ડિગ્રી આસપાસ રહેશે.
આજે રાજ્યના વિવિધ શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૯.૬ ડિગ્રી, ડીસાનું ૯.૪ ડિગ્રી, વડોદરાનું ૧૧.૨ ડિગ્રી, સુરતનું ૧૨.૭ ડિગ્રી, રાજકોટનું ૮ ડિગ્રી, કેશોદ-જૂનાગઢનું ૮.૪ ડિગ્રી, ભાવનગરનું ૧૧.૧ ડિગ્રી, પોરબંદર ૧૦.૬ ડિગ્રી, વેરાવળનું ૧૨ ડિગ્રી, દ્વારકાનું ૧૩ ડિગ્રી, ઓખાનું ૧૫.૨ ડિગ્રી, ભુજનું ૯ ડિગ્રી, નલીયા ૫.૮ ડિગ્રી, સુરેન્દ્રનગર ૯.૫ ડિગ્રી, ન્યુ કંડલા ૧૦ ડિગ્રી, અમરેલી ૭.૮ ડિગ્રી, ગાંધીનગર ૧૦ ડિગ્રી, મહુવાનું ૧૦.૪ ડિગ્રી, દિવ ૧૨.૨ ડિગ્રી, વલ્લભવિદ્યાનગરનું ૯.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગીર પંકમાં કાતિલ ઠંડીથી કેસર કેરીના મોર બળી જવાની ભીતિ
ગીર ગઢડા પંથકમાં પડી રહેલી કાતિલ ઠંડીથી કેસર કેરીના મોર બળી જવાની ભીતી સેવાઈ રહી છે. ગીર પંથકમાં કેસર કેરીના મોર ફુટવાની પ્રક્રિયા શરૂ થવાની હોય ત્યારે ગીરમાં ભારે કાતીલ ઠંડીનો દોર શરુ થતા ડીસેમ્બર માસની શરૂઆતમાં ફુટેલા મોર જે ફલાવરીંગના તબક્કામાં આવ્યા હોય તે મોર બળી જવાની ભીતી સેવાઈ રહી છે ધોકડવા, નગડીયા, જસાધાર સહિત સમગ્ર ગીર પંથકમાં પાંસઠ ટકા કેસર કેરીના આબા વાડીઓ આવેલ છે. તેમાં એક માસ કેસર કેરીના મોર મોડા ફુટતા આ વર્ષે નવેમ્બરમાં નહીવત ન જોવા મળ્યા છે. ગીર પંકના ખેડૂત ખીમજીભાઈના કહેવા પ્રમાણે આ વર્ષે કેરી મોડી માર્કેટ મા જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે.