વર્ષ 2022ના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સત્તાધારી પક્ષ ભાજપ કોના નેતૃત્વમાં લડશે. પક્ષ ફરી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે વિજયભાઈ રૂપાણીના ચહેરાને સમાવી શકશે કે પછી કોઈ નામ જાહેર કર્યા વિના જ ચૂંટણી જંગમાં ઝંપલાવશે આવી તર્કહિન વાતો પર કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ચાણકય અમિત શાહની ગુજરાતની મુલાકાત બાદ મોટુ પૂર્ણ વિરામ મૂકાય ગયું છે.બીજા શબ્દોમાં કહીએ તો શહેનશાહે રૂપાણીને ગુજરાતના સરતાજ તરીકે વધુ મજબુત બનાવી દીધા છે. સમાંયતરે રૂપાણીનું હવે રાજીનામું લઈ લેવામાં આવશે તેવી વાતો ઉભી કરનારને શાનમાં સમજાવી દેવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે બંધ બારણે બેઠક કરી તેઓને પણ રાજકીય માપમાં રહેવા સમજાવી દેવામાં આવ્યું છે.

કોઠાસુઝથી કોરોનાના કપરાકાળ અને વિનાશક વાવાઝોડામાં ગુજરાતની જનતાને સાંગોપાંગ ઉગારી લેનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીનો હવે વાળ પણ વાંકો નહી થાય

ભાજપના ચાણકય અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નીતિન પટેલ અને સી.આર.પાટીલને શાનમાં સમજાવી દીધા: ‘માપ’માં રહેવા આડકતરો ઈશારો

છેલ્લા અઢી દાયકામાં ગુજરાતમાં ભાજપનું શાસન છે. નરેન્દ્રભાઈ મોદીને બાદ કરતા અન્ય મુખ્યમિંઅ ભાજપ માટે અપશુકનિયાળ સાબિત થયા છે. કેશુભાઈ પટેલના કાર્યકાળમાં ગુજરાતમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેના કારણે પક્ષની આબરૂને મોટો ઝાટકો લાગ્યો હતો. પરિણામે નેતૃત્વ પરિવર્તન કરવાની ફરજ પડી હતી. દરમિયાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું બહુમાન હાંસલ કરનાર આનંદીબેન પટેલના શાસનમાં રાજયમાં અનામતની માંગ સાથે પાટીદાર આંદોલન ફાટી નીકળ્યું હતુ.

સનદી અધિકારીઓ પણ ખોટા ખ્યાલમાં ન રાચે રાજયમાં સર્વે સર્વા રૂપાણી છે અને રહેશે જ: કોઈપણ પક્ષ કે સમાજ ગમે તેટલા ધમપછાડા કરે ભાજપ ધાર્યું જ કરશે

જેના કારણે રાજયમા સૌથી વધુ વસતી ધરાવતો પાટીદાર સમાજ પક્ષથી વિમૂખ થઈ ગયો હોય તેવો માહોલ ઉભો થતા આનંદીબેન પાસેથી પણ ખૂરશી છીનવી લેવામાં આવી હતી. નરેન્દ્રભાઈ મોદી બાદ હવે વિજયભાઈ રૂપાણી ભાજપ માટે શુકનવંતા સાબિત થઈ રહ્યા છે. કોરોનાકાળ કે વિનાશક વાવાઝોડુ કેપછી અન્ય કોઈપણ મૂસિબત હોય રૂપાણીએ પોતાની કોઠા સુઝથી ગુજરાતની જનતાને સાંગોપાંગ ઉતારી લીધી છે. એટલું જ નહી કોરોનાની ત્રીજી લહેર સામે લડવા પણ તેઓએ વહીવટીતંત્રને સજજ કરી દીધું છે.

ગૃહમંત્રી અમિત શાહ જયારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હતા ત્યારે એવી વાતો વહેતી થવા માંડી હતી કે, રાજયમાં હવે નેતૃત્વ પરિવર્તન થશે. આ પૂર્વ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ગુજરાતની મુલાકાત, ગુજરાતના રાષ્ટ્રીય પ્રભારી ભુપેન્દ્ર યાદવની ધારાસભ્યો અને સંગઠનના હોદેદારો સાથેની બેઠક અને સંગઠન મહામંત્રી વી.સતિષની મુલાકાત પણ ધણી સુચક રહેવા પામી હતી.

અમીત શાહે ગુજરાતની મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે બંધ બારણે બેઠક કરી હતી. અને તેઓને શાનમાં સમજાવી દીધા હતા કે ગુજરાતનાં સરતાજ રૂપાણી છે. અને રહેશે.

શાહની મુલાકાત દરમિયાન રાજયના આઈ.એ.એસ અધિકારીઓની સામુહિક બદલી કરવામા આવી હતી. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી. આ ઉપરાંત આઈપીએસ અધિકારીઓની બદલીનું લીસ્ટ પણ અમીત શાહના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે. ગમે ત્યારે બદલીનો ઘાણવો કાઢવામાં આવશે.

અમિત શાહની ગુજરાતની મુલાકાત ભાજપ માટે ઘણી જ સુચક રહેવા પામી છે. નવેમ્બર-2022માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપનો મુખ્યમંત્રી પદનો ચહેરો વિજયભાઈ રૂપાણી જ રહેશે. તેમાં શંકાને કોઈ સ્થાન હવે બચ્યું નથી શાહે રૂપાણીના હાથ વધુ મજબુત બનાવી દીધા છે. રાજયમાં નેતૃત્વ પરિવર્તન થશે. એવા ખ્વાબમાં રાચતા સનદી અધિકારીઓને પણ ઈશારામાં સમજાવી દેવામાં આવ્યા છે કે રૂપાણી જ સર્વેસર્વા છે અને રહેશે.

બીજી તરફ અમિત શાહ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસેથી ગુજરાતનો સંપૂર્ણ હવાલો પોતાની પાસે જ રહેશે તે નકકી કરાવીને આવ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું હતુ. ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ પોતાનું રાજકીય કદ વધુ છે તે સાબિત કરવા માટે અમૂક નેતાઓ હવે અસંતોષ કે રોષ છે તેવો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરશે આવા રાજકીય કાચીંડાઓને અમિત શાહે ચૂંટણીના દોઢ વર્ષ અગાઉ જ શાંત કરી દીધા છે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પક્ષને ઐતિહાસીક જીત અપાવનાર સી.આર. પાટીલને પણ સમજાવી દેવામા આવ્યા છે. ભાજપની જીત માટે મજબૂત સંગઠનનો જેટલો ફાળો છે તેનાથી વધુ ફાળો રૂપાણી સરકારે છેલ્લા ચાર વર્ષ દરમિયાન કરેલા લોકપયોગી કામોનો પણ છે. સંઠનને લગતા કોઈપણ નિર્ણય લેતા પહેલા મુખ્યમંત્રીને ચોકકસ વિશ્ર્વાસમં લેવા જેવી પણ તાકીદ કરવામા આવી છે.બીજી તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બે દિવસ પહેલા એવું નિવેદન આપ્યું હતુ કે, મંત્રી મંડળના વિસ્તરણની હાલ કોઈ જ વિચારણા નથી આ વાત સાબિત કરે છે કે શાહની ગુજરાત મુલાકાત વિજયભાઈના હાથ વધુ મજબુત બનાવી ગઈ છે.

વિધાનસભાની ચૂંટણીનાં આડે હવે દોઢ વર્ષથી પણ ઓછો સમયગાળો બચ્યો છે. ત્યારે કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે. આપ હજી પાંખો ફેલાવી રહી છે. ત્યારે ભાજપે અમિત શાહને ગુજરાતનો હવાલો સોંપી દીધો છે. અને શાહના નિર્ણયોથી ચૂંટણી પૂર્વે જ ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.