- આજે રાત્રે જ અમદાવાદ આવી જશે
- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની કરશે ઉજવણી: બુધવારે જિલ્લા અને મહાનગરોના પ્રમુખોના નામ જાહેર કરાય તેવી સંભાવના
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આવતીકાલથી ત્રણ દિવસ માટે માદરે વતન ગુજરાતમાં ધામા નાંખશે. આજે મોડી રાતે તેઓનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થઇ જશે. આવતીકાલે અમિતભાઇ તેઓ મેમનગર શાંતિ નિકેતન સોસાયટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે પતંગ ઉડાડવાનો આનંદ ઉઠાવશે. આ ઉપરાંત થલતેજ ખાતે કાર્યકર્તાઓના નિવાસસ્થાને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે અને પતંગ ચગાવશે. ઘાટલોડિયામાં પોલીસ સ્ટેશન અને આવાસ સહિતના વિવિધ વિકાસ કામોના કાર્યક્રમમાં સહભાગી થશે. કાલે સાંજે ન્યૂ રાણીપમાં આર્ય વિલા ફ્લેટ અને સાબરમતીમાં અર્હમ ફ્લેટ ખાતે ઉત્તરાયણની ઉજવણીમાં સામેલ થશે. દરમિયાન બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ કલોલના માણસા ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યારે 16મીએ ગુરૂવારના રોજ વડનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બાળપણમાં જે સ્કુલમાં અભ્યાસ કર્યો હતો તે પ્રેરણા સંકુલનું ઉદ્ઘાટન પણ કરશે. ભાજપ દ્વારા હાલ ગુજરાતમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે. જે અંતર્ગત સંગઠન રચનાની કામગીરી ચાલી રહી છે. બુથ સમિતિની રચના કરાયા બાદ મંડલ પ્રમુખોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે જિલ્લા અને મહાનગરોના પ્રમુખો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા આટોપી લેવામાં આવી છે. 10મી જાન્યુઆરી સુધીમાં જિલ્લા અને મહાનગરોના પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવશે. તેવી ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં અનેક સ્થળોએ વિવાદ ફાટી નિકળતા મામલો દિલ્હી દરબાર સુધી પહોંચી ગયો છે. જેના કારણે અધ્યક્ષોના નામ જાહેર થઇ શક્યા નથી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામ જિલ્લા-મહાનગરોના પ્રમુખના નામો ફાઇનલ કરી લીધા હોવાનું અને નામ અમિત શાહ સમક્ષ રજૂ કરી દીધા હોવાનું ચર્ચાય રહ્યું છે. કાલથી અમિતભાઇ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોય શાહ-પાટીલ સાથે બેસી પ્રમુખોના નામોને મહોર મારી દેશે. સંભવત: બુધવારે રાત્રિ સુધીમાં જિલ્લા-મહાનગરોના પ્રમુખોના નામ જાહેર કરી દેવામાં આવે તેવું હાલ દેખાય રહ્યું છે. કમુરતા ઉતરતાની સાથે જ રાજ્ય સરકારના મંત્રી મંડળના વિસ્તરણની સંભાવના પણ દેખાય રહી છે ત્યારે ગુજરાતની ત્રણ દિવસની મૂલાકાત દરમિયાન અમિતભાઇ મંત્રી મંડળમાંથી કોને પડતા મુકવા અને કોનો સમાવેશ કરવા તે અંગે પણ નિર્ણય લઇ લ્યે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.