કારગિલ યુદ્ધનાં શહીદ સ્વ.દિનેશભાઈ વાઘેલાનાં પરિવારનું અભિવાદન કરાયું: ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની રમઝટ બોલી
આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ, તેની વેદનામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ હૃદયસ્પર્શી કાવ્ય ‘ફૂલમાળ’ રચેલું: ‘વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ’. ફાંસીને દિવસે જેલની કોટડીની સફાઈ કરતા વાલ્મીકિ સમાજના વયોવૃદ્ધ સફાઈ કામદારભાઈની હાથની બનેલી ‘રોટી’ ખાવાની ઈચ્છા ભગતસિંહે વ્યકત કરેલી. શહીદ ભગતસિંહે અંતિમ સમયે ખાધેલી વાલ્મીકિ સમાજની આ રોટીનું ઋણ અને મૂલ્ય કયારેય વીસરાશે નહીં.
આથી પ્રેરાઈને સતત સાતમા વર્ષે શહિદ દિને સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા શહીદ વંદનાનું ભવ્ય આયોજન અમદાવાદ-સાબરમતી ખાતે થયું હતું. નવી પેઢી પ્રેરિત થાય તે હેતુથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, સાબરમતી વાલ્મીકિ સમાજ તથા ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી દ્વારા આ સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ૧૯૯૯નાં કારગિલ યુદ્ધમાં માતૃભૂમિની રક્ષા કાજે પ્રાણની આહૂતિ આપનાર વાલ્મીકિ સમાજના વીર શહીદ સ્વ.દિનેશભાઈ વાઘેલાના માતા-પિતા કુસુમબેન-મોહનભાઈ વાઘેલા અને ભાઈ રાજેશભાઈ વાઘેલા, સાબરમતીના કોર્પોરેટર ચેતનભાઈ પટેલ, વાલ્મીકિ સમાજમાંથી કે.સી.વાઘેલા, કિશોરભાઈ સોલંકી, શીખ સમાજમાંથી દેવીન્દર સિંઘ, કુલદીપ સિંઘ, ભજન સિંઘ અને દલજિત સિંઘ બિટ્ટી, જૈન સમાજમાંથી જતીનભાઈ ધીયા અને રૂપાબેન-મિતાલી મહેતા, પીયુષભાઈ વ્યાસ, જનકભાઈ રાવલ, વાયોલિન-વાદક જયંતી કબીરા સહિત મોટી સંખ્યામાં વાલ્મીકિ, શીખ અને અન્ય સમાજની ઉપસ્થિતિ રહી. બહેનો અને યુવાનોની વિશેષ હાજરી રહી. વિશ્ર્વભરમાં વસતા છ લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્રમનું ઈન્ટરનેટ પર પણ જીવંત પ્રસારણ માણ્યું હતું.
ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. વાલ્મીકિ સમાજમાંથી આવતા લોકગાયક-ભજનિક ગંગારામ વાઘેલા અને તેમની ૧૦ વર્ષની પૌત્રી ઘ્વનિ દિલીપભાઈ વાઘેલા અને તેજલબેન રાણાએ પણ સમસ્ત વંચિત સમાજ વતી સ્વરાંજલિ અર્પણ કરી હતી. હાસ્યકાર હરિસિંહ સોલંકી પોતાની આગવી શૈલીમાં રસપ્રદ વાતો કહી હતી. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન હતું. આલેખિત વાલ્મીકિ સમાજનાં શૌર્ય, શીલ, સ્વાર્પણની ગૌરવગાથાઓની હૃદયસ્પર્શી રજુઆત પિનાકી મેઘાણીએ કરી હતી. વાલ્મીકિ સમાજમાંથી આવતા વાદ્ય-વૃંદ ચંદ્રકાંતભાઈ સોલંકી (તબલા) અને સાથીઓ નિકુમ વાઘેલા, સુરેશ સોલંકી (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), જગદીશ વાઘેલા, દારાસિંહ, મોહિત વાઘેલા (મંજીરા), મલ્હાર વાઘેલા (તબલા), શુભાંગ વાઘેલા (કરતાલ)એ બખુબી સાથ આપ્યો.
સમસ્ત વાલ્મીકિ અને શીખ સમાજની લાગણી નિહાળીને પિનાકી મેઘાણીએ ભાવવિભોર થઈ ગયા અને સહુનો હૃદયથી આભાર માન્યો હતો. વિરમદેવ સોસાયટીમાં રહેતા નિવૃત સરકારી કર્મચારી ધનજીભાઈ એ.વાઘેલા, તેમના પુત્ર બળદેવભાઈ વાઘેલા અને જમાઈ કે.સી.વાઘેલા સાથે પિનાકી મેઘાણીએ પ્રીતિ-ભોજન પણ લીધું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃતિઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મુલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.