ગૃહ પ્રધાને યુપીની ચુંટણી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું, 4 જાન્યુઆરી સુધી સંખ્યાબંધ કાર્યક્રમોમાં લેશે ભાગ
ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના મહત્વને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહ પણ આગામી દિવસોમાં પોતાનું સંપૂર્ણ ધ્યાન અહીં રાખવાના છે. શાહ આગામી 10 દિવસમાં 7 વખત ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. તેમનો યુપી પ્રવાસ 24મીએ પ્રયાગરાજથી શરૂ થશે અને 4 જાન્યુઆરી સુધી ચાલશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તેઓ અયોધ્યા જશે અને રામ લલ્લાના દર્શન કરશે, તેમજ શહેરમાં ચૂંટણી રેલીઓ અને રોડ શોમાં ભાગ લેશે.
આ પ્રવાસમાં અમિત શાહ 21 સભાઓ અને ત્રણ રોડ શો કરશે. અમિત શાહનો રોડ શો બરેલી, અયોધ્યા અને ગોરખપુરમાં યોજાશે. તેઓ ઉત્તર પ્રદેશના તેમના પ્રવાસમાં 140 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેશે. શેડ્યૂલ મુજબ અમિત શાહની એક બેઠકમાં સાત વિધાનસભા ક્ષેત્રોને સામેલ કરવામાં આવશે. તેમાં ત્રણ ઓબીસી વિધાનસભા મતવિસ્તાર, બે શહેરી વિસ્તારો, એક અનુસૂચિત જાતિ, આદિવાસી વિધાનસભા મતવિસ્તાર અને એક મુસ્લિમ બહુમતી ધરાવતો વિધાનસભા મતવિસ્તાર હશે. અમિત શાહના આ તોફાની પ્રવાસમાં છેલ્લા 3 દિવસમાં ત્રણ રોડ શો યોજાશે, જે અયોધ્યા, ગોરખપુર અને બરેલીમાં થવાના છે. જનવિશ્વાસ યાત્રામાં જોડાઈને અમિત શાહ આ રોડ શો કરશે.
ગૃહમંત્રી અમિત શાહ સંસદનું સત્ર પૂરું થતાંની સાથે જ યુપીની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાના છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં ઉત્તર પ્રદેશના પ્રભારી મહાસચિવ તરીકે અમિત શાહે લોકસભા ચૂંટણીમાં મોટો ફેરફાર કર્યો હતો. તે સમયે પાર્ટીએ 73 લોકસભા સીટો જીતી હતી.
આ પછી 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી અધ્યક્ષ પદ પર રહીને પણ તેમણે ચૂંટણીની કમાન પોતાના હાથમાં રાખી હતી. પરિણામોએ ઉત્તર પ્રદેશમાં 35 વર્ષના ચૂંટણી ઈતિહાસનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. પાર્ટીએ 2017ની વિધાનસભામાં 325 બેઠકો જીતી હતી, 2019માં અમિત શાહે ફરી એકવાર લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું.