ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભર્યું: અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી પાટીદાર ચોક સુધીનો વિશાળ રોડ-શો: રોડ-શોમાં અલગ-અલગ ૨૪ જગ્યાએ શહેનશાહનું સ્વાગત
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન, ઉઘ્ધવ ઠાકરે, પ્રકાશસિંહ બાદલ, ડો.અનિલ જૈન, ઓમ માથુર અને ભુપેન્દ્ર યાદવ સહિતના રાષ્ટ્રીય નેતાઓની હાજરી
ભાજપના ૩૦ હજારથી વધુ કાર્યકરોએ ગાંધીનગર ખાતે બસ સ્ટેન્ડથી પથિકાશ્રમ સુધીની વિશાળ માનવ સાંકળ રચી અમિત શાહનું અભિવાદન કર્યું: વિજયોત્સવ જેવો માહોલ
ભારતીય રાજનીતિના ચાણકય ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ પૂર્વે તેઓએ અમદાવાદ ખાતે ૪ કિલો મીટરનો વિશાળ રોડ-શો યોજી પોતાની તાકાત વિપક્ષોને બતાવી દીધી હતી. ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ રોડ-શોમાં ૧ લાખથી વધુની માનવમેદની ઉમટી પડી હતી. અલગ-અલગ ૨૪ સ્થળોએ શહેનશાહનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના ૩૦ હજારથી વધુ કાર્યકરોએ ૮૦૦ મીટર લાંબી માનવ સાંકળ રચી પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષનું અભિવાદન કર્યું હતું. ઠેર-ઠેર અમિત શાહને ગુજરાત કા બેટાના સંબોધન સાથે આવકાર આપવામાં આવ્યો હતો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે નામાંકનપત્ર દાખલ કરવાના હોય રાજયભરમાંથી ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરો વિશાળ સંખ્યામાં અમદાવાદ તથા ગાંધીનગર ખાતે ઉમટી પડયા હતા. ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે અમિત શાહે નારણપુરા ખાતે આવેલા પોતાના જુના નિવાસ સ્થાન શ્રી સરદાર પટેલની પ્રતિમાથી સવારે ૯:૨૦ કલાકે ૪ કિલોમીટર લાંબા રોડ-શોનો આરંભ કર્યો હતો. આ તકે તેઓએ કાર્યકરોને ટુંકુ સંબોધન પણ કર્યું હતું. નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા, પલ્લવ ચાર રસ્તા, પ્રભાત ચોક થઈ પાટીદાર ચોકમાં આ રોડ-શોનું સમાપન થયું હતું. ૩ કલાક સુધી ચાલેલા આ વિશાળ રોડ-શોમાં અલગ-અલગ ૨૪ જગ્યાએ વિવિધ સમાજના લોકો દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રોડ-શોના રૂટ પર ૨૫ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. ૩ કલાક સુધી ચાલેલા અમિત શાહના રોડ-શોમાં તેઓએ પોતાની તોતીંગ જીતનું રિહર્સલ રજુ કરી દીધું હોય તેવો અદભુત માહોલ જોવા મળ્યો હતો. અમિત શાહ અને ગુજરાતમાં ભાજપના આ શકિત પ્રદર્શનમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, નિતીન ગડકરી, રામવિલાસ પાસવાન ઉપરાંત એનડીએમાં સામેલ શિવસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉઘ્ધવ ઠાકરે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ બાદલ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈન, ગુજરાતના રાષ્ટ્રીય પ્રભારી ભુપેન્દ્ર યાદવ સહિતના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત મંત્રીમંડળના તમામ સભ્યો, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના સંગઠનના હોદેદારો તથા ગુજરાતની જે ૧૯ બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તે તમામ ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
૩ કલાક સુધી ચાલેલા ૪ કિલોમીટર લાંબો રોડ-શો જયારે અમદાવાદમાં પૂર્ણ થઈ અમિત શાહની શાહી સવારી ગાંધીનગરે પહોંચી ત્યારે ભાજપના ૩૦ હજારથી વધુ કાર્યકરોએ સેકટર ૬/૭ના બસ સ્ટેન્ડથી પથિકાશ્રમ સુધી વિશાળ માનવ સાંકળ રચી પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષનું જોરદાર અભિવાદન કર્યું હતું. બપોરે ૧:૨૦ કલાકે અમિત શાહે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે જઈ લોકસભાના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર દાખલ કર્યું હતું.