બેંકની 69મી એ.જી.એમ. પછી ડાયરેકટરોની બેઠકમાં બંને આગેવાનો બિનહરીફ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના ચેરમેનપદે શૈલેષભાઇ ઠાકર અને વાઇસ ચેરમેનપદે જીમ્મીભાઇ દક્ષીણી બિનહરીફ વરાયા છે. બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે યોજાયેલી 69મી વાર્ષિક સાધારણ સભા બાદ તુરત બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સની સભા પણ યોજાઇ હતી. જેમાં ચેરમેનપદ માટે શૈલેષભાઇ ઠાકર અને વાઇસ ચેરમેનપદ માટે જીમ્મીભાઇ દક્ષીણીના નામની દરખાસ્ત આવી હતી. જેની સામે અન્ય કોઇએ ઉમેદવારી નહી નોંધાવતા આ બંને ડિરેકટરો સન 2022-2023ના વર્ષ માટે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા.
યુવા અને અગ્રણી ઉદ્યોગપતિ શૈલેષભાઇ સન 2011થી ડિરેકટર પદે સેવાઓ આપી રહ્યા છે. વાઇસ ચેરમેનપદ બાદ ગત વર્ષે ચેરમેન તરીકે જવાબદારી નિભાવેલી છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન, લઘુ ઉદ્યોગભારતી અને અન્ય સંસ્થાઓમાં સતત સક્રિય યોગદાન આપી રહ્યા છે.
જીમ્મીભાઇ દક્ષીણી પારિવારિક વ્યવસાય પી. પ્રભુદાસ એન્ડ કંપનીમાં પૂર્ણપણે કાર્યરત છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં સન 2011થી ડિરેકટર પદે સેવાઓ આપી રહ્યા છે. ગત વર્ષે વાઇસ ચેરમેન તરીકે જવાબદારી નિભાવી છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ઉપરાંત તેઓ લોહાણા યુવક મંડળ અને વિવિધ સંસ્થાઓમાં સતત સક્રિય યોગદાન આપી રહ્યા છે.
યુવાવયના નવનિયુક્ત બંને મહાનુભાવોને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપરાંત સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને શુભેચ્છકો તરફથી અગણિત શુભેચ્છાઓ મળી રહી છે.