અર્ધી સદી અને પાંચ વિકેટ એમ બેવડી સિદ્ધિ હાંસલ કરનાર શાકિબ વિશ્વકપનો બીજો ખેલાડી બન્યો
બાંગ્લાદેશના ગોલંદાજ શાકિબ અલ હસનના મેજિક સ્પેલ સામે અફઘાનિસ્તાનનો ૬૨ રને પરાજય થયો હતો. ૨૬૩ રનના પડકારનો સામનો કરવા ઉતરેલી અફઘાન ટીમમાંથી સમીઉલ્લાહ શિનવારી અને કેપ્ટન ગુલબદિનને બાદ કરતાં એક પણ પ્લેયર શાકિબની ધારદાર બોલિંગનો સામનો કરી શક્યો ન હતો અને ટીમ ૪૭ ઓવરમાં ૨૦૦ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શાકિબે ઓલરાઉન્ડર દેખાવ કરતાં બેટિંગમાં ૫૧ રન કર્યા બાદ બોલિંગમાં પણ કૌવત બતાવ્યું હતું અને ૫ વિકેટ ઝડપી હતી. મુસ્તફિઝુરે ૨ વિકેટ મેળવી હતી.
અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય બાંગ્લાદેશની ટીમે સાચો પાડતાં ૨૬૨ રનનો સ્કોર ખડક્યો હતો. બાંગ્લાદેશ વતી મુશ્તફિકુર રહિમે ૮૩, શાકિબ હસને ૫૧ રન કર્યા હતા. મુજીબુર રહેમાને ૩ અને ગુલબદિને ૨ વિકેટ ઝડપી હતી. શાકિબે આ વર્લ્ડ કપમાં પોતાના ૧૦૦૦ રન પૂરાં કર્યા. તે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ૧૦૦૦+ રન બનાવનાર બાંગ્લાદેશનો પહેલો અને વિશ્વનો ૧૯મો બેટ્સમેન છે. શાકિબે આ ટૂર્નામેન્ટમાં પોતાની ત્રીજી હાફ સેન્ચુરી ફટકારી, તે બે સેન્ચુરી પણ લગાવી ચુક્યો છે. ૬ મેચમાં તેને ૫ વખત ૫૦+નો સ્કોર કર્યો છે. મોહમ્મદ સૈફુદ્દીન અને મોસાદેક હુસૈન ટીમમાં પરત ફર્યા અને બાંગ્લાદેશની ટીમમાં બે ફેરફાર કર્યા છે. અનુભવી શબ્બીર રહમાન અને રુબેલ હુસૈનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યાં છે. મોહમ્મદ સૈફુદ્દીન અને મોસાદેક હુસૈન પરત ફર્યા છે. તો અફઘાનિસ્તાનની ટીમ પણ બે ફેરફાર કર્યા છે. આફતાબ આલમ અને હઝરત ઉલ્લા જજાઈની જગ્યાએ સમીઉલ્લા શિનવારી અને દૌલત જાદરાનને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. સતત ૬ મેચ હારેલું અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટની બહાર થઇ ગયું છે. જયારે બાંગ્લાદેશના ૬ મેચમાં ૫ પોઇન્ટ છે. તેઓ બાકીની ત્રણેય મેચ જીતે તો ૧૧ પોઇન્ટ સાથે જો અને તોની સ્થિતિમાં ક્વોલિફાય કરી શકે છે. તેવામાં બાંગ્લાદેશ માટે ટૂર્નામેન્ટમાં જીવંત રહેવા માટે આ મેચ જીતવી જરૂરી છે. સ્પિન બંને ટીમની તાકત છે, જે આ મેચને વધુ રોમાંચક બનાવી શકે છે. ભારતને લડત આપ્યા પછી અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે જીતનું ખાતું ખોલાવવા પ્રયાસ કરશે.
ભારત વિરૂદ્ધ ઉત્કૃષ્ટ પ્રદર્શન પછી અફઘાનિસ્તાનની ટીમમાં જબરજસ્ત આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો હોય તેવું લાગે છે. કેપ્ટન ગુલબદીન નઇબે રવિવારે બાંગ્લાદેશની ટીમને ચેતવણી આપી હતી. પ્રેસ કોન્ફરન્સનાં નઇબે બાંગ્લાદેશ સાથેની મેચ અંગે પૂછ્યું તો તેઓએ કહ્યું, “હમ તો ડૂબે હૈ સનમ, તમુકો લેકર ડૂબેંગે” તેમના આ જવાબથી સોશિયલ મીડિયામાં હલચલ જોવા મળી રહી છે. અનેક લોકોએ અફઘાનિસ્તાનની મજબૂતીની પ્રશંસા કરી છે અને કહ્યું કે આ ટીમ કોઈનો પણ ખેલ બગાડી શકે છે. નઇબે વધુમાં કહ્યું કે, “અમે બાંગ્લાદેશ વિરૂદ્ધની મેચને સહેલી નથી માનતા. તે એક ઘણી જ સારી ટીમ છે અને વર્લ્ડ કપમાં તેઓએ પોતાને પુરવાર કરી છે. પરંતુ એક વાત મારી ટીમ માટે પણ છે કે અમને જીતવું પણ સહેલું નથી. પહેલાં ચાર-પાંચ મેચમાં અમે ખરાબ પ્રદર્શન કર્યુ હતું પરંતુ અમે દરરોજ અમારી રમત સુધારી રહ્યાં છીએ. મારા ખ્યાલથી બાંગ્લાદેશ વિરૂદ્ધ અમારો દિવસ હશે.
સાથોસાથ વિશ્વકપમાં યુવરાજસિંગ બાદ શાકિબ અલ હસન બીજો એવો ખેલાડી બન્યો કે જેને અર્ધ સદી ફટકારી વિરોધીઓની પાંચ વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાન સામેનાં મેચમાં શાકિબે ૬૯ બોલ રમી ૫૧ રન નોંધાવ્યા હતા જયારે તેનાં ૧૦ ઓવરનાં સ્પેલમાં ૨૯ રન આપી ૫ વિકેટ ખેરવી હતી. એવી જ રીતે યુવરાજસિંગે ૨૦૧૧માં આયરલેન્ડ સામે ૭૫ બોલમાં નાબાદ ૫૦ રન નોંધાવ્યા હતા અને વિરોધીઓને ૩૧ રન આપી ૫ વિકેટ ઝડપી હતી જેથી યુવરાજસિંગ બાદ બાંગ્લાદેશનો શાકિબ અલ હસન વિશ્વકપનો બીજો એવો ખેલાડી બન્યો છે કે જેને બેવડી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.