અઠવાડીયામાં બદલીના સસ્પેન્સ ઉપરથી પડદો ઉઠી જશે ?
ઘણા લાંબા સમયથી પેન્ડિંગ રહેલી અધિકારીઓની બદલી અંતે નક્કી, ગમે ત્યારે જાહેરાત
અબતક, રાજકોટ : શહેનશાહે આઈએએસ અને આઇપીએસની બદલીનો ગંજીપો ચિપી દીધો છે. હવે કૉને શિરપાઉ અને કોને સજા મળે છે તેના ઉપર સૌની મીટ મંડરાયેલી છે. અઠવાડિયાની અંદર ગમે ત્યારે બદલીની જાહેરાત થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
ગુજરાતના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓ થવાની છે. ઘણાં લાંબા સમયથી પડતર રહેલી બદલીના ઓર્ડર ટૂંક સમયમાં થાય તેવુ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. શહેરોમાં મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો અને ડીડીઓની યાદી પણ તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પોલીસ વિભાગમાં રેન્જ, કમિશન અને એસપી સહિતના અધિકારીઓનું પણ લિસ્ટ તૈયાર થઈ ગયું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઘણા લાંબા સમયથી આઈએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી પેન્ડિંગ પડી છે. ત્યારે ગઈકાલે અમિત શાહે બદલીનો ગંજીપો ચિપી નાખ્યો છે. અધિકારીઓને ક્યાંથી ક્યાં મુકવાના છે. તે નક્કી થઈ ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ બદલીની જાહેરાત એક અઠવાડિયાની અંદર ગમે ત્યારે થઈ શકે છે. આ બદલીની જાહેરાત ઉપર સૌની મીટ મંડરાયેલી છે. અધિકારીઓને રાજામાંથી વજીર અને ક્યાં અધિકારીઓને વજીરમાંથી રાજા બનાવવામાં આવશે તે ચર્ચાનો વિષય બન્યું છે.